બેંગલુરુ: કન્નડ ટેલિવિઝન ઉદ્યોગની જાણીતી અભિનેત્રી કાવ્યા ગૌડાના પરિવારમાં ચાલી રહેલો આંતરિક વિવાદ લોહિયાળ જંગમાં ફેરવાયો છે. કાવ્યાએ 2021માં બેંગલુરુના એક બિઝનેસમેન સોમશેખર સાથે લગ્ન કર્યા હતાં. તેઓ જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા. જોકે, તાજેતરમાં એક પારિવારિક ઝઘડા દરમિયાન તેના પતિ સોમશેખર પર તેના જ એક સંબંધીએ છરી વડે હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
ઘરકંકાશમાં થયો હુમલો
"ગાંધારી" અને "રાધા રમણ" જેવા લોકપ્રિય શો દ્વારા ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી કાવ્યા ગૌડાની ઘરેલુ કંકાસે હિંસક વળાંક લીધો છે. કાવ્યાના પરિવારમાં લાંબા સમયથી તણાવ ચાલતો હતો. તેની નાની પુત્રીની સંભાળ રાખવા અને અન્ય ઘરેલું બાબતો અંગે વાતચીત ચાલી રહી હતી. આ સામાન્ય વાતચીતે ઉગ્ર દલીલનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દરમિયાન મામલો એટલો બિચક્યો કે સોમશેખરના ભાઈ અને અન્ય સંબંધીઓએ તેમના પર છરી વડે હુમલો કરી દીધો હતો.
બંને પક્ષે નોંધાવી પોલીસ ફરિયાદ
હુમલા બાદ સોમશેખરને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. એક તરફ કાવ્યાની બહેન ભવ્યાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સોમશેખરના ભાઈ અને સંબંધીઓ વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે બીજી તરફ સામે પક્ષે પણ વળતી ફરિયાદ કરવામાં આવી છે.
CCTV ફૂટેજથી સામે આવશે સત્ય
કાવ્યા ગૌડાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, "આ આખી ઘટના ગેરસમજ અને ખોટા આરોપોનું પરિણામ છે. સત્યને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. ઘરના ટીવી ફૂટેજ તપાસવામાં આવશે, જે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે." જોકે, હાલ કાવ્યાનું પૂરું ધ્યાન તેના પતિના સ્વાસ્થ્ય અને પુત્રીની સુરક્ષા પર છે.