જૂનાગઢ: ગુજરાતની પ્રતિભાશાળી ટેનિસ ખેલાડી જેન્સી કાનાબારે માત્ર 14 વર્ષની ઉંમરે વિશ્વ સ્તરે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. જેન્સીએ વિશ્વના ટોચના 8 ખેલાડીઓમાં સ્થાન મેળવીને ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક એલાઇટ ટ્રોફી માટે ક્વોલિફાય કર્યું છે. આ સિદ્ધિ મેળવનાર તે ભારતની ઉભરતી ટેનિસ સ્ટાર બની ગઈ છે.
સાડા ત્રણ વર્ષની ઉંમરે પકડ્યું ટેનિસ રેકેટ
જેન્સીની આ સફળતા પાછળ 11 વર્ષની સતત મહેનત રહેલી છે. ફળિયાના બાળકો સાથે રમકડાં કે ઘરગથ્થા રમવાની ઉંમરમાં જેન્સીએ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. તેની પ્રતિભાને ઓળખીને તેના પિતા દીપકભાઈ કાનાબારે પોતે જ કોચિંગની જવાબદારી ઉપાડી અને જૂનાગઢમાં જ દીકરી માટે બે વિશેષ ટેનિસ કોર્ટ તૈયાર કરાવ્યા હતા. પિતાના કોચિંગ અને પોતાની મહેનતના પરિણામે આજે જેન્સી કાનબારાનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યું છે.
જેન્સી અંડર-14 અને અંડર-16 કેટેગરીમાં ભારત અને એશિયામાં નંબર-1 રહી ચૂકી છે. હાલમાં તે અંડર-18માં વિશ્વમાં 293મો ક્રમ ધરાવે છે. જેન્સી ક્લે કોર્ટ અને સિન્થેટિક કોર્ટ બંનેમાં નેશનલ ચેમ્પિયન છે. તે ત્રણ વખત ATF (એશિયન ટેનિસ ફેડરેશન) ચેમ્પિયન પણ બની છે. તે અગાઉ ફિલિપાઈન્સ, કંબોડિયા, મલેશિયા અને યુકે જેવા દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.
સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી
જેન્સી પોતાની સફળતાનો શ્રેય શિસ્તબદ્ધ ડાયેટ, પૂરતી ઊંઘ અને પિતાના માર્ગદર્શનને આપે છે. તે દરરોજ 5 થી 6 કલાક આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ કઠોર પ્રેક્ટિસ કરે છે. મીડિયા સાથેની વાતચીતમાં જેન્સીએ આજના બાળકોને મહત્વની સલાહ આપતા જણાવ્યું છે કે, "ડિજિટલ દુનિયા અને સોશિયલ મીડિયાની માયાજાળમાંથી બહાર નીકળીને જીવનમાં એક લક્ષ્ય નક્કી કરો. સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી."
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢની દીકરી જેન્સી કાનબારા હવે ઓસ્ટ્રેલિયામાં રમાનારી મેજર ગ્રાન્ડ સ્લેમ ઇવેન્ટમાં ભારતની શાન વધારવા સજ્જ છે. આખું જૂનાગઢ અને દેશ તેની ઓસ્ટ્રેલિયન ઓપન સફર માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યો છે.