Tue Jan 27 2026

Logo

White Logo

અબુ ધાબીમાં એઆર રહેમાનનો જાદુ, 'વંદે માતરમ' ગાઈને ટ્રોલ્સની બોલતી કરી બંધ...

abu dhabi   3 days ago
Author: Tejas
Video

AR Rahman Abu Dhabi


મુંબઈ: ઓસ્કર વિજેતા મ્યુઝિક મેસ્ટ્રો એઆર રહેમાને તાજેતરમાં વિવાદોની વચ્ચે પોતાની સંગીતમય શક્તિનો પરચો આપ્યો છે. અબુ ધાબીના એતિહાદ એરિનામાં 23 જાન્યુઆરીના રોજ યોજાયેલા એક ભવ્ય કોન્સર્ટમાં રહેમાને પોતાના અવાજથી હજારો લોકોના દિલ જીતી લીધા હતા. છેલ્લા કેટલાક દિવસોથી બોલીવુડમાં પક્ષપાત અને રાજકીય નિવેદનોને લીધે રહેમાન ટીકાકારોના નિશાને હતા, પરંતુ યુએઈની ધરતી પર તેમણે રાષ્ટ્રભક્તિના ગીતો ગાઈને તમામ ટીકાકારોને સંગીતની ભાષામાં જડબાતોડ જવાબ આપ્યો છે.

એઆર રહેમાનના આ 4 કલાક લાંબા કોન્સર્ટમાં અંદાજે 20000થી વધુ ચાહકો ઉમટી પડ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો મુજબ, રહેમાને કોન્સર્ટની શરૂઆત જ મણિરત્નમની ફિલ્મ 'આયુથા એઝુથુ' ના પ્રખ્યાત ગીત 'જન ગણ મન' થી કરી હતી. કોન્સર્ટના અંતે જ્યારે ચાહકોને લાગ્યું કે કાર્યક્રમ પૂર્ણ થયો છે, ત્યારે રહેમાને 'વંદે માતરમ - મા તુઝે સલામ' ગાઈને સમગ્ર એરેનામાં દેશભક્તિનો માહોલ ઉભો કરી દીધો હતો. ફિલ્મમેકર શેખર કપૂરે પણ આ સાંજને અત્યંત ગંભીર અને ભાવુક ગણાવી હતી.

બોલીવુડ અને 'સાંપ્રદાયિક' ભેદભાવ પરના નિવેદનથી થયો હતો વિવાદ

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે એઆર રહેમાને બીબીસી એશિયન નેટવર્કને આપેલા એક ઈન્ટરવ્યુમાં બોલીવુડમાં કામ મળવા બાબતે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા આઠ વર્ષમાં સત્તાના સમીકરણો બદલાયા છે અને કદાચ 'સાંપ્રદાયિક' કારણોસર તેમને હિન્દી ફિલ્મોમાં ઓછું કામ મળી રહ્યું છે. આ ઉપરાંત તેમણે ફિલ્મ 'છાવા' ને લઈને પણ કેટલીક ટિપ્પણીઓ કરી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. કેટલાક લોકોએ તો એવો દાવો પણ કર્યો હતો કે રહેમાન 'વંદે માતરમ' ગાવાનો ઇનકાર કરી ચૂક્યા છે.

જ્યારે સોશિયલ મીડિયા પર રહેમાન વિરુદ્ધ નકારાત્મકતા વધી, ત્યારે તેમના બાળકો ખતીજા, રહીમા અને આમીન રહેમાને પિતાના સમર્થનમાં પોસ્ટ મૂકી હતી. જાણીતી ગાયિકા ચિન્મયીએ પણ રહેમાનનો બચાવ કરતા અફવાઓ ફેલાવનારાઓને ઠપકો આપ્યો હતો. વધતા વિવાદ વચ્ચે રહેમાને પોતે એક વીડિયો શેર કરીને ભારત પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "ભારત મારી પ્રેરણા, મારો શિક્ષક અને મારું ઘર છે. ક્યારેક ઈરાદાઓને સમજવામાં ભૂલ થઈ શકે છે."

અબુ ધાબીના આ કોન્સર્ટમાં માત્ર રાષ્ટ્રભક્તિના ગીતો જ નહીં, પણ રહેમાને 'સ્લમડોગ મિલિયોનેર' નું ઓસ્કર વિનિંગ ગીત 'જય હો' પણ પરફોર્મ કર્યું હતું. તેમણે દક્ષિણ ભારતીય અને હિન્દી ફિલ્મોના માસ્ટરપીસ ગીતો પીરસીને સાબિત કરી દીધું કે સંગીતને કોઈ સરહદ કે ધર્મ નડતો નથી. આ કોન્સર્ટ બાદ રહેમાનના ચાહકોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, "રહેમાને પોતાના ટીકાકારોને શબ્દોથી નહીં પણ પોતાના સુરથી જવાબ આપ્યો છે."