બાર્સેલોનાઃ સ્પેનની લા લિગા ફૂટબૉલ ચૅમ્પિયનશિપમાં રિયલ મૅડ્રિડ ટીમનો પર્ફોર્મન્સ થોડા સમયથી નબળો હતો એટલે આ ટીમના ચાહકો ગુસ્સામાં હતા અને ટીમના કોચિંગ સ્ટાફમાં પણ થોડા ફેરફાર થયા હતા, પરંતુ આ માહોલમાં રિયલ મૅડ્રિડે શનિવારે વિલારિયલને 2-0થી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં ફરી મોખરાનું સ્થાન મેળવી લીધું હતું અને આ સફળતાનો સૂત્રધાર હતો કીલિયાન ઍમ્બપ્પે.
ફ્રાન્સના ઍમ્બપ્પેએ આ બન્ને ગોલ કરીને ટીમને વધુ નામોશીથી બચાવી લીધી હતી. ઍમ્બપ્પેએ 47મી મિનિટમાં અને ઇન્જરી-ટાઇમ બાદ 94મી મિનિટમાં ગોલ કર્યા હતા.
રિયલ મૅડ્રિડ (Real Madrid)ની ટીમ હવે 51 પૉઇન્ટ સાથે મોખરે છે, જ્યારે બાર્સેલોના (49) બીજા નંબર પર ધકેલાયું છે. ઍટલેટિકો મૅડ્રિડ (44) ત્રીજા નંબરે છે. જોકે રિયલ મૅડ્રિડ અને ઍટલેટિકોની સરખામણીમાં બાર્સેલોનાની એક મૅચ ઓછી રમાઈ છે.
લા લિગા (La Liga) ટૂર્નામેન્ટમાં ઍમ્બપ્પેના કુલ ગોલની સંખ્યા 21 ઉપર પહોંચી છે. ફ્રેન્ચ સ્ટારે આ 21 ગોલ 20 મૅચમાં કર્યા છે. બે અઠવાડિયા પહેલાં સ્પૅનિશ સુપર કપની બાર્સેલોના સામેની ફાઇનલમાં રિયલ મૅડ્રિડની હાર થઈ એને પગલે રિયલ મૅડ્રિડ ક્લબે તાજેતરમાં જ વિખ્યાત કોચ ઝાબી અલૉન્ઝોને તેમના હોદ્દા પરથી કાઢી નાખ્યા હતા.