પાકિસ્તાની ક્રિકેટરો પૉન્ઝીના શિકાર થયાઃ કરોડો રૂપિયા જેને આપ્યા એ બિઝનેસમૅન દેશમાંથી ભાગી ગયો!
કરાચીઃ ` લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે' એ કહેવત પાકિસ્તાન (Pakistan) ક્રિકેટમાં લાગુ પડી રહી છે, કારણકે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન જેવા ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટનો તેમ જ શાહીન શાહ આફ્રિદી, ફખર ઝમાન, શાદાબ ખાન બીજા એક ભૂતપૂર્વ કૅપ્ટન સહિત કુલ 12 જેટલા ખેલાડીઓ પાકિસ્તાનમાં ` પૉન્ઝી' સ્કિમ (Ponzi Scheme)ના શિકાર થયા છે. આ ક્રિકેટરોએ કરોડો રૂપિયા ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના મતે આ ખેલાડીઓએ કુલ મળીને એક અબજ રૂપિયાની રકમ પૉન્ઝી સ્કિમમાં ગુમાવી દીધી હોવાનું મનાય છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ધ્યાનમાં આ વાત આવી છે અને બોર્ડ આર્થિક કૌભાંડની તપાસ કરી રહ્યું હોવાનું જણાય છે. આ ખેલાડીઓએ એક પાકિસ્તાની બિઝનેસમૅનની લલચામણી સ્કિમમાં કરોડો રૂપિયા રોક્યા હતા, પણ હવે એ બિઝનેસમૅન પાકિસ્તાન છોડીને ભાગી ગયો છે.
સૂત્રો જણાવે છે કે ` આ બિઝનેસમૅન (Businessman) પાકિસ્તાની ખેલાડીઓમાં ખૂબ જાણીતો હતો. તેણે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ના કેટલાક ફ્રૅન્ચાઇઝીને સ્પૉન્સર પણ કર્યા હતા. આ વેપારીએ શરૂઆતના થોડા મહિનામાં ખેલાડીઓને નફાની તગડી રકમ આપી હતી એટલે ખેલાડીઓએ તેને વધુ મોટી રકમ ઇન્વેસ્ટમેન્ટ તરીકે આપી હતી. જોકે પછીથી તેણે ખેલાડીઓની મૂળ રકમ પોતાની પાસે રાખીને તેમને નફાની રકમ આપવાની બંધ કરી હતી.
પાકિસ્તાનના ખેલાડીઓએ આ બિઝનેસમૅનનો સંપર્ક કર્યો ત્યારે તેણે કહ્યું કે ` મેં બહુ મોટું નુકસાન કર્યું છે. તમારા તો શું મારું રોકાણ પણ મારા હાથમાંથી જતું રહ્યું છે એટલે હું તમને તમારા પૈસા પાછા આપી શકું એમ નથી.'
સૂત્રોએ જણાવ્યું હતું કે ` ખેલાડીઓને બિઝનેસમૅને આટલું કહ્યા પછી તેના ફૉન કૉલના તેમ જ મૅસેજીસના જવાબ આપવાના બંધ કરી દીધા હતા અને પાકિસ્તાન છોડીને ક્યાંક જતો રહ્યો હતો. ઘણા પાકિસ્તાની ક્રિકેટરોએ માત્ર પોતાના જ નહીં, પોતાના સગાંસંબંધીઓના પૈસા પણ આ બિઝનેસમૅન પાસે રોક્યા હતા. આ ખેલાડીઓએ કરોડો રૂપિયા ગુમાવી દીધા છે.'