Tue Jan 27 2026

Logo

White Logo

રાહુલ દ્રવિડે રોહિત શર્માની કેપ્ટનશીપ અને પ્લાનિંગ અંગે સિક્રેટ રિવિલ કર્યું, શું કહ્યું?

5 hours ago
Author: Mumbai Samachar Team
Video

બેંગલુરુ: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડે કેપ્ટનશીપ દરમિયાન રોહિત શર્માના સકારાત્મક વલણની પ્રશંસા કરી હતી અને કહ્યું કે કેપ્ટનનો મેસેજ ટીમમાં સરળતાથી પહોંચી જતા તેમનું કામ સરળ થઈ જતું હતું. દ્રવિડે લગભગ ત્રણ વર્ષ સુધી ભારતના મુખ્ય કોચ તરીકે સેવા આપી હતી. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ અમેરિકામાં 2024માં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. બાદમાં ગૌતમ ગંભીર ટીમના મુખ્ય કોચ બન્યા હતા.

રોહિત પોતાના મસ્તીભર્યા અંદાજ અને ટીમના સાથી ખેલાડીઓમાં પોતાની લોકપ્રિયતા માટે જાણીતો છે, જેના કારણે તેને મજબૂત સંબંધ બનાવવામાં મદદ મળી અને ટીમમાં સુધારા અંગે પોતાના વિચારો જણાવવા સરળ બન્યા હતા.

કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં દિગ્ગજ દ્રવિડે કહ્યું હતું કે "જ્યારે તમારો નેતા ઊભો થાય છે અને કહે છે કે, 'હું તે જ છું જે આમ કરશે, પછી ભલે તે માટે મારે ક્યારેક ક્યારેક મારી એવરેજ અને હું જે રન કરી શકું છું તેનું નુકસાન ઉઠાવવું પડે', ત્યારે તે સંદેશને (સાથી ખેલાડીઓને) પહોંચાડવાનું ઘણું સરળ બને છે. સત્ય તો એ છે કે તેમણે નેતૃત્વ કર્યું, તમે જાણો છો કે તેનાથી તમારા (કોચ)નું કામ ખૂબ સરળ બન્યું,".  

દ્રવિડે કહ્યું કે રોહિતે ઝડપથી સમજી લીધું હતું કે ભારતીય વ્હાઈટ બોલ ક્રિકેટને બદલાની જરૂર છે અને તે એક એવો ખેલાડી હતો જેણે રમતને આગળ વધારવાની જવાબદારી લીધી. મને લાગે છે કે આ બાબતમાં સૌથી સરળ ભાગ રોહિત સાથે કામ કરવું હતું જે પોતે એ વાતથી ઘણો સહમત હતો. તે પણ સમજી રહ્યો હતો કે રમત બદલાઈ રહી છે.

રાહુલે કહ્યું હતું કે "મને લાગે છે કે છેલ્લા 10 વર્ષોમાં વ્હાઈટ બોલ ક્રિકેટમાં બેટિંગની પ્રકૃતિ, બધુ જ બદલાઈ ગયું છે. કેટલીક રીતે એવું લાગી રહ્યું હતું કે આપણે થોડા પાછળ છીએ અને આપણે તેમાં વધુ સારા થવાની જરૂર છે. આપણે થોડું વધુ આગળ વધવાની જરૂર હતી.

દ્રવિડે કહ્યું હતું કે અમારે થોડા વધુ જોખમો લેવાની જરૂર હતી. રન રેટ વધી રહ્યા હતા. આ બધી બાબતો વધી રહી હતી. તેથી તે સમયે તેની સાથે વાતચીત કરવી ખરેખર ખૂબ જ સરળ હતી. મને લાગે છે કે તે સંપૂર્ણપણે સંમત હતો. તે એવી વ્યક્તિ હતી જેણે રમતને આગળ વધારવાની જવાબદારી લીધી.

રોહિતની બેટિંગની પ્રશંસા કરતા દ્રવિડે કહ્યું હતું કે ભૂતપૂર્વ કેપ્ટન આધુનિક રમતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખૂબ સારી રીતે અનુકળ થતો હતો. તેની (રોહિત) પાસે પહેલેથી જ એક અદભૂત રેકોર્ડ હતો. મારો મતલબ છે કે 2019ના વર્લ્ડ કપમાં તેનું પ્રદર્શન એકદમ અદભૂત હતું. પાંચ સદી અને તમે જાણો છો તેમ ઝડપથી રમવું. 

કોચિંગ એક સતત બદલાવની પ્રક્રિયા છે, જેમાં આજ પ્રાસંગિક છે, તે કાલે જૂનું થઈ શકે છે અને કોચે ફેરફાર માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. તેથી એક કોચે શીખવાની વાત એ છે કે તમારે ક્યારેય પણ એવી રીતે કોચિંગ ન આપવું જોઈએ જેવી તમે લીધી હોય. મને લાગે છે કે હવે હાલત ઘણો બદલાઈ ગયો છે.

તમે જાણો છો સ્વર્ગસ્થ શ્રી (કેકી) તારાપોર  એક શાનદાર કોચ હતા. જો હું હવામાં બોલ ફટકારું તો તેઓ મને દોડાવતા હતા. તેઓ મને કહેતા કે તારે બોલને જમીન પર રાખવો પડશે. તારોપોરને દ્રવિડ અને અનિલ કુંબલે સહિત અનેક મહાન ક્રિકેટરોને કોચિંગ આપવાનો શ્રેય આપવામાં આવે છે. 

રાહુલ દ્રવિડે કહ્યું કે તમે જરા કલ્પના કરો જો હું હવે તેમના દ્વારા આપેલા કોચિંગને હાલમાં આગળ વધારું તો તે કામ કરશે નહીં, ખરું ને? તો મને લાગે છે કે તમારે સમય સાથે બદલાવ કરવો પડશે. તમારે સમજવું પડશે કે આપણને શું જરૂર છે.