(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભારતમાં ગેરકાયદે ઘુસણખોરી કરીને વસવાટ કર્યા પછી બોગસ દસ્તાવેજોને આધારે આધાર કાર્ડ બનાવનારી બાંગ્લાદેશી મહિલાને કોર્ટે સાત મહિનાની જેલની સજા ફટકારી હતી.
દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ પરિસરમાંથી ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-2ના અધિકારીઓએ બાંગ્લાદેશી મહિલા રોહિમા મોનુ શેખ ઉર્ફે રત્ના (32)ને પકડી પાડી હતી. તેની વિરુદ્ધ ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મહિલા ગેરકાયદે વસવાટ કરતી હોવાનું જણાતાં 21 જૂન, 2025ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ રોહિમા બાંગ્લાદેશના નારિયલ જિલ્લામાં આવેલા ભાટિયાપારા ગામની વતની હોવાનું તપાસમાં જણાયું હતું. પાસપોર્ટ કે અધિકૃત વિઝા વિના તે ગેરકાયદે માર્ગે ભારતમાં પ્રવેશી હતી. ભારતમાં રહેવા માટે તેણે બોગસ દસ્તાવેજોને આધારે આધાર કાર્ડ બનાવડાવ્યું હતું.
તપાસ દરમિયાન પોલીસે રોહિમાનું બાંગ્લાદેશનું નાગરિકતા કાર્ડ પણ પ્રાપ્ત કર્યું હતું અને કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું હતું. પૂરતા પુરાવાને આધારે કોર્ટે મહિલાને સાત મહિનાની જેલ અને પાંચસો રૂપિયાના દંડની સજા સંભળાવી હતી.