નવી દિલ્હીઃ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના મુક્ત વેપાર કરાર હેઠળ શૂન્ય ટકા ડ્યૂટી ધોરણે બજાર પ્રવેશ મળતાં આગામી ત્રણ વર્ષમાં ભારત-ઈયુ વચ્ચે જેમ્સ અને જ્વેલરીનો દ્વીપક્ષીય વેપાર બમણો થઈને 10 અબજ ડૉલર (રૂ. 91,000 કરોડ) સુધી પહોંચે તેવો આશાવાદ જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)એ વ્યક્ત કર્યો છે.
આ કરાર અંતર્ગત કિંમતી આભૂષણો પરની બેથી ચાર ટકા ડ્યૂટી દૂર થતાં 27 રાષ્ટ્રોના સમૂહ ઈયુમાં નિકાસની પ્રચૂર તકો ખૂલશે. તેમ જ આ મુક્ત વેપાર કરાર દેશનાં જેમ અને જ્વેલરી ઉદ્યોગના વૈવિધ્યકરણને સુપરચાર્જ કરશે અને આ પરિવર્તનશીલ કરારથી ત્રણ વર્ષમાં દ્વીપક્ષીય વેપાર બમણો કરીને રૂ. 91,000 કરોડ સુધી પહોંચાડવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.
વિશ્વની સૌથી મોટી ગ્રાહક બજારમાં શૂન્ય ટકા ડ્યૂટીથી પ્રવેશને કારણે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના નિકાસ મથકોને પ્લેન અને સ્ટડેડ કિંમતી આભૂષણો, ઈમિટેશન જ્વેલરીના નિકાસ શિપમેન્ટમાં વધારો થશે, એમ કાઉન્સિલના ચેરમેન કિરીટ ભણસાળીએ જણાવ્યું હતું.
અધિકૃત આંકડાકીય માહિતી અનુસાર વર્ષ 2024માં ભારતની યુરોપિયન યુનિયન ખાતે જેમ અને જ્વેલરીની નિકાસ 30 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. તેમ જ નાણાકીય વર્ષ 2024-25માં ભારત-ઈયુ વચ્ચે દ્વીપક્ષીય વેપાર 190 અબજ ડૉલરનો રહ્યો હતો, જેમાં ભારતની માલ-સામાનની નિકાસ 75.9 અબજ ડૉલરની અને સર્વિસીસની નિકાસ 30 અબજ ડૉલરની રહી હતી, જ્યારે ભાારતની ઈયુ ખાતેથી માલ-સામાનની આયાત 60.7 અબજ ડૉલરની અને સર્વિસીસ આયાત 23 અબજ ડૉલરની થઈ હતી. જોકે ઈયુની ભારતથી જ્વેલરીની આયાત 62.8 કરોડ ડૉલર સુધીની મર્યાદિત રહી હતી, જેમાં કિંમતી આભૂષણોની આયાત 57.3 કરોડ ડૉલરની અને ઈમિટેશન જ્વેલરી અથવા તો ફેશન જ્વેલરીની આયાત 5.5 કરોડ ડૉલરની રહી હતી. આ ચીજો પર હાલમાં બેથી ચાર ટકા ડ્યૂટી લાદવામાં આવે છે.
એકંદરે હાલને તબક્કે યુએસ ખાતેની નિકાસમાં 44 ટકા જેટલો ઘટાડો થયો છે ત્યારે ઈયુ સાથે થયેલા આ કરાર સમયસરના છે, જેથી અમેરિકા ખાતેની નિકાસ ઘટ ઈયુથી અમુક અંશે સરભર થશે, એમ તેમણે ઉમેર્યું હતું.