Thu Jan 29 2026

Logo

White Logo

નસીબવંતા જૉકોવિચે ફેડરરના વિશ્વ વિક્રમો તોડ્યા, પહોંચી ગયો ઑસ્ટ્રેલિયન ઓપનની સેમિ ફાઇનલમાં

13 hours ago
Author: Ajay Motiwala
Video

મેલબર્નઃ સર્બિયાનો ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન નોવાક જૉકોવિચ (Djokovic) બુધવારે અહીં નસીબનો સાથ મળ્યા બાદ ઑસ્ટ્રેલિયન ઓપનની સેમિ ફાઇનલમાં પહોંચી ગયો હતો અને એ સાથે તેણે ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી રોજર ફેડરર (Federer)ના અનેક વિશ્વ વિક્રમો તોડ્યા છે.

ખુદ જૉકોવિચે ક્વૉર્ટર ફાઇનલ પછી પોતાને નસીબવાન ગણાવ્યો હતો. કારણ એ છે કે ક્વૉર્ટરનો તેનો હરીફ ખેલાડી ઇટલીનો લૉરેન્ઝો મુસેટી 6-4, 6-3થી આગળ હતો અને જૉકોવિચ આ મૅચમાં પરાજિત થઈ શક્યો હોત અને એ સાથે પચીસમું ગ્રેન્ડ સ્લૅમ (Grand Slam) ટાઇટલ જીતવાનું તેનું સપનું ત્યાં જ ચકનાચૂર થઈ ગયું હોત. જોકે ત્રીજા સેટમાં મુસેટી 1-3થી પાછળ હતો ત્યારે તેને પગની ઈજા નડી હતી અને સારવાર છતાં તે ફરી રમવાની સ્થિતિમાં નહોતો એટલે જૉકોવિચને વધુ સંઘર્ષ કર્યા વગર સેમિ ફાઇનલમાં એન્ટ્રી મળી ગઈ હતી.

નવાઈની વાત એ છે કે જૉકોવિચ એક પણ સેટ જીત્યા વગર સેમિ ફાઇનલમાં પહોંચી ગયો. પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પણ તેને નસીબનો સાથ મળ્યો હતો, કારણકે યાકુબ મેન્સિક ઈજાને કારણે એ મૅચમાંથી નીકળી ગયો હતો. એ રીતે, જૉકોવિચ એ મૅચમાં એકેય સેટ જીત્યા વિના ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો અને હવે એક પણ સેટ જીત્યા વગર સેમિ ફાઇનલમાં પહોંચી ગયો છે.

જૉકોવિચ ઑસ્ટ્રેલિયન ઓપનમાં 103 મૅચ જીત્યો છે અને તેણે 102 મૅચ જીતનાર સ્વિટ્ઝરલૅન્ડના રોજર ફેડરરનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો છે. ફેડરર અને જૉકોવિચ માત્ર એવા બે ખેલાડી છે જેઓ ઑસ્ટ્રેલિયન ઓપનમાં 100થી વધુ મૅચ જીત્યા છે. આ યાદીમાં રાફેલ નડાલ (77 જીત) ત્રીજા નંબરે, સ્ટીફન એડબર્ગ (56 જીત) ચોથા નંબરે અને ઍન્ડી મરે (51) પાંચમા ક્રમે છે.

ત્રણ ગ્રેન્ડ સ્લૅમ ટૂર્નામેન્ટમાં 100 મૅચ જીતનાર જૉકોવિચ વિશ્વનો એકમાત્ર ટેનિસ ખેલાડી છે. તમામ ગ્રેન્ડ સ્લૅમ ચૅમ્પિયનશિપ્સમાં કુલ 400 વિજય મેળવનાર પણ જૉકોવિચ પહેલો ખેલાડી બન્યો છે. એ ઉપરાંત, જૉકોવિચ 19 સીઝનમાં ઓછામાં ઓછી એક ગ્રેન્ડ સ્લૅમ ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં પહોંચ્યો છે અને એ પણ તેનો વિશ્વ વિક્રમ છે. તેણે ફેડરરનો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો છે. ફેડરર 18 સીઝનમાં ઓછામાં ઓછી એક ગ્રેન્ડ સ્લૅમ સ્પર્ધાની સેમિ ફાઇનલમાં પહોંચ્યો હતો.

જૉકોવિચ 21મી સદીમાં ઑસ્ટ્રેલિયન ઓપનની સેમિ ફાઇનલમાં પહોંચનારો વિશ્વનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો છે. બુધવારે તેની ઉંમર 38 વર્ષ અને 252 દિવસ હતી. ફેડરરે 2020માં આ સિદ્ધિ મેળવી હતી ત્યારે તેની ઉંમર 38 વર્ષ અને 164 દિવસ હતી.

જૉકોવિચની આ 54મી ગ્રેન્ડ સ્લૅમ સેમિ ફાઇનલ છે. તે બીજા નંબરના ફેડરર (46 સેમિ ફાઇનલ)થી ઘણો આગળ છે.