વિશાખાપટનમઃ અહીં ન્યૂ ઝીલૅન્ડ (new zealand) સામે ટી-20 સિરીઝની ચોથી મૅચમાં ભારતનો 50 રનથી પરાજય થયો હતો. ઑલરાઉન્ડર શિવમ દુબે (65 રન, 23 બૉલ, સાત સિક્સર, ત્રણ ફોર)ને બોલિંગ નહોતી અપાઈ, પરંતુ 216 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ બૅટિંગમાં તેણે કમાલ બતાવવા પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે કમનસીબે રનઆઉટ થઈ જતાં તે છગ્ગા-ચોગ્ગા સાથે તે જે જાદુઈ ખેલ બતાવી રહ્યો હતો એ ચમત્કારમાં ન ફેરવાયો અને છેવટે ભારતે (India) પરાજય જોવો પડ્યો હતો. સિરીઝમાં ભારતની 3-1થી વિજયી સરસાઈ છે અને અંતિમ ટી-20 શનિવારે (સાંજે 7.00 વાગ્યાથી) તિરુવનંતપુરમમાં રમાશે.

ભારતીય ટીમ 216 રનના લક્ષ્યાંક સામે 18.4 ઓવરમાં 165 રનના સ્કોર પર ઑલઆઉટ થતાં પ્રવાસી ટીમનો 50 રનથી વિજય થયો હતો. ઇનિંગ્સના પ્રથમ બૉલ પર અભિષેક શર્મા (0)ની અને નવમા રને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (આઠ રન)ની વિકેટ પડ્યા બાદ ભારતે પંચાવનમા રને સંજુ સૅમસન (24 રન) અને 63મા રને હાર્દિક પંડ્યા (બે રન)ની વિકેટ ગુમાવી દીધી હતી. રિન્કુ સિંહ (39 રન, 30 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)એ હિંમતથી બોલર્સનો સામનો કર્યો હતો. હર્ષિત રાણા નવ રન કરી શક્યો હતો, જ્યારે રવિ બિશ્નોઈ 10 રને અણનમ રહ્યો હતો. સૅન્ટનરે ત્રણ તથા ડફી અને સોઢીએ બે-બે વિકેટ લીધી હતી.
એ પહેલાં, ન્યૂ ઝીલૅન્ડે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં સાત વિકેટે 215 રન કર્યા હતા. ભારતને છેક 100મા રન પર પહેલી સફળતા મળી હતી અને એ સફળતા કુલદીપ યાદવે અપાવી હતી. જોકે ડેવૉન કૉન્વે (44 રન, 23 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)એ ટિમ સિફર્ટ (62 રન, 36 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) સાથે 100 રનની ભાગીદારી બાદ વિકેટ ગુમાવી હતી. એ પહેલાં, કૉન્વે-સિફર્ટની જોડીએ અર્શદીપ, બુમરાહ, બિશ્નોઈ અને હર્ષિતની બોલિંગનો સમજદારીથી સામનો કર્યો હતો. દરમ્યાન 103 રનના સ્કોર પર રચિન રવીન્દ્ર (બે રન) બુમરાહના બૉલમાં તેને જ કૅચ આપી બેઠો હતો. ત્યાર બાદ સિફર્ટની મહત્ત્વપૂર્ણ વિકેટ અર્શદીપ સિંહે અપાવી હતી.
ન્યૂ ઝીલૅન્ડની ટીમમાં સિફર્ટના 62 રન હાઇએસ્ટ હતા. ડેરિલ મિચલ (39 અણનમ, 18 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) અને મૅટ હેન્રી (છ અણનમ, ત્રણ બૉલ, એક ફોર) છેક સુધી ક્રીઝ પર ટકી રહ્યા હતા. ટીમના 215 રનમાં ગ્લેન ફિલિપ્સનું 24 રનનું સાધારણ યોગદાન હતું.
ભારતના પાંચમાંથી ચાર બોલરને વિકેટ મળી હતી, જ્યારે હર્ષિત રાણા વિકેટથી વંચિત રહ્યો હતો અને સૌથી વધુ 54 રન તેની ચાર ઓવરમાં જ બન્યા હતા. અર્શદીપ સિંહે 33 રનમાં બે અને કુલદીપ યાદવે 39 રનમાં બે વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ અને રવિ બિશ્નોઈ એક-એક વિકેટ અનુક્રમે 38 અને 49 રનના ખર્ચે લઈ શક્યા હતા.
ઇશાન કિશન નજીવી ઈજાને લીધે પ્લેઇંગ ઇલેવનમાં નહોતો અને તેના સ્થાને અર્શદીપ સિંહને સમાવવામાં આવ્યો હતો. જોકે બૅટિંગમાં ટીમ ઇન્ડિયાને કિશનની ખોટ વર્તાઈ હતી. ન્યૂ ઝીલૅન્ડે કાઇલ જૅમીસનના સ્થાને ઝૅક ફૉક્સને ટીમમાં સામેલ કર્યો હતો.