Thu Jan 29 2026

Logo

White Logo

ભારતને 216 રનનો લક્ષ્યાંક મળ્યોઃ અર્શદીપ, કુલદીપની બે-બે વિકેટ

11 hours ago
Author: Ajay Motiwala
Video

વિશાખાપટનમઃ ભારતે (India) ચોથી ટી-20માં ફીલ્ડિંગ પસંદ કર્યા બાદ ન્યૂ ઝીલૅન્ડે (New Zealand) પ્રથમ બૅટિંગમાં 20 ઓવરમાં સાત વિકેટે 215 રન કર્યા અને ભારતને 216 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો છે. ભારતને છેક 100મા રન પર પહેલી સફળતા મળી હતી અને એ સફળતા કુલદીપ યાદવે અપાવી હતી. જોકે ડેવૉન કૉન્વે (44 રન, 23 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)એ ટિમ સિફર્ટ (62 રન, 36 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) સાથે 100 રનની ભાગીદારી બાદ વિકેટ ગુમાવી હતી. એ પહેલાં, કૉન્વે-સિફર્ટની જોડીએ અર્શદીપ, બુમરાહ, બિશ્નોઈ અને હર્ષિતની બોલિંગનો સમજદારીથી સામનો કર્યો હતો. દરમ્યાન 103 રનના સ્કોર પર રચિન રવીન્દ્ર (બે રન) બુમરાહના બૉલમાં તેને જ કૅચ આપી બેઠો હતો. ત્યાર બાદ સિફર્ટની મહત્ત્વપૂર્ણ વિકેટ અર્શદીપ સિંહે અપાવી હતી.

ન્યૂ ઝીલૅન્ડની ટીમમાં સિફર્ટના 62 રન હાઇએસ્ટ હતા. ડેરિલ મિચલ (39 અણનમ, 18 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) અને મૅટ હેન્રી (છ અણનમ, ત્રણ બૉલ, એક ફોર) છેક સુધી ક્રીઝ પર ટકી રહ્યા હતા. ટીમના 215 રનમાં ગ્લેન ફિલિપ્સનું 24 રનનું સાધારણ યોગદાન હતું.

ભારતના પાંચમાંથી ચાર બોલરને વિકેટ મળી હતી, જ્યારે હર્ષિત રાણા વિકેટથી વંચિત રહ્યો હતો અને સૌથી વધુ 54 રન તેની ચાર ઓવરમાં જ બન્યા હતા. અર્શદીપ સિંહે 33 રનમાં બે અને કુલદીપ યાદવે 39 રનમાં બે વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ અને રવિ બિશ્નોઈ એક-એક વિકેટ અનુક્રમે 38 અને 49 રનના ખર્ચે લઈ શક્યા હતા.

એ પહેલાં, ન્યૂ ઝીલૅન્ડ સામે સિરીઝની ચોથી ટી-20 માટે થયેલો ટૉસ જીતીને સૂર્યકુમાર યાદવે ફીલ્ડિંગ પસંદ કરી હતી. ભારત 3-0થી વિજયી સરસાઈમાં છે. ભારતની ટીમમાં એક ફેરફાર કરાયો હતો. ઇશાન કિશન નજીવી ઈજાને લીધે પ્લેઇંગ ઇલેવનમાં નથી અને તેના સ્થાને અર્શદીપ સિંહને સમાવવામાં આવતાં ભારતની બોલિંગ વધુ મજબૂત થઈ હતી. જોકે ભારતીયો કિવીઓને 200 રનનો આંકડો પાર કરતા રોકી નહોતા શક્યા. સંજુ સૅમસનને વધુ એક તક અપાઈ હોવાથી બૅટિંગમાં તેના પર નજર હતી. ન્યૂ ઝીલૅન્ડે કાઇલ જૅમીસનના સ્થાને ઝૅક ફૉક્સને ટીમમાં સામેલ કર્યો હતો.

બન્ને દેશની પ્લેઇંગ ઇલેવનઃ

ભારતઃ સૂર્યકુમાર (કૅપ્ટન), અભિષેક, સૅમસન (વિકેટકીપર), હાર્દિક, શિવમ દુબે, રિન્કુ, હર્ષિત, કુલદીપ, બિશ્નોઈ, અર્શદીપ અને બુમરાહ.

ન્યૂ ઝીલૅન્ડઃ સૅન્ટનર (કૅપ્ટન), સિફર્ટ (વિકેટકીપર), કૉન્વે, રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિચલ, ચૅપમૅન, ઝૅક ફૉક્સ, મૅટ હેન્રી, ડફી અને સોઢી.