Thu Jan 29 2026

Logo

White Logo

બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા રાજકીય હિંસા: શેરપુરમાં જૂથ અથડામણમાં જમાત નેતાનું મોત

Dhaka   1 hour ago
Author: Tejas Rajpara
Video

ઢાંકા: બાંગ્લાદેશમાં આગામી સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે દેશના અનેક ભાગોમાં રાજકીય હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે. લોકશાહીના પર્વ ગણાતી ચૂંટણી પહેલા જ વિવિધ પક્ષો વચ્ચેની ખેંચતાણ હિંસક વળાંક લઈ રહી છે, જેને કારણે સામાન્ય જનતા અને સુરક્ષા એજન્સીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તાજેતરમાં શેરપુર જિલ્લામાં થયેલી અથડામણે રાજકીય વાતાવરણને વધુ ગરમાવ્યું છે.

શેરપુરના ઝેનાઈગાતી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં બે રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ પથ્થરમારો અને હિંસા ફાટી નીકળી હતી. આ અથડામણમાં જમાત-એ-ઇસ્લામીના સ્થાનિક નેતા મૌલાના મોહમ્મદ રેઝાઉલ કરીમ (42) ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક મેમનસિંગ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું. આ હિંસામાં અન્ય 65 જેટલા કાર્યકરો પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વિવાદ કાર્યક્રમ દરમિયાન આગળની હરોળમાં બેસવા જેવી સામાન્ય બાબતથી શરૂ થયો હતો. જોતજોતામાં બીએનપી (BNP) અને જમાત-એ-ઇસ્લામીના કાર્યકરો સામસામે આવી ગયા હતા. શેરપુર-3 બેઠકના ઉમેદવાર નુરુજ્જમાન બાદલના જણાવ્યા અનુસાર, આ અથડામણમાં તેમના પક્ષના લગભગ 50 થી વધુ સમર્થકો લોહીલુહાણ થયા હતા, જેમાંથી કેટલાકની હાલત હજુ પણ ગંભીર છે અને તેમને ઢાકા રિફર કરવામાં આવ્યા છે.

આ લોહિયાળ ઘટના બાદ બીએનપી હાઈકમાન્ડે કડક વલણ અપનાવતા શેરપુર જિલ્લાની 41 સભ્યોની કન્વીનર સમિતિને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધી છે. હાલમાં શેરપુર-3 મતવિસ્તારમાં સ્થિતિ કાબૂ હેઠળ છે પરંતુ ભારેલા અગ્નિ જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે. કોઈપણ અનિચ્છનીય બનાવને રોકવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.