(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં પણ એક તબક્કે ડૉલર સામે રૂપિયામાં જોવા મળેલો 18 પૈસાનો સુધારો ધોવાઈ ગયો હતો અને સત્રના અંતે રૂપિયો ગઈકાલના બંધ સામે 24 પૈસાના ઘટાડા સાથે 91.92ની સપાટીએ બંધ રહ્યો હતો.
ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલી નરમાઈ ઉપરાંત ભારત-ઈયુ વચ્ચેની ટ્રેડ ડીલને અંતિમ ઓપના અહેવાલો સાથે રૂપિયામાં સુધારા તરફી વલણ જોવા મળ્યું હતું, પરંતુ ડૉલરમાં ઘટ્યા મથાળેથી આવેલો સુધારો, વિદેશી ફંડોની ઈક્વિટીમાં વેચવાલીના નિર્દેશો અને વૈશ્વિક ભૂરાજકીય તણાવને કારણે રૂપિયો પુનઃ દબાણ હેઠળ આવ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 91.68ના બંધ સામે સુધારા સાથે 91.60ની સપાટીએ ખૂલ્યા બાદ ઉપરમાં 91.50 અને નીચામાં 91.83 સુધી ગબડ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 24 પૈસાના ઘટાડા સાથે 91.92ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો બાવીસ પૈસાના બાઉન્સબૅક સાથે ઐતિહાસિક નીચી સપાટીએથી પાછો ફર્યો હતો.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.07 ટકા ઘટીને 96.14 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.43 ટકા વધીને બેરલદીઠ 67.28 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 487.20 પૉઈન્ટ અને 167.35 પૉઈન્ટ વધીને બંધ રહ્યો હતો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 3068.49 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.