Thu Jan 29 2026

Logo

White Logo

બારામતી પ્લેન ક્રેશ: પિંકી માળીનો એ છેલ્લો કોલ, પિતા સાથે શું કરી હતી વાતો?

12 hours ago
Author: Mumbai Samachar Team
Video

મુંબઈ/બારામતીઃ બારામતીમાં થયેલા ભયાનક પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સહિત અન્ય લોકો સાથે ફ્લાઈટ એટેન્ડન્ટ પિંકી માળીએ પણ જીવ ગુમાવ્યો છે. અકસ્માતના એક દિવસ પહેલા જ પિંકીએ તેના પિતા શિવકુમાર માળી સાથે વાત કરી હતી કે તેણે કહ્યું હતું કે પોતે અજિત દાદા સાથે બારામતી જશે, ત્યાર પછી ત્યાંથી નાંદેડ જવાની છે. પિતાએ ભીની આંખે દીકરીના પાર્થિવ દેહને સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

પિંકી માળીના પિતા કોણ છે, શું કરે છે?
પિંકીના પિતા એનસીપીના કાર્યકર્તા રહી ચૂક્યા હતા. અગાઉ અજિત પવાર સાથે પણ તેમની વાતચીત થતી રહેતી હતી. પહેલા શિવકુમાર એનસીપીમાં હતા, પરંતુ પછી તેમણે એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાયા હતા. દીકરીની કારકિર્દીમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. પિતાના પ્રોત્સાહનને કારણે પિંકીએ એવિયેશનમાં ઝંપલાવ્યું હતું. દીકરીએ આસમાની ઉડાન ભરી એ ગૌરવની વાત હતી. અકસ્માત પછી પરિવાર પર તો આભ તૂટી પડ્યું હતું. પિંકીના પિતા શિવકુમારે કહ્યું છે કે તેમની ઈચ્છા એ છે કે દીકરીનો પાર્થિવ દેહ મળી જાય, જેથી અંતિમસંસ્કાર થઈ શકે. સમાચાર સંસ્થાને જણાવતા શિવકુમારે કહ્યું હતું કે મંગળવારે મને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હું અજિત દાદાની સાથે બારામતી જઈશ, ત્યાર પછી નાંદેડ જઈશ. 

સન્માનપૂર્વક અંતિમસંસ્કાર કરવાની ઈચ્છા
શિવકુમાર માળીએ વધુમાં કહ્યું કે મેં તો મારી દીકરીને ગુમાવી દીધી છે. શું થયું છે એ તો મને પણ ખબર નથી, કારણ કે આ અકસ્માત અંગે ટેક્નિકલ માહિતી નથી. આ ઘટનાથી હું સંપૂર્ણ રીતે ભાગી પડ્યો છું. પ્રશાસનને કહ્યું હતું કે હું ફક્ત મારી દીકરીનું ડેડબોડી જોઈએ છે, જેથી હું સન્માનપૂર્વક તેના અંતિમસંસ્કાર કરી શકું. 
પિંકીના પિતા શિવકુમાર માળી મૂળ યુપીના જૌનપુરના વતની છે. 1980માં દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રાઈ ક્લિનરનું કામ કરતા હતા. તત્કાલીન વડા પ્રધાન વી. પી. સિંહના કાર્યકાળ દરમિયાન એક ભૂલને કારણે તેમને નોકરીમાંથી હાથ ધોવા પડ્યા હતા. ત્યાર પછી તેઓ ડ્રાઈવિંગનું કામ કરતા હતા.

પ્લેન ક્રેશની એઆઈબી કરશે તપાસ
દરમિયાન વિમાન અકસ્માત મુદ્દે એરક્રાફટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (એઆઈબી)ની એક ટીમ દિલ્હીથી પુણે રવાના થઈ છે, જે બારામતી પ્લેન ક્રેશની તપાસ કરશે. બારામતીના પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સહિત અન્ય ચાર લોકોના મોત થયા હતા. પુણે પહોંચ્યા પછી આ ટીમ બારામતી માટે રવાના થશે, જ્યાં સમગ્ર બનાવની ઝીણવટપૂર્વક તપાસ થશે. ટીમના ચાર સભ્ય દ્વારા ટેક્નિકલ સ્થિતિ, ઉડાન સંબંધિત રેકોર્ડ અને અકસ્માતના કારણની તપાસ કરવામાં આવશે.