Thu Jan 29 2026

Logo

White Logo

India-EU FTA અમેરિકા માટે મોટો પડકાર? આ ડીલથી ભારત માટે વેપારના વિકલ્પો વધશે

13 hours ago
Author: Vimal Prajapati
Video

નવી દિલ્હી/ન્યૂ યોર્કઃ ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે મુક્ત વેપાર કરાર પર હવે મહોર લાગી ગઈ છે. આ વેપાર ડીલના કારણે અમેરિકાની મુશ્કેલીઓ વધી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ડીલને ઐતિહાસિક ગણાવી છે. મહત્વની વાત એ છે કે, આ કરારના કારણે હવે ભારતે કોઈ પણ એક દેશ પર આધારિત રહેવું પડશે નહીં. ખાસ કરીને ભારતને મોટા ભાગે જે અમેરિકા પર નિર્ભર રહેવું પડતું તેનો અંત આવી જવાનો છે. 

શું અમેરિકી વાહનો ભારતમાં મોંઘા થશે?

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ India-EU FTA અમેરિકા માટે મોટો પડકાર સાબિત થશે. EU કંપનીઓને ભારતમાં ઓછા ટેરીફ અથવા શૂન્ય ડ્યુટી મળશે, જેથી તેમના ઉત્પાદનો અમેરિકી વસ્તુઓ કરતાં સસ્તા થશે. ખાસ કરીને ઓટોમોબાઈલ, મેડિકલ ડિવાઈસ, કેમિકલ્સ, હાઈ-એન્ડ મશીનરી, એરિક્રાફ્ટ અને સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રોમાં EUની પકડ મજબૂત થશે. ઉદાહરણ તરીકે, EUની કારો પર ટેરીફ 10% થાય તો અમેરિકી વાહનો મોંઘા થઈને ભારતીય બજારમાંથી બહાર થઈ શકે છે. આમાં સૌથી વધારે ફાયદો ભારતના લોકોને જ થવાનો છે. 

આ ડીલ અમેરિકાની ચિંતા વધારશે

અમેરિકા ડિજિટલ ટેક્સ, મેડિકલ ડિવાઈસ કિંમત મર્યાદા અને કૃષિ આયાત પર રિયાયતો માંગે છે. અત્યાર સુધીમાં સાત બેઠકો થઈ છે. પરંતુ કોઈ નિષ્કર્ષ આવ્યો નથી. મૂળ વાત તો એ છે કે, અમેરિકા ભારતને સવાલ કરી શકે છે કે, જો EUને દરેક પ્રકારની છૂટ આપવામાં આવે છે તો પછી અમેરિકાને કેમ નહીં? જો કે, એવું પણ બની શકે કે, અમેરિકા ભારત સામે આકરૂ વલણ પણ અપનાવી શકે છે. અથવા એવું પણ બને કે, વેપાર માટે અમેરિકા નરમ થાય અને ટેરિફમાં ઘટાડો કરી દે! પરંતુ આ માત્ર અટકળો છે. આગળ શું થશે તેના વિશે ચોક્કસ કઈ કહી શકાય નહીં.

EU કંપનીઓ ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવશે

અમેરિકા વિશ્વમાં પોતાનો દબદબો મજબૂત કરવામાં માંગે છે, પરંતુ તેના માટે સૌથી મોટું અડચણ ચીન છે. જેથી અમેરિકા ચીનમાં રહેલી અમેરિકી કંપનીઓને ભારત-વિયેતનામ જેવા દેશોમાં ખસેડવા માંગે છે, પરંતુ EU કંપનીઓ હવે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવશે. તેથી અમેરિકી રોકાણોને વધારે સ્પર્ધાનો સમાનો કરવો પડશે. ભારત EU-પ્રિયરિટી બેઝ બને છે તો અમેરિકા માટે આ ચિંતાજનક સાબિત થશે. હવે જોવાનું એ છે કે, India-EU FTA બાદ અમેરિકા શું નિર્ણય લે છે? જોકે, આ ડીલ ભારત માટે ફાયદાકારક છે તેવું પીએમ મોદીએ કહ્યું છે.