Thu Jan 29 2026

Logo

White Logo

અજિત પવારના નિધન પછી એનસીપીનું ભવિષ્ય દાવ પર: રાજકીય વિશ્લેષકો

10 hours ago
Author: Vipul Vaidya
Video

(અમારા પ્રતિનિધિ તરફથી) 
મુંબઈ:
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના બુધવારે વિમાન દુર્ઘટનામાં થયેલા દુ:ખદ અને અકાળ નિધનથી ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારમાં ખાલીપો જ નહીં, પણ એનસીપીના ભવિષ્ય પર પણ સંકટના વાદળો ઘેરાયાં છે. રાજકીય નિરીક્ષકો કહે છે કે અજિત પવારના મૃત્યુ પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) નેતૃત્વ સંકટનો સામનો કરે તેવી શક્યતા છે, કારણ કે કોઈ સ્પષ્ટ સેક્ધડ-ઇન-કમાન્ડ નથી.

‘ઘડિયાળ’ પ્રતીકે તેના નિર્વિવાદ નેતા ગુમાવ્યા હોવાથી, પાર્ટીના અસ્તિત્વ અને સ્થાપક શરદ પવાર સાથેના તેના ભાવિ સમીકરણ પર સવાલો ઉભા થયા છે, જેમનો રાજ્યસભાનો કાર્યકાળ આ વર્ષે એપ્રિલમાં સમાપ્ત થાય છે. એવી અટકળો ચાલી રહી છે કે શું એનસીપી શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી) સાથે ફરી એક થઈ શકે છે.

અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વખતથી એનસીપીના બંને જૂથો વચ્ચેના સંબંધોની ખટાશ ઓસરી ગઈ છે અને મહાનગરપાલિકા પછી હવે જિલ્લા પરિષદની ચૂંટણીઓ પણ બંને એનસીપી સાથે મળીને લડી રહી છે, ત્યારે એવું માનવામાં આવે છે કે અજિત પવારના 40થી વધુ વિધાનસભ્યો મહાયુતિને છોડીને શરદ પવાર પાસે પાછા ફરી શકે છે. 

રાજકીય વિશ્ર્લેષકો કહે છે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સુનિશ્ર્ચિત કરવું પડશે કે અજિત પવાર સાથે જોડાયેલા 41 વિધાનસભ્યો શરદ પવાર તરફ પાછા ન વળે, અજિત પવારના પત્ની સુનેત્રા હાલમાં રાજ્યસભાના સભ્ય છે અને રાજકીય રીતે સક્રિય છે, જોકે તેમની પાસે વહીવટી અનુભવનો અભાવ છે. એનસીપી પાસે એક લોકસભા સભ્ય, સુનીલ તટકરે અને બે રાજ્યસભા સાંસદો - પ્રફુલ્લ પટેલ અને સુનેત્રા પવાર છે.

તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને મહાનગરપાલિકા ચૂંટણીઓ દરમિયાન એનસીપીના સ્થાપક શરદ પવાર જાહેર જનતાથી દૂર રહ્યા હતા, તેથી તેમની પુત્રી અને એનસીપી (એસપી)ના કાર્યકારી પ્રમુખ, સુપ્રિયા સુળેએ પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો, પરંતુ તેમના પિતરાઈ ભાઈ અજિત પવાર સામે તેમની કોઈ બરાબરી નહોતી. અજિત પવારે રાજ્યભરમાં પ્રચાર કર્યો હતો. અજિત પવારના નેતૃત્વ હેઠળ એનસીપી (એસપી)ના એનસીપી સાથે સંભવિત વિલીનીકરણની અટકળોથી રાજ્યનું રાજકારણ ગરમાયું હતું. જોકે, વિમાન દુર્ઘટનામાં તેમના અકાળ મૃત્યુથી તેમના જૂથના ભવિષ્ય પર અનિશ્ર્ચિતતા છવાઈ ગઈ છે.

રાજ્ય એનસીપીના પ્રમુખ સુનીલ તટકરે અને રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલ સિવાય, પાર્ટી પાસે અજિત પવારના અનુગામી બનવા માટે સક્ષમ એવા વરિષ્ઠ નેતાનો અભાવ છે. એકમાત્ર અન્ય જનાધાર ધરાવતા નેતા, છગન ભુજબળ છે, જે તાજેતરમાં મની લોન્ડરિંગ કેસમાં નિર્દોષ જાહેર થયા છે અને હાલમાં બીમાર છે. પટેલ અને તટકરે મુખ્યત્વે સંગઠનાત્મક કામ કરનારા વ્યક્તિઓ રહ્યા છે, પરંતુ તેમની પાસે રાજ્યવ્યાપી પાયાના સ્તરના જોડાણનો અભાવ છે જે અજિત પવારે સંભાળ્યું હતું.

2024ની વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવનાર શાસક મહાયુતિમાં, ભાજપ પાસે 132 વિધાનસભ્યો છે, ત્યારબાદ એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના પાસે 57 અને પવારની એનસીપી પાસે 41 વિધાનસભ્યો છે. 

વરિષ્ઠ પત્રકાર પ્રકાશ અકોલકરે જણાવ્યું હતું કે એનસીપીના બંને જૂથો પાંચમી ફેબ્રુઆરીએ યોજાનારી જિલ્લા પરિષદની ચૂંટણી ‘ઘડિયાળ’ પ્રતીક પર સાથે લડી રહ્યા છે, જે અસરકારક રીતે બિનસત્તાવાર વિલીનીકરણનો સંકેત આપે છે. ‘હવે પ્રશ્ર્ન એ નથી કે કોણ કોની સાથે ભળી જાય છે. ફક્ત બે વિપક્ષો - કોંગ્રેસ અને શિવસેના (યુબીટી) - સાથે જ એ જોવાનું બાકી છે કે કોંગ્રેસ પોતાને પુનજીર્વિત કરી શકે છે કે નહીં,’ એમ તેમણે કહ્યું હતું. 

મહારાષ્ટ્રમાં તાજેતરમાં પૂર્ણ થયેલી પાલિકા ચૂંટણીઓમાં, મહાયુતિના સાથી પક્ષોથી અલગ રીતે ચૂંટણી લડનાર એનસીપીને 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં 167 બેઠકો મળી હતી અને ભાજપે તેના ગઢ પુણે અને પિંપરી ચિંચવડમાં તેનો પરાજય કર્યો હતો, જ્યાં તેણે શરદ પવારની એનસીપી (એસપી) સાથે જોડાણ કર્યું હતું, જેણે રાજ્યભરમાં ફક્ત 36 બેઠકો જીતી હતી.

165 સભ્યોની પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, એનસીપીને ફક્ત 27 બેઠકો અને એનસીપી (એસપી) ને 3 બેઠકો મળી હતી, જ્યારે ભાજપની કુલ સંખ્યા 119 હતી, જ્યારે 102 સભ્યોની પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ સંસ્થામાં, અજિત પવારની પાર્ટીને 37 અને શરદ પવારના જૂથને એક પણ બેઠક મળી ન હતી, જ્યારે ભાજપને 84 બેઠકો મળી હતી.

ગયા મહિને, 246 મ્યુનિસિપલ કાઉન્સિલ અને 42 નગર પંચાયતોના મતદાનમાં, એનસીપીએ કુલ 6,851 બેઠકોમાંથી 966 અને એનસીપી (એસપી)ને 256 બેઠકો મળી હતી.