(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ વર્ષ 2001માં 26મી જાન્યુઆરીએ આવેલા વિનાશકારી ભૂકંપે ગુજરાતમાં હજારોની જિંદગી છીનવી લીધી હતી અને હજારો પેરાપ્લેજિક થઈ ગયા હતા. આ ઘટનાને સોમવારે 25 વર્ષ પૂરા થયા છે ત્યારે ભવિષ્યમા આવી ઘટના ઘટે તો લોકોને કઈ રીતે સુરક્ષિત રાખી શકાય તે માટે સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ સેન્ટર (આઈએસઆર) સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર સમયસર ચેતવણી સેંકડો લોકોના જીવ બચાવી શકે છે, ખાસ કરીને જો તેમને ઇમારત ખાલી કરવાની અથવા સુરક્ષિત સથળે આશરો લેવાની ચેતવણી આપવામાં આવે તો પણ જીવ બચી શકે છે. છેલ્લા બે દાયકામાં એકત્રિત કરવામાં આવેલા ડેટાના સંગ્રહની મદદથી એક અર્લી વૉર્નિંગ સિસ્ટમ વિકસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લગભગ બે વર્ષમાં આ સિસ્ટમ તૈયાર થઈ જાય તેવી સંભાવના છે. જો આ દેશમાં બીજો પ્રયોગ રહશે, આઈઆઈટી રૂરકીની ટીમ દ્વારા ઉત્તરાખંડ માટે એક પાયલોટ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, તેવી માહિતી પણ સૂત્રો દ્વારા મળી હતી.
૨૦૦૩માં સ્થપાયેલી આઈએસઆરએ છેલ્લા બે દાયકામાં ઘણું બારીકાઈથી ગુજરાતનું સંશોધન કર્યું છે. સેન્સર ડેવલપ કર્યા છે. આ સેન્સરોએ દાયકાઓમાં રાજ્યમાં હજારો ધ્રુજારી રેકોર્ડ કરી છે. સંશોધન માટીની રચના જેવા પરિબળો તરફ પણ નિર્દેશ કરે છે. ગુજરાતનો લગભગ ૪૪% વિસ્તાર ક્વાર્ટરરી સેડિમેન્ટ્સથી બનેલો છે અને બીજો ૧૨% વિસ્તાર રણ સેડિમેન્ટ્સથી બનેલો છે.
આવી નરમ માટી ભૂકંપથી ઉત્પન્ન થતા તરંગોને વધારી શકે છે. સંશોધકો હવે આ તરંગો વિશે વિશેષ માહિતી ધરાવે છે. આ તરંગોને લોકેશન સુધી પહોંચતા કેટલો સમય લાગે તેનો અંદાજ લગાવવામા આવે છે. આમ, જો કચ્છમાં ભૂકંપ આવે છે, તો ઘટનાની પ્રકૃતિના આધારે, નુકસાનકારક તરંગોને અમદાવાદ સુધી ફેલાવવામાં લગભગ 60 સેકન્ડનો સમય લાગી શકે છે."
આ સિસ્ટમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ પર આધારિત સ્વચાલિત હશે, કારણ કે સેન્સર સ્ત્રોતને નિર્ધારિત કરવામાં મદદ કરશે, સિસ્ટમ આ તરંગો મોટા શહેરો અને પાવર પ્લાન્ટ્સ જેવા મહત્વપૂર્ણ સ્થાપનોને ક્યારે અથડાઈ શકે તેનો અંદાજિત સમય કહેશે. સિસ્ટમ માટે આવી કોઈ તૈયાર એઆઈ-આધારિત સિસ્ટમ ઉપલબ્ધ નથી અને આપણે ગુજરાત પ્રદેશના ભૂકંપ સાથે સોફ્ટવેર વિકસાવવાની અને એઆઈ-એમએલ આધારિત સિસ્ટમને તાલીમ આપવાની જરૂર છે, અને આમાં સમય લાગે છે, તેમ સંસ્થા સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ગુજરાત માટે ભૂકંપના જોખમનો નકશો પહેલાથી જ પ્રદેશની ભૂગોળ અને મોટા ભૂકંપના ઇતિહાસના આધારે બનાવવામાં આવ્યો છે. ટેકનોલોજીનો ઉપયોગ જીવન અને માળખાગત સુવિધાઓ બચાવવામાં મદદ કરશે,તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.