અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ પહેલા ભાજપ સંગઠનમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સંગઠનને નવું રૂપ આપવાની કવાયત તેજ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના રાજકીય સમીકરણોમાં મોટા આંચકા આવવાની શક્યતા છે.
અનુભવી નેતાને સોંપાશે શહેરની કમાન
પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સત્તા સંભાળ્યા બાદ 26 જાન્યુઆરીએ આણંદ, દાહોદ અને જૂનાગઢના સંગઠન માળખાની જાહેરાત કરી હતી. હવે બાકીના જિલ્લાઓ માટે નામોની વિચારણા ચાલી રહી છે, જેમાં સૌરાષ્ટ્રના પ્રમુખોને બદલવા માટે હાઈકમાન્ડ ગંભીર હોવાનું જણાય છે. જેમાં સૌથી વધુ ચર્ચા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે અંગે થઈ રહી છે.
માધવ દવેને 6 માર્ચ 2025ના રોજ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જો માત્ર 10 મહિનામાં જ તેમને બદલવામાં આવે, તો તેઓ રાજકોટ ભાજપના ઈતિહાસમાં સૌથી ઓછો સમય પ્રમુખ રહેનાર નેતા બનશે. આગામી ચૂંટણીઓને ધ્યાને રાખીને કોઈ અનુભવી નેતાને શહેરની કમાન સોંપવા અંગે હાઈકમાન્ડ વિચારણા કરી રહ્યું હોવાનું મનાય છે.
રાજકોટ બાદ મોરબીની વાત કરીએ તો મોરબી જિલ્લા પ્રમુખ જેન્તી રાજકોટીયા છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકડામણ અને દેવાના વિવાદોને કારણે ચર્ચામાં રહ્યા છે. પક્ષની છબી ખરડાય નહીં તે હેતુથી તેમના સ્થાને નવા પ્રમુખની વરણી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. જ્યારે સુરેન્દ્રનગરના જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણને પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે બઢતી આપવામાં આવી છે, જેના કારણે હવે ખાલી પડેલી આ બેઠક પર તેમના જ જૂથના કોઈ વિશ્વાસુ નેતાને સ્થાન મળી શકે છે.
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાને પણ બદલવાની અટકળોએ જોર પકડ્યું છે. સંગઠનમાં આ ફેરફારો પાછળ મુખ્ય હેતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નવા જોશ સાથે મેદાનમાં ઉતરવાનો અને આંતરિક જૂથવાદને ડામવાનો હોઈ શકે છે.