(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: કૉંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલના અમદાવાદમાં રહેતા ભત્રીજા યશરાજ ગોહિલની ગનમાંથી ભૂલથી છૂટી ગયેલી ગોળી પત્ની રાજેશ્વરીને લાગી જતા તેમનું મોત નિપજ્યું હતું. પત્નીનાં મોતથી આઘાત પામેલા યશરાજે પોતે પણ ગોળીથી આત્મહત્યા કરી લીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઘટના ઘટી ત્યારે યશપાલના માતા પણ ત્યાં હાજર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ ભાવનગરના વતની યશરાજ ગોહિલ અને રાજેશ્વરી ગોહિલના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા. તેઓ સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એનઆરઆઈ ટાવરમાં રહેતા હતા. બુધવારે મોડી રાત્રે યશપાલ પોતાની ગન હાથમાં લઈ ફેરવી રહ્યા હતા ત્યારે અકસ્માતે તેમાંથી ગોળી છૂટી હતી અને રાજેશ્વરીને લાગી હતી. તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. યશપાલે 108 ઈમરજન્સી નંબરને ફોન કર્યો હતો અને ટીમ તાબડતોબ આવી હતી. ઈમરજન્સી ટીમે પત્નીને મૃત જાહેર કરતા યશપાલને આઘાત લાગ્યો હતો. ટીમના સભ્યો બહાર નીકળ્યા જ હતા ત્યાં યશપાલે પણ પોતાની જાત પર ગોળી ચલાવી જીવન ટૂંકાવી નાખ્યું હતું.
બનાવની જાણ થતા જ ઝોન-1 ડીસીપી ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને વસ્ત્રાપુર પોલીસનો મોટો કાફલો તેમના નિવાસસ્થાન ખાતે પહોંચી ગયો હતો અને આગળની તજવીજ હાથ ધરી હતી. અગાઉ પતિએ પત્નીની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ કૉંગ્રેસના નેતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે આ અકસ્માતે થયેલી ઘટના છે. દંપતી ઘણું ખુશ હતું અને થોડા સમયમાં વિદેશ પણ જવાનું હતું.
ખૂબ સુંદર દેખાતા યુવાન દંપતીની આવી વિદાયે સૌને ચોંકાવ્યા હતા. તમામ પક્ષના અગ્રણીઓએ શક્તિસિંહ ગોહિલ સમક્ષ શોક વ્યક્ત કર્યો હતો.