ભરત ભારદ્વાજ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માઘ મેળો ચાલી રહ્યો છે. આ માઘ મેળામાં મૌની અમાસે થતા સ્નાન માટે બદ્રીનાથની જ્યોતિષપીઠના સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પોતાના રસાલા સાથે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને રોકીને પગપાળા સ્નાન કરવા જવાનું કહ્યું તેમાં બબાલ થઈ ગઈ છે. પહેલાં તો સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિષ્યોએ સ્વામીને રોક્યા તેમાં પોલીસ સાથે જીભાજોડી કરી પણ પોલીસે દાદ ના આપી તેમાં હાથાપાઈ પર ઊતરી આવ્યા. પોલીસ પણ દંડા લઈને પૂરતી તૈયારી કરીને આવેલી તેમાં પોલીસ અને શિષ્યો સાથે ઝપાઝપી થઈ ગઈ.
સ્વામીજી આ વાત પર ભડકી ગયા અને પોતાની શિબિરની બહાર ધરણાં પર બેસી ગયા. સોમવારથી શરૂ થયેલાં ધરણાં ચાર દિવસ પછી પણ ચાલુ છે અને સ્વામીજી એ વાત પર અડી ગયા છે કે, પોતાને રોકવા બદલ વહીવટીતંત્ર માફી માગે. વહીવટીતંત્ર માફી નહીં માગે તો પોતે ધરણાં ચાલુ રાખશે અને આશ્રમમાં પાછા નહીં જાય. સ્વામીજી શિબિરની બહાર બેસીને જ હોમ-હવન ને પૂજા-પાઠ કરી રહ્યા છે.
પ્રયાગરાજના માઘ મેળાનું વહીવટીતંત્ર સ્વામી અવિમુક્તેશ્વરાનંદની ધમકીને ઘોળીને પી ગયું છે. વહીવટીતંત્રે માફી તો માગી નથી પણ ઉલટાનું સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારી દીધી છે કે, 24 કલાકની અંદર સ્વામી પોતે જ શંકરાચાર્ય હોવાનું સાબિત કરે, નહિતર લાવ લશ્કર સાથે ઉઠાવીને બહાર ફેંકી દઈશું. સ્વામીજીએ સોમવારે ધરણાં શરૂ કર્યાં એ રાત્રે 12 વાગ્યે વહીવટી તંત્ર વતી અનિલ કુમાર કાનૂન્ગો નામના અધિકારી માઘ મેળામાં શંકરાચાર્યની શિબિરે પહોંચી ગયેલા અને શંકરાચાર્યના શિષ્યોને નોટિસ લેવા કહેલું પણ શિષ્યોએ નોટિસ લેવાનો ઇનકાર કરી દીધેલો. શિષ્યોનું કહેવું હતું કે, અડધી રાત્રે કોઈ જવાબદાર માણસ હાજર નથી એટલે કાલે સવારે આવજો.
અનિલ કુમાર કશું કહ્યા વિના પાછા જતા રહ્યા ને મંગળવારે સવારે પાછા શંકરાચાર્યની શિબિરે પહોંચી ગયા. એ વખતે પણ શિષ્યોએ નાટક કર્યું તો અનિલ કુમાર ગેટ પર નોટિસ ચોંટાડીને પાછા જતા રહ્યા. વહીવટીતંત્રે નોટિસમાં સવાલ પણ કરેલો કે, બદરીનાથની જ્યોતિષપીઠના શંકરાચાર્યના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ માઘ મેળાની શિબિરમાં પોતાના નામની આગળ શંકરાચાર્ય લખેલું બોર્ડ લગાવીને કેમ બેસી ગયા છે?
વહીવટીતંત્રે નોટિસ ચોંટાડી એટલે સ્વામી કોઈ નાટક કરી શકે તેમ નહોતા. તેમણે જખ મારીને જવાબ આપવો જ પડે એટલે ઈ-મેલ કરીને 8 પાનાનો જવાબ ફટકાર્યો છે. સ્વામીજીએ દાવો કર્યો છે કે, પોતે જ બદરીનાથની જ્યોતિષપીઠના શંકરાચાર્ય છે તેથી વહીવટીતંત્ર નોટિસ પાછી ખેંચે. અવિમુક્તેશ્વરાનંદે ઈ-મેલથી મોકલેલા જવાબમાં નોટિસને મનસ્વી, દૂષિત અને ગેરબંધારણીય ગણાવી.છે.
સ્વામીજીએ દાવો કર્યો છે કે, સુપ્રીમ કોર્ટે પોતાને એટલે કે અવિમુક્તેશ્વરાનંદને શંકરાચાર્ય પદે રહેવાથી રોકવાનો આદેશ આપ્યો નથી. આ મુદ્દો કોર્ટમાં વિચારણા હેઠળ છે તેથી કોઈપણ ત્રીજા પક્ષને એટલે કે માઘ મેળાને ટિપ્પણી કરવાનો કે પોતાને શંકરાચાર્ય કહેવડાવતા રોકવાનો કોઈ અધિકાર નથી. સ્વામીજીએ તંત્રને નોટિસ પાછી ખેંચવાની ચેતવણી આપીને ધમકી આપી છે કે, નોટિસ પાછી નહીં ખેંચાય તો પોતે માનહાનિ અને કોર્ટના અવમાનના સહિતની કાનૂની કાર્યવાહી કરશે. તંત્રના વલણથી શંકરાચાર્યની ઈમેજ ખરાબ થઈ રહી છે તેથી આ બધી પ્રવૃત્તિ બંધ કરી દો.
સ્વામીજીની ચીમકીનો માઘ મેળાનું વહીવટીતંત્ર શું જવાબ આપે છે એ જોઈએ પણ આ તાયફા આઘાતજનક છે અને હિંદુ ધર્મમાં એક સમયે અતિ સન્માનનીય મનાતા શંકચારાર્યના પદનું કોઈ ગૌરવ જ નથી રહ્યું તેના પુરાવારૂપ છે. એક સમયે શંકરાચાર્યને હિંદુ ધર્મમાં પૂજનીય માનવામાં આવતા હતા અને લોકો તેમને આદર આપતા હતા. હવે શંકરચાર્યનો હોદ્દો હુંસાતુંસીનું અને ગંદા રાજકારણનું કેન્દ્ર બની ગયો છે.
પહેલાં રાજકારણીઓ શંકરાચાર્યને નમસ્કાર કરતા પણ હવે રાજકારણીઓ શંકરાચાર્યના હોદ્દાને માન આપવાની વાત તો છોડો પણ તેમને ગણકારતા જ નથી. આ સ્થિતિ આવી તેમનું કારણ આ કહેવાતા સંતો જ છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પોતાને સંત ગણાવે છે પણ વાસ્તવમાં એ સંત તરીકે નથી વર્તી રહ્યા. સંત તરીકે તેમણે સત્તાની સાઠમારીથી દૂર રહેવાનું હોય પણ તેના બદલે તેમણે શંકરાચાર્યના હોદ્દાને રાજકારણનો અખાડો બનાવી દીધો છે.
અત્યારે માઘ મેળાનું વહીવટીતંત્ર સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નથી ગણકારતું તેનું કારણ સ્વામીનીજીની કૉંગ્રેસ સાથેની નિકટતા છે. અવિમુક્તેશ્વરાનંદ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના શિષ્ય છે. સ્વરૂપાનંદ પણ કૉંગ્રેસ ભક્તિના કારણે બહુ વગોવાયા હતા. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું 11 સપ્ટેમ્બર, 2022 ના રોજ 99 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું.
સ્વરૂપાનંદને સમાધિ અપાઈ એ પહેલાં સ્વામી સ્વરૂપાનંદની ઇચ્છાના આધારે તેમના અંગત સચિવ અને શિષ્ય સુબોધાનંદ મહારાજે તેમના અનુગામીઓના નામની જાહેરાત કરી હતી. આ જાહેરાત પ્રમાણે, જ્યોતિષ પીઠ બદ્રીનાથની ગાદી સ્વામી અવિમુક્તેશ્વરાનંદને અને દ્વારકા શારદા પીઠની ગાદી સ્વામી સદાનંદને સોંપવામાં આવી હતી.
જો કે સંન્યાસી અખાડાએ અવિમુક્તેશ્વરાનંદને શંકરાચાર્ય તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. નિરંજની અખાડાના તત્કાલીન સચિવ અને અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત રવીન્દ્ર પુરીએ દાવો કર્યો હતો કે અવિમુક્તેશ્વરાનંદની નિમણૂક નિયમોની વિરુદ્ધ કરાઈ છે અને પરંપરાનું પાલન નથી કરાયું તેથી તેમને શંકરાચાર્ય તરીકે સ્વીકારી ના શકાય.
17 સપ્ટેમ્બર, 2022ના રોજ અવિમુક્તેશ્વરાનંદનો શંકરાચાર્ય તરીકે પટ્ટાભિષેક થવાનો હતો પણ સંન્યાસી અખાડાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં સમારોહ પર સ્ટે આવી ગયો ને ત્યારથી અવિમુક્તેશ્વરાનંદ લટકેલા છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પણ અવિમુક્તેશ્વરાનંદને શંકરાચાર્ય બનાવવા સામે વાંધો લીધો છે તેથી સુપ્રીમ કોર્ટ ઝડપથી સુનાવણી નથી કરતી એવું કહેવાય છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર છે અને અવિમુક્તેશ્વરાનંદ કૉંગ્રેસ તરફી છે તેથી સરકારે તક ઝડપીને માઘ મેળામાં તેમને તેમની હૈસિયત બતાવી દેવા માટે સ્નાન ના કરવા દીધું. અવિમુક્તેશ્વરાનંદને અહેસાસ કરાવી દેવાયો કે, એ પોતે ગમે તેટલી કૂદાકૂદ કરે પણ તમને હજુ અમે શંકરાચાર્ય તરીકે સ્વીકાર્યા નથી તેથી હિંદુઓના મેળાઓમાં કે મોટા કાર્યક્રમોમાં કોઈ વિશેષ સરભરાની આશા ના રાખતા, બીજા સામાન્ય સાધુઓની જેમ આવવું હોય તો આવો, બાકી પાલખીમાં પધારવાના ને એ બધા ધખારા છોડી દો.
અવિમુક્તેશ્વરાનંદ ખરેખર સંત હોય તો તેમણે બધી લાલસા છોડીને શાંતિથી પોતાના આશ્રમમાં જતા રહેવું જોઈએ અને ધર્મના કામમાં લાગી જવું જોઈએ. સંત પાસે કરવા જેવાં ઘણાં કામ હોય છે ને શંકરાચાર્યનો હોદ્દો હોય તો જ કામ થઈ શકે એવું તો છે નહીં? ધર્મની સેવા કરવા માટે કોઈ હોદ્દાની, પદની કે ઉપાધિની જરૂર નથી હોતી પણ હિંદુ ધર્મમાં કહેવાતા સંતોને ધર્મની સેવા કરવામાં નહીં પણ સત્તા ભોગવવામાં રસ છે તેની બધી મોંકાણ છે.