Tue Jan 27 2026

Logo

White Logo

અબુ સાલેમના પેરોલ મંજૂર કરવામાં આવે તો તે ભાગી જશે: સરકારે હાઇ કોર્ટને કહ્યું...

1 week ago
Author: Yogesh D. Patel
Video

મુંબઈ: રાજ્ય સરકારે મંગળવારે ગેન્ગસ્ટર અબુ સાલેમના પેરોલનો વિરોધ કર્યો હતો અને બોમ્બે હાઇ કોર્ટને જાણ કરી હતી કે 1993 બોમ્બબ્લાસ્ટનો દોષિત સાલેમ ફરાર થઇ જશેે, જેને કારણે ભારત અને પોર્ટુગલ વચ્ચે રાજદ્વારી સંબંધો વણસી જશે.

પોર્ટુગલથી 2005માં પ્રત્યર્પણ કરીને ભારત લવાયેલા અબુ સાલેમે તેના મોટા ભાઇ અબુ હકીમ અંસારીનું નવેમ્બર, 2025માં મૃત્યુ બાદ ઉત્તર પ્રદેશના કોમવાદની દૃષ્ટિએ સંવેદનશીલ આઝમગઢ જવા માટે 14 દિવસના પેરોલની માગણી કરી હતી. જસ્ટિસ એ.એસ. ગડકરી અને શ્યામ ચાંડકની બેન્ચ સમક્ષ દાખલ કરેલા સોગંદનામામાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે આ સંજોગોમાં સાલેમને બે દિવસની કટોકટીની પેરોલ રજા આપી શકાય.

જો અરજદારને પેરોલ આપવામાં આવે તો તે ફરી ફરાર થઇ શકે છે, જેમ તેણે 1993માં કર્યું હતું, એમ કોર્ટ સમક્ષ દાખલ કરાયેલા સોગંધનામમાં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પ્રિઝનર સુહાસ વારકેએ જણાવ્યું છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તે ભાગી જશે તો તેને કારણે પોર્ટુગલ અને ભારત વચ્ચે ગંભીર સમસ્યા ઊભી થશે અને સમાજમાં નોંધપાત્ર ખતરો ઊભો થશે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશને (સીબીઆઇ) પણ આ મામલામાં હસ્તક્ષેપ કર્યો હતો. 

જ્યારે કોર્ટે પૂછ્યું કે કાયદો અને વ્યવસ્થાની કઇ સ્થિતિ નિર્માણ થઇ શકે છે ત્યારે એજન્સી વતી હાજર એડવોકેટે યોગ્ય સૂચના માટે સમય માગ્યો હતો. હાઇ કોર્ટે બાદમાં સુનાવણી 28 જાન્યુઆરી પર મોકૂફ રાખી હતી.સરકારે સોગંધનામામાં જણાવ્યું છે કે સાલેમ ઇન્ટરનેશનલ ગેન્ગસ્ટર હતો અને તે દાયકાઓથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતો.

નોંધનીય છે કે પોર્ટુગલમાં સાલેમને બોગસ પાસપોર્ટ પર મુસાફરી કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સાલેમને 1993 મુંબઈ સિરિયલ બ્લાસ્ટ સહિત ત્રણ કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારાઇ છે અને અન્ય કેટલાક કેસમાં તેને 25 વર્ષની જેલની સજા થઇ છે. (પીટીઆઇ)