(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને નવી મુંબઈથી જોડનારી મેટ્રો-આઠને મંગળવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં માન્યતા આપવામાં આવી હતી. એ સિવાય રાજ્યના ખેડૂત, વેપારી અને ઔદ્યોગિક વિસ્તારોને રાહત મળે તે માટે પણ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા, જેમાં ભિવંડી તાલુકામાં મૌજે બાપગામમાં મલ્ટી પ્રોડ્કસ માટે હબ ઊભું કરવા માટે મંજૂરી આપીને આવશ્યક આઠ હેકટર સરકારી જમીન મહેસૂલ વિભાગની જમીન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
મલ્ટી પ્રોડક્ટ હબ ઊભો કરવાથી પરિસરના ખેડૂતોને તેમની ખેતીના માલ માટે આધુનિક બજાર ઉપલબ્ધ થશે. હાલ અનેક ખેડૂતોને દલાલ પર આધાર રાખવો પડે છે અથવા માલના વેચાણ માટે દૂરના બજારમાં જવું પડે છે. નવા હબને કારણે ખેતીના માલનેે સંઘરવા, પ્રક્રિયા, પૅકેજિંગ અને સીધું વેચાણ એક જ જગ્યાએ શક્ય બનશે, જેનો સીધો ફાયદો ખેડૂતોની આવકમાં વધારાથી થશે.
મલ્ટી હબને કારણે વેપાર, ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને બેરોજગારોને રોજગારી મળશે. મલ્ટી પ્રોડક્ટ હબ ફક્ત કૃષિ ક્ષેત્ર પૂરતો મર્યાદિત નહીં રહેતા વેપારી અને ઔદ્યોગિક દૃષ્ટિકોણથી પણ અત્યંત મહત્ત્વનો સાબિત થશે. કૃષી ઉત્પાદનની સાથે જ અન્ન પ્રક્રિયા ઉદ્યોગ, માલને સંઘરવાની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેેશન અને નિકાસ જેવા ક્ષેત્રમાં પણ હબને કારણે મોટો ફાયદો થશે. સ્થાનિક યુવકોને તેનો સીધો અને અપ્રત્યક્ષ સ્વરૂપમાં રોજગારીની મોટી સંધી નિર્માણ થશે.
મંત્રી મંડળની બેઠકમાં બીજો પણ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં અત્યાર સુધી સરકારી કામ માટે વિવિધ વિભાગોને ૩૦ વર્ષ માટે લીઝ પર જમીન આપવામાં આવતી હતી. હવે આ સમય ૪૯ વર્ષ સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બેઠકમાં દુશ્મન રાજ્યના નાગરિકોનો માલિકીનો હક એટલે કે ‘એનેમી પ્રોપર્ટી’ બાબતે પણ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મિલકતની નિલામી કેન્દ્ર સરકાર મારફત કરવામાં આવશે અને નિલામી પ્રક્રિયા માટે કોઈ ફી વસૂલ કરવામાં આવશે નહીં.