ફેબ્રુઆરી મહિનો નજીક આવતા જ આખા દેશની નજર કેન્દ્રીય બજેટ પર ટકેલી હોય છે. નાણા મંત્રાલયમાં અત્યારે આગામી બજેટ 2026ની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. દર વર્ષની જેમ આ વખતે પણ પહેલી ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કરવામાં આવશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે આખરે બજેટ પહેલી ફેબ્રુઆરીના જ કેમ રજૂ કરવામાં આવે છે? પહેલી જાન્યુઆરી કે પહેલી એપ્રિલના કેમ નહીં? આ સવાલોના જવાબ તમને ના ખબર હોય તો જરાય ચિંતા કરશો, નહીં કારણ કે આ સ્ટોરીના અંત સુધીમાં તમને તમારા સવાલનો જવાબ ચોક્કસ મળી જશે.
પહેલી ફેબ્રુઆરીના રજૂ કરવામાં આવતું બજેટ એ માત્ર આંકડાઓની માયાજાળ નથી, પરંતુ તે દેશના કરોડો મધ્યમવર્ગીય પરિવારોની આશાઓનું પ્રતિબિંબ છે. વર્ષ 2017માં મોદી સરકારે દાયકાઓ જૂની બ્રિટિશ પરંપરાને બદલીને બજેટ રજૂ કરવાની નવી વ્યવસ્થા શરૂ કરી હતી. પહેલી ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવા પાછળનું કારણ શું છે, ઈતિહાસ શું કહે છે? ચાલો તમને આ વિશે જણાવીએ...
અંગ્રેજોના જમાનાની પરંપરામાં વિશે વાત કરીએ તો વર્ષ 2017 પહેલાં સુધી કેન્દ્રીય બજેટ ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે રજૂ કરવામાં આવતું હતું અને આ પરંપરા આઝાદીના દાયકાઓ પછી પણ ચાલુ રહી હતી. પરંતુ મોદી સરકારના તત્કાલિન નાણા પ્રધાન અરુણ જેટલીએ આ પરંપરા તોડીને બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવાનું નક્કી કર્યું અને ત્યારથી પહેલી ફેબ્રુઆરીના બજેટ રજૂ કરવાની શરૂઆત થઈ.
હવે તમને થશે કે નાણાંકીય વર્ષ પહેલી એપ્રિલથી શરૂ થાય છે અને જ્યારે બજેટ ફેબ્રુઆરીના અંતમાં રજૂ થતું, ત્યારે તેને સંસદમાં પાસ કરાવતા જૂન મહિનો આવી જતો હતો. આથી નવી યોજનાઓ માટે ફંડ ફાળવવામાં મોડું થતું. પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાને કારણે સરકારને બે મહિનાનો વધારાનો સમય મળે છે, જેને કારણે પહેલી એપ્રિલથી જ બધી યોજનાઓ અમલમાં આવી શકે.
સેક્શન 80Cની લિમિટમાં વધારાની આશા
આ વખતના બજેટમાં ટેક્સપેયર્સની સૌથી મોટી અપેક્ષા સેક્શન 80C ને લઈને છે. છેલ્લાં ઘણા વર્ષોથી આ કલમ હેઠળ ટેક્સ છૂટની મર્યાદા 1.5 લાખ રૂપિયા પર સ્થિર છે. નિષ્ણાતોનું માનવું છે કે વધતી જતી મોંઘવારી અને ખર્ચને જોતા આ લિમિટ હવે ખૂબ ઓછી લાગે છે. જો સરકાર આ મર્યાદામાં વધારો કરે છે, તો PF, PPF અને વીમા પ્રીમિયમમાં રોકાણ કરતા મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત મળી શકે છે. આનાથી લોકોમાં લાંબા ગાળાની બચત કરવાનું પ્રોત્સાહન પણ વધશે.
મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે રાહતના સંકેત
મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના સંગઠન 'એમ્ફી' (AMFI)એ પણ નાણા મંત્રાલયને પોતાની ભલામણો મોકલી છે. એમ્ફી દ્વારા ભલામણ કરવામાં આવી છે કે લાંબા ગાળાના રોકાણ માટે છૂટક રોકાણકારોને ટેક્સમાં વિશેષ રાહત આપવી જોઈએ. જો બજેટમાં આ સૂચનો સ્વીકારવામાં આવે, તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા સામાન્ય લોકો માટે તે 'વેલ્થ ક્રિએશન'નું શ્રેષ્ઠ માધ્યમ બની શકશે અને શેરબજારમાં પણ ઘરેલુ રોકાણ વધશે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...