કચ્છ: દેશની આર્થિક રાજધાની મુંબઈ અને કચ્છને જોડનારી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોની સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર ઉઠ્યો છે. વાપી અને સુરત રેલવે સ્ટેશન વચ્ચે આ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક નિર્દોષ મુસાફર પર ચાર અજાણ્યા શખ્સો દ્વારા સીટ પર બેસવાના મુદ્દે સરાજાહેર જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર કોચમાં બેઠેલા મુસાફરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
આ ગંભીર બાબત અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ટ્રેનમાં બેસવાની સીટ બાબતે સામાન્ય બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો. ચાર શખ્સોએ ઉશ્કેરાઈ જઈને એક મુસાફરને નિશાન બનાવી તેના માથાના ભાગે વાર કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ ઈજાગ્રસ્ત મુસાફર લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો.
ટ્રેનમાં બનેલી આ ઘટનાને પગલે અન્ય મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકોએ સુરક્ષાના મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો.કચ્છ એક્સપ્રેસમાં ખાસ કરીને વાપી, વલસાડ અને સુરત વચ્ચે ટિકિટ વગર ચડી જતા અપડાઉનીયા મુસાફરો અને ફેરિયાઓનો આતંક લાંબા સમયથી પ્રશ્ન બની રહ્યો છે.
આ ઘટનાને પગલે કચ્છી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સામાજિક અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે રેલવે પોલીસની નિષ્ક્રિયતાને કારણે આ સમસ્યા વિકટ બની છે. મુસાફરોએ માંગ કરી છે કે આ મામલે જવાબદાર હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે ટ્રેનમાં પોલીસ સુરક્ષા વધારવામાં આવે. હાલે રેલવે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.