ગુવાહાટીઃ ઓપનર અભિષેક શર્મા (68 અણનમ, 20 બૉલ, પાંચ છગ્ગા, સાત ચોગ્ગા) અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (57 અણનમ, 26 બૉલ, ત્રણ છગ્ગા, છ ચોગ્ગા)ની જોડીએ ભારતને અહીં ન્યૂ ઝીલૅન્ડ (New Zealand) સામે સિરીઝની ત્રીજી ટી-20માં માત્ર 10 ઓવરમાં વિજય અપાવ્યો હતો અને એ સાથે ટીમ ઇન્ડિયાએ 3-0ની વિજયી સરસાઈ સાથે ટ્રોફી પર અત્યારથી કબજો કરી લીધો છે. હજી શ્રેણીમાં બે મૅચ બાકી છે. ભારતની ધરતી પર પહેલી વખત ટી-20 સિરીઝ જીતવાની કિવીઓની આશા પર પાણી ફરી વળ્યું છે.
અભિષેકની 14 બૉલમાં હાફ સેન્ચુરી
ભારતે (India) 154 રનનો સાધારણ લક્ષ્યાંક 10 ઓવરમાં સંજુ સૅમસન (0) અને ઇશાન કિશન (28 રન, 13 બૉલ, બે છગ્ગા, ત્રણ ચોગ્ગા)ની વિકેટ ગુમાવીને 2/155ના સ્કોર સાથે મેળવી લીધો હતો. મૅટ હેન્રી અને ઇશ સોઢીએ એક-એક વિકેટ લીધી હતી. ભારતે એકંદરે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી સિરીઝ જીતી લીધી છે. અભિષેકે 14 બૉલમાં અને સૂર્યકુમારે પચીસ બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી.
સૅમસનનો ગોલ્ડન ડક
વિકેટકીપર સંજુ સૅમસનને ન્યૂ ઝીલૅન્ડ સામેની વર્તમાન સિરીઝમાં ઘણી તક મળી, પણ એ મોકાનો તે ફાયદો નથી લઈ શક્યો. ગુવાહાટીમાં તે પહેલા જ બૉલ પર ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. મૅટ હેન્રીએ ભારતના દાવની હજી તો માંડ શરૂઆત કરી ત્યાં સૅમસને તેને પહેલા જ બૉલમાં વિકેટ (ગોલ્ડન ડક) આપી દીધી હતી. જોકે સદનસીબે ત્યાર બાદ અભિષેક શર્મા અને ઇશાન કિશને ફટકાબાજી કરીને 53 રનની ભાગીદારી સાથે કિવી બોલર્સને વળતો જવાબ આપી દીધો હતો.
બુમરાહની ત્રણ વિકેટ, બિશ્નોઈ પણ જોશમાં
એ પહેલાં, ન્યૂ ઝીલૅન્ડને 20 ઓવરમાં 9/153 સુધી મર્યાદિત રખાવવામાં જસપ્રીત બુમરાહ (17 રનમાં ત્રણ) અને રવિ બિશ્નોઈ (18 રનમાં બે)ના સૌથી મોટા યોગદાન હતા. તેમને આ મૅચમાં અનુક્રમે અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીના સ્થાને ટીમમાં સમાવવામાં આવ્યા છે અને તેમણે ટીમ મૅનેજમેન્ટના વિશ્વાસને યોગ્ય ઠરાવ્યો છે. હાર્દિક પંડ્યાએ 23 રનમાં બે વિકેટ તેમ જ હર્ષિત રાણાએ 35 રનમાં એક વિકેટ લીધી હતી. કુલદીપ યાદવની બોલિંગ ખર્ચાળ નીવડી હતી. તેની ત્રણ ઓવરમાં 32 રન બન્યા હતા અને તેને વિકેટ નહોતી મળી. શિવમ દુબેને 24 રનમાં વિકેટ નહોતી મળી.
ન્યૂ ઝીલૅન્ડના બૅટ્સમેનોમાં ગ્લેન ફિલિપ્સ (48 રન) અને માર્ક ચૅપમૅન (32 રન)ના સૌથી વધુ યોગદાન હતા અને બન્નેને રવિ બિશ્નોઈએ પૅવિલિયન ભેગા કર્યા હતા.
મૅચની હજી તો શરૂઆત થઈ ત્યાં તો ગણતરીની મિનિટોમાં ન્યૂ ઝીલૅન્ડના બે બૅટ્સમેન પૅવિલિયનમાં પાછા આવી ગયા છે. પેસ બોલર હર્ષિત રાણાએ મૅચના ત્રીજા જ બૉલમાં ઓપનર ડેવૉન કૉન્વે (એક રન)ને મિડ-ઑફ પર હાર્દિક પંડ્યાના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. એ આઘાતજનક ઓવર હજી તો પૂરી થઈ ત્યાં બીજી ઓવર જે હાર્દિકે કરી હતી એના ચોથા બૉલમાં ડીપ સ્ક્વેર લેગમાં રવિ બિશ્નોઈએ રચિન રવીન્દ્ર (ચાર રન)નો કૅચ ઝીલી લેતાં પ્રવાસી ટીમને બીજો ઝટકો લાગ્યો હતો.