Tue Jan 27 2026

Logo

White Logo

પાકિસ્તાને બાંગ્લાદેશને દગો દીધો, ભારત સાથે ભીડવાનું ભારે પડ્યું...

2 days ago
Author: Ajay Motiwala
Video

PTI


અજય મોતીવાલા

મુંબઈઃ 1971ની સાલ પહેલાંના પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાને (બાંગ્લાદેશ અને પાકિસ્તાને) ક્રિકેટના ` રણમેદાન'માં એક થઈને આવતા મહિને રમાનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપના મુદ્દે ભારત સાથે શિંગડા ભરાવ્યા, પણ ભારતના બન્ને પાડોશીએ આબરૂ ગુમાવી જેમાં ખાસ કરીને બાંગ્લાદેશે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વખત આવ્યો અને પાકિસ્તાનની ખેલજગતમાં આબરૂ ગઈ. ભારતમાં અસલામતી હોવાનું કહીને બાંગ્લાદેશે વિશ્વ કપનો બહિષ્કાર કર્યો અને એમાં એને પાકિસ્તાનનો મજબૂત ટેકો મળ્યો, પણ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશની હકાલપટ્ટી કર્યા બાદ પાકિસ્તાન સામે પણ લાલ આંખ કરી એટલે પાકિસ્તાન પોતાની ટીમ જાહેર કરીને પાણીમાં બેસી ગયું અને બાંગ્લાદેશને એણે (પાકિસ્તાને) આપેલા સપોર્ટનું ટાંઇ ટાંઇ ફિસ થઈ ગયું.

પાકિસ્તાનની દરમ્યાનગીરી બાંગ્લાદેશને નડી

પાકિસ્તાને મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે વિશ્વ કપની મૅચો ભારતને બદલે શ્રીલંકામાં રાખવાની બાંગ્લાદેશની માગણી આઇસીસી નહીં સ્વીકારે તો પોતે (પાકિસ્તાન) પણ વર્લ્ડ કપનો બહિષ્કાર કરશે. જોકે આઇસીસીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને સંપૂર્ણ પ્રતિબંધની ધમકી આપી એટલે ગભરાઈ ગયેલા પીસીબીએ વર્લ્ડ કપની ટીમ જાહેર કરી દીધી અને બાંગ્લાદેશને એકલું પાડી દીધું. જો ભારતના અને વર્લ્ડ કપના બહિષ્કાર માટે બાંગ્લાદેશને પાકિસ્તાનનો ટેકો ન મળ્યો તો બાંગ્લાદેશ પોતાના ખેલાડીઓને છેવટે (સલામતીને લગતી આઇસીસીની ખાતરીને આધારે) ભારતમાં મોકલવા તૈયાર થઈ ગયું હોત, પરંતુ એ પાકિસ્તાનના ભરોસે બેઠું રહ્યું અને આઇસીસીએ ટાઇમટેબલમાં બાંગ્લાદેશના સ્થાને સ્કૉટલૅન્ડને ગોઠવી દેતાં પાકિસ્તાને અબાઉટ ટર્ન કરીને બાંગ્લાદેશને ખુલ્લેઆમ દગો આપી બેઠું.

 

કહેવાય છેને કે ` બે આખલા લડે એમાં ઝાડનો ખો બોલાઈ જાય' અને ` બે હાથી ઝઘડે એમાં ઘાસનો ખુરદો બોલાઈ જાય'. આવું બાંગ્લાદેશના કિસ્સામાં બન્યું. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ ભારતને દેખાડી દેવા આઇસીસી સાથે જંગ છેડ્યો એમાં બાંગ્લાદેશના ક્રિકેટરોએ વર્લ્ડ કપથી હાથ ધોઈ નાખવા પડ્યા. ચોથી જાન્યુઆરીએ બીસીબીએ મૂળ હિન્દુ ખેલાડી લિટન કુમાર દાસની કૅપ્ટન્સીમાં 15 ખેલાડીની ટીમ પણ જાહેર કરી હતી, પણ હવે એ ખેલાડીઓ વર્લ્ડ કપનો એક મહિનો (7 ફેબ્રુઆરીથી 8 માર્ચ) ઘરમાં બેઠા રહેશે. બીસીસીએ આઇસીસી સાથે બાથ ભીડી એમાં બાંગ્લાદેશ સરકારે કરોડો રૂપિયાની આવક પણ ગુમાવવી પડી.

બીસીબીમાં તિરાડ પડવાની શરૂઆત થઈ ગઈ

પાકિસ્તાનનો પ્રધાન અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)નો ચૅરમૅન મોહસિન નકવી ગયા વર્ષે ભારતને એશિયા કપની ટ્રોફીથી વંચિત રખાવીને આઇસીસીના બ્લૅકલિસ્ટમાં આવી જ ગયો હતો ત્યાં હવે તેણે બાંગ્લાદેશના કિસ્સામાં ભારતની (બીસીસીઆઇની) વિરુદ્ધમાં જઈને વધુ એક ગુનો વહોરી લીધો. બાંગ્લાદેશ નકવીના રવાડે ચડ્યું એમાં એણે તો આઇસીસીની આવકમાંથી 240 કરોડ રૂપિયાના હિસ્સા સહિત કરોડો રૂપિયા ગુમાવવા પડ્યા અને અધૂરામાં પૂરું, ક્વૉલિફાય થવા છતાં વર્લ્ડ કપમાં નહીં રમવા મળે એ બદલ એના ક્રિકેટરોમાં પણ જરૂર નારાજગી ફેલાઈ હશે. ડિરેકટર ઇશ્તિઆક સાદિકના રાજીનામા સાથે બીસીબીમાં ભંગાણ પડવાની શરૂઆત થઈ ચૂકી છે.

એક તો બાંગ્લાદેશ સરકાર પોતાની ધરતી પર લગભગ દરરોજ હિન્દુ નાગરિકોની થતી હત્યાનો સિલસિલો રોકી નથી શકતી ત્યાં હવે ક્રિકેટમાં કરોડો રૂપિયા ગુમાવવાની સાથે સરકારનું અને બીસીબીનું નાક કપાઈ ગયું છે. આવનારા દિવસોમાં બાંગ્લાદેશ ક્રિકેટમાં મોટો ખળભળાટ થઈ શકે.

હરભજનનું મહત્ત્વનું નિવેદન

ભૂતપૂર્વ ભારતીય ઑફ-સ્પિનર હરભજન સિંહે પીટીઆઇને રવિવારે કહ્યું, ` પાકિસ્તાનની પોતાની મૅચો શ્રીલંકામાં રાખવામાં આવી છે. એની મૅચો ભારતમાં રમાવાની નહોતી તો પછી એણે શા માટે બાંગ્લાદેશના કિસ્સામાં કારણ વગર ચંચુપાત કર્યો? આખરે બાંગ્લાદેશ અને એના ક્રિકેટરોને જ નુકસાન થયું. કોઈ દેશના ખેલાડીઓને ક્વૉલિફાય થવા છતાં વર્લ્ડ કપમાં ન રમવા મળે એનાથી વધુ ખરાબ બીજી કઈ વાત કહેવાય.'