Tue Jan 27 2026

Logo

White Logo

મહાનગરપાલિકાની ચૂંટણી બાદ મેયરને મુદ્દે મહાયુતિમાં સંંબંધો વણસ્યા એકનાથ શિંદેએ સળંગ બીજી કેબિનેટ મીટિંગમાં મારી દાંડી

2 hours from now
Author: Sapna Desai
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યની ૨૯ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ મુંબઈ સહિત અન્ય પાલિકામાં મેયરને મુદ્દે ભાજપ અને શિંદેસેના વચ્ચે સંબંધોમાં તણાવ નિર્માણ થયો હોવાનું માનવામાં આવે છે ત્યારે મંગળવારે રાજ્યની યોજાયેલી કેબિનેટ બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગેરહાજર રહેતા  શિંદે ભાજપના મોવડીમંડળથી  નારાજ હોવાથી લઈને અનેક ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ અગાઉ યોજાયેલી કેબિનેટની બેઠકમાં પણ એકનાથ શિંદે ગેરહાજર રહ્યા હતા.

તાજેતરમાં રાજ્યની ૨૯ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ મંગળવારે બીજી કેબિનેટની બેઠક થઈ હતી, જેમાં શિંદે ગેરહાજર રહ્યા હતા.  તેમના ગેરહાજર રહેવા પાછળ રાજકીય સ્તરે અનેક ચર્ચા થઈ રહી છે, જેમા મુખ્યત્વે મુંબઈ મહાનગરપાલિકામાં મૅયરપદથી લઈને જુદી જુદી મહત્ત્વની સમિતિઓમાં અધ્યક્ષ પદના વહેંચણીને મુદ્દે એકમત સધાઈ શક્યો ન હોવાનું માનવામાં આવે છે.

કેબિનેટની મહત્ત્વની બેઠકમાં હાજરી પૂરાવવાને બદલે શિંદે હાલ  સાતારા જિલ્લાની મુલાકાતે ગયા છે. આગામી જિલ્લા પરિષદની ચૂંટણીની પાર્શ્ર્વભૂમિ પર સાતારા જિલ્લાના જાવળીમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની પ્રચાર સભા સંબોધવા માટે શિંદે મંત્રીમંડળની બેઠકને બદલે પક્ષનો પ્રચાર કરવાને મહત્ત્વ આપ્યું હોવાનું કહેવાય છે.
એકનાથ શિંદે જયારે પણ ભાજપના મોવડીમંડળથી નારાજ હોય છે ત્યારે સંપર્કથી દૂર થઈ જતા હોય છે અને કેબિનેટની બેઠકમાં પણ હાજરી આપતા નથી. આ અગાઉ પણ અનેક વખત આવું થઈ ચૂક્યું છે ત્યારે સળંગ બે કેબિનેટની બેઠકમાં તેમણે ગેરહાજર રહીને ભાજપને તેઓ ભારે નારાજ હોવાનો સ્પષ્ટ સંદેશો આપ્યો હોવાનું કહેવાય છે. મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ બદલાયેલા સમીકરણોને કારણે મંત્રીમંડળમાં મહત્ત્વના નિર્ણયો લેવામાં આવવાના હોવાની જાણ બાદ શિંદે ગેરહાજર રહ્યા હતા.

મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળેલી સફળતા બાદ હવે મહાયુતિએ ખાસ કરીને શિંદેએ પોતાનું જોર રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં લગાવી રહ્યા છે. જાવળીની સભામાં તેઓ કયાં મુદ્દાઓ પર ભાષણ આપે છે તેના પર સૌ કોઈનું ધ્યાન છે. શિંદેસેના સાથે સંકળાયેલા પક્ષના સિનિયર નેતાના કહેવા મુજબ મુંબઈ સહિત રાજ્યમાં અનેક જગ્યાએ  શિંદે સેનાને ઓછી બેઠકો મળી છે. તેથી હવે મેદાનમાં ઊતરીને શિવસેનાને ગ્રાઉન્ડ લેવલ પર તેઓ મજબૂત કરીને હવે જિલ્લા પરિષદની ચૂંટણીમાં પોતાના પક્ષની  તાકાત વધારવાની યોજના પર કામ કરી રહ્યા છે