અમદાવાદઃ ગુજરાતમાં એસઆઈઆર બાદ 19 જાન્યુઆરીએ બહાર પાડેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ 4.43 કરોડ મતદારોમાંથી 1.73 કરોડના ડેટા મેચ થયા નથી. જૂની યાદીમાં નામ, ઘર નંબર, ઉંમર ખોટી રીતે લખાયેલી હોવાથી ખામી આવી હતી. તાર્કિક ખામીઓ અને મેપિંગ ન થયાના કારણે નોટિસ પાઠવીને રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવી રહ્યું છે. મોટાભાગના મતદારો ચૂંટણી પંચે માગેલા દસ્તાવેજના કારણે સુનાવણીમાં હાજર રહેતા નથી. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં 96,066 મતદારોનો નોટિસ પાઠવવામાં આવી હતી. જે પૈકી માત્ર 623 એટલે કે 0.65 ટકા મતદારો જ ઉપસ્થિત રહ્યા હતા.
મતદારો કેમ હાજર રહેવાનું ટાળે છે
મતદારોને તેમના અને તેઓના માતા-પિતામાંથી કોઈ એકનો પુરાવો માગતા મોટાભાગના મતદારો નોટિસની સુનાવણીનો જવાબ આપવાનું ટાળે છે. સૌથી ઓછા માત્ર 623 મતદારો ઘાટલોડિયા વિધાનસભામાં સુનાવણી વખતે હાજર રહ્યા હતા. નિકોલ વિધાનસભાના 5629 મતદારો સુનાવણીમાં હાજર રહ્યા હતા. જ્યારે એલિસબ્રિજ વિધાનસભામાં જે મતદારને ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર સમક્ષ હાજર રહેવા માટે નોટિસ અપાઈ હતી ત્યાં બીએલઓ દ્વારા પુરાવા લઈને નોટિસ રદ કરવાના કિસ્સા પણ જોવા મળી રહ્યા છે.
રાજ્યમાં 40 ટકા મતદારોના ડેટા નથી થયા મેચ
રાજ્યમાં આશરે 40 ટકા મતદારોના ડેટા મેચ થયા નથી. આ જોતા કુલ 1.73 કરોડથી વધારે મતદારો એવા છે જેમના નામ, ઉંમર, સરનામા સહિતની વિગતો અગાઉની 2002ની યાદી સાથે મેળ ખાતી નથી. જૂની મતદાર યાદીઓમાં મતદારોના ઘર નંબરને ભૂલથી ઉંમર તરીકે દર્શાવી હોવાથી ખામીઓ સામે આવી શકે છે. આવા કિસ્સાને લોજિકલ ડિસ્ક્રિપન્સી એટલે કે તાર્કિક ખામી અને નો મેપિંગ તરીકે ગણીને તમામને બીએલઓ દ્વારા નોટિસ પાઠવીને રૂબરુ હાજર રહેવા જણાવ્યું છે.
અગાઉ ચૂંટણી પંચની સૂચના મુજબ જે મતદારોએ પોતાના બીએલઓ, ઈઆરઓ કે એઈઆરઓને પોતાના દસ્તાવેજો જમા કરાવ્યા હતા તેમનને નોટિસ આપવાની નહોતી તેમ છતાં ઘણા મતદારોની નામ, ઉંમરની માહિતી અને 2002ની યાદી તથા ડ્રાફ્ટ યાદી વચ્ચેના તફાવતના કારણે ખોટી રીતે દર્શાવવામાં આવી છે. જે મતદારોની ભૂલ ન હોવા છતાં વગર વાંકે દંડાઈ રહ્યા છે. 31 જાન્યુઆરી સુધી મતદારો વાંધા અને દાવા અરજી રજૂ કરી શકશે અને ફેબ્રુઆરીના બીજા અઠવાડિયા સુધી સુનાવણી ચાલશે.
અમદાવાદમાં કઈ વિધાનસભામાં કેટલા મતદાર હાજર રહ્યા
વિધાનસભા નોટિસ હાજર મતદાર ટકા
ઘાટલોડિયા 96,066 623 0.65
એલિસબ્રિજ 35,317 7745 22
અસારવા 52,166 9928 19
મણિનગર 48,652 9000 18
નિકોલ 44,647 5629 13
અમરાઈવાડી 65,415 7250 11
વેજલપુર 99,574 10299 10
દરિયાપુર 27,346 2388 9
વટવા 1,27,408 9021 7