અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારના પ્રવેશદ્વાર સમાન ગણાતા વ્યસ્ત કેડિલા બ્રિજ પર આજે રુંવાટા ઉભા કરી દે તેવા અકસ્માતની ઘટના સામે આવી છે. લોખંડના સળીયા ભરીને જતી પીકઅપ વાન અને કાર વચ્ચે થયેલી આ ટક્કરે બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. જોકે, આ ભયાનક દ્રશ્યો વચ્ચે પણ કુદરતની મહેરબાની હોય તેમ એક મોટો ચમત્કાર સર્જાયો છે, જેના કારણે લોહીલુહાણ કરી દેતી આ ઘટનામાં કોઈનો જીવ ગયો નથી.
પ્રાપ્ત માહિતી મુજબ, બ્રિજ પર ટ્રાફિક વચ્ચે પસાર થઈ રહેલી સળીયા ભરેલી પીકઅપ વાને અચાનક બ્રેક મારી હતી. આ દરમિયાન પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી કાર પીકઅપ વાન સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે પીકઅપમાં ભરેલા અણીદાર લોખંડના સળીયા કારના વિન્ડશીલ્ડ (આગળના કાચ) ને કાગળની જેમ ચીરીને સીધા સીટ સુધી ઘૂસી ગયા હતા. કારમાં સવાર લોકો માટે આ સીધા મોતના મુખમાં જવાની સ્થિતિ હતી.
અકસ્માતના જે ફોટા અને વીડિયો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે સળીયા ડ્રાઈવરની સીટની બિલકુલ બાજુમાંથી પસાર થઈ ગયા હતા. જો સળીયા થોડા પણ ત્રાંસા હોત તો કાર ચાલક કે સવાર વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોત. ઘટનાસ્થળે હાજર લોકો પણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આટલા ગંભીર અકસ્માત બાદ પણ માત્ર કાર ચાલક અને સવારને સામાન્ય ઈજાઓ જ થઈ છે અને કોઈ જાનહાનિ થઈ નથી.
આ અકસ્માતને પગલે કેડિલા બ્રિજ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને વાહનોને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાએ ફરી એકવાર માલવાહક વાહનોમાં જોખમી રીતે લોખંડના સળીયા લટકાવીને ચાલતા ચાલકો અને તેમની સામે લેવાતા પગલાં પર સવાલો ઉભા કર્યા છે. નિયમ મુજબ વાહનની બહાર સળીયા નીકળતા હોય ત્યારે પાછળ લાલ કપડું કે અન્ય ચેતવણી હોવી જરૂરી છે, જેનો અભાવ ઘણીવાર આવા અકસ્માતો નોતરે છે.