Tue Jan 27 2026

Logo

White Logo

ભારતના બંધારણની મૂળ પ્રત ક્યાં રાખવામાં આવી છે? 99 ટકા લોકોને નથી ખબર...

1 day ago
Author: Darshana Visaria
Video

આજે 26મી જાન્યુઆરીના ભારત 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દેશના સર્વોચ્ચ ગ્રંથ ભારતીય બંધારણ વિશે જાણવું દરેક ભારતીય માટે ગર્વની વાત છે. 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવેલું આપણું બંધારણ માત્ર કાયદાનો દસ્તાવેજ નથી, પરંતુ તે વિશ્વનું સૌથી લાંબુ અને હાથથી લખાયેલું અદભૂત સર્જન છે. પરંતુ શું તમને ખબર છે કે આપણા બંધારણની મૂળ હસ્ત લિખિત પ્રત ક્યાં અને કઈ રીતે રાખવામાં આવી છે? તેની જાળવણી માટે શું શું તકેદારીઓ રાખવામાં આવે છે? ચાલો 26મી જાન્યુઆરીના દિવસે જાણીએ આ વિશે...

ભારતીય બંધારણની મૂળ નકલ કોઈ મશીનથી ટાઈપ કે પ્રિન્ટ નહોતી કરવામાં આવી, પરંતુ પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા દ્વારા સુંદર અક્ષરોમાં હાથથી લખવામાં આવી હતી. આ અમૂલ્ય વારસાને આવનારી પેઢીઓ માટે અકબંધ રાખવા વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સહારો લેવામાં આવ્યો છે, જેના વિશે આજે આપણે અહીં આ લેખમાં આગળ વાત કરીશું. 

ભારતીય બંધારણની મૂળ હિન્દી અને અંગ્રેજી નકલો નવી દિલ્હી ખાતે આવેલા સંસદ ભવનના પુસ્તકાલયમાં સાચવીને રાખવામાં આવી છે. આ નકલોને કોઈ સામાન્ય કબાટમાં નહીં, પરંતુ એક ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલા સુરક્ષિત રૂમમાં રાખવામાં આવી છે. આ રૂમનું ટેમ્પરેચર અને ભેજનું પ્રમાણ સતત કન્ટ્રોલ કરવામાં છે.

બંધારણની મૂળ પ્રત 'પાર્ચમેન્ટ પેપર' (વિશેષ કાગળ) પર લખાયેલી છે. સામાન્ય હવામાં રહેલો ઓક્સિજન અને ભેજ કાગળને પીળો પાડી શકે છે અથવા તેની સ્યાહીને નુકસાન પહોંચાડી શકે છે. આથી બંધારણને હીલિયમ ગેસથી ભરેલા પારદર્શક ગ્લાસ બોક્સમાં રાખવામાં આવ્યું છે. હીલિયમ એક નિષ્ક્રિય (Inert) ગેસ છે, જે કોઈ રાસાયણિક પ્રતિક્રિયા કરતો નથી. આ ગેસને કારણે બેક્ટેરિયા, ફૂગ કે જંતુઓ પેદા થતા નથી અને ઓક્સિજન દૂર રહે છે, જેથી હજારો વર્ષો સુધી કાગળ અને સ્યાહી સુરક્ષિત રહે છે.

શરૂઆતના વર્ષોમાં બંધારણની મૂળ પ્રતને ફલાલેનના કાપડમાં વીંટાડીને નેફથલીન બોલ્સ (કપૂરની ગોળીઓ) સાથે રાખવામાં આવતી હતી. પરંતુ 1994માં ભારત સરકારે આધુનિક ટેકનોલોજી અપનાવીને અમેરિકાની મદદથી ખાસ હીલિયમ ચેમ્બર તૈયાર કરાવી હતી જે આજે પણ કાર્યરત છે. આ ચેમ્બરમાં બંધારણની મૂળ પ્રતનું સંવર્ધન કરવામાં આવ્યું છે. 

બંધારણના આ બોક્સમાં વિશેષ સેન્સર લગાડવામાં આવ્યા છે. દર વર્ષે હીલિયમ ગેસ ખાલી કરીને ફરીથી નવો ગેસ ભરવામાં આવે છે. આ ઉપરાંત, અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણોથી કાગળને બચાવવા માટે આ કેબિનમાં લાઈટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આખું બંધારણ તૈયાર કરવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. શાંતિનિકેતનના કલાકારોએ બંધારણના દરેક પૃષ્ઠને સુંદર કલાકૃતિઓથી સજાવ્યું છે. તેના પર બંધારણ સભાના તમામ સભ્યોના હસ્તાક્ષર છે. આપણું બંધારણ એ લોકશાહીનો આત્મા છે અને તેને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવતા આ પ્રયાસો તેની ગરિમા દર્શાવે છે.