હિંદુ કેલેન્ડર મુજબ, મહા સુદ પાંચમના દિવસે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવે છે. આપણે ત્યાં વસંત પંચમીનું એક આગવું મહત્ત્વ છે. આ દિવસથી ઋતુરાજ વસંતનું આગમન થાય છે અને વિદ્યાની દેવી મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ હોવાથી તેને 'અબુઝ મુહૂર્ત' પણ માનવામાં આવે છે. વર્ષ 2026માં તિથિના ફેરફારને કારણે તારીખ બાબતે થોડી ગુંચવણ છે, ચાલો આ સ્ટોરીમાં તમને જણાવીએ કે આ વખતે વસંત પંચમી કઈ તારીખે ઉજવવામાં આવશે...
વસંત પંચમી 22મી કે 23મી જાન્યુઆરીના?
શાસ્ત્રોમાં વસંત પંચમીની પૂજા 'પૂર્વાહ્ન' કાળમાં (દિવસના પ્રથમ ભાગમાં) કરવાનું વિધાન જોવા મળે છે. આ વખતે પંચમી તિથિનો પ્રારંભ 22મી જાન્યુઆરી, 2026ના રોજ બપોરે 01:25 વાગ્યે થશે અને સમાપ્તિ 23મી જાન્યુઆરી, 2026ના રોજ બપોરે 12:40 વાગ્યે થશે.
ઉદયા તિથિ અને પૂજાના શ્રેષ્ઠ મુહૂર્તને ધ્યાનમાં રાખતા, આ વર્ષે 2026માં વસંત પંચમીની મુખ્ય ઉજવણી અને સરસ્વતી પૂજન 23મી જાન્યુઆરી, શુક્રવારના રોજ કરવું શાસ્ત્રોચિત રહેશે. 22મી જાન્યુઆરીના સૂર્યોદય સમયે ચતુર્થી તિથિ હોવાથી 23 તારીખ જ શ્રેષ્ઠ ગણાશે.
વસંત પંચમીનું મહત્વ
વાત કરીએ વસંત પંચમીના મહત્ત્વન વિશે તો આ દિવસ એ મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ છે. પૌરાણિક કથા મુજબ, બ્રહ્માંડની રચના સમયે ભગવાન બ્રહ્માએ આ દિવસે પોતાના કમંડળમાંથી જળ છાંટીને માં સરસ્વતીને પ્રગટ કર્યા હતા. તેથી આ દિવસે જ્ઞાન, કલા અને સંગીતની દેવીનું પૂજન થાય છે.
એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે જ પ્રકૃતિમાં નવો સંચાર થાય છે. ખેતરોમાં પીળા ફૂલો લહેરાય છે અને ઠંડીની વિદાય સાથે વસંત ઋતુની શરૂઆત થાય છે. આ દિવસને અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈ પણ જ્યોતિષીને પૂછ્યા વગર લગ્ન, ગૃહ પ્રવેશ કે નવા કાર્યની શરૂઆત કરી શકાય છે. આ ઉપરાંત નાના બાળકોને અક્ષર જ્ઞાન આપવા માટે પણ આ દિવસને એકદમ સર્વોત્તમ છે. પાટી-પેનનું પૂજન કરી બાળકોના અભ્યાસના શ્રીગણેશ આ દિવસે કરવામાં આવે છે.
વસંત પંચમી પર પીળા રંગનું વિશેષ મહત્વ છે. પીળો રંગ ઉર્જા, આશા અને નવી ચેતનાનું પ્રતીક છે. આ દિવસે લોકો પીળા વસ્ત્રો પહેરે છે અને માં સરસ્વતીને પીળા ફૂલો તેમજ પીળી મીઠાઈ (કેસરી શીરો કે લાડુ) અર્પણ કરે છે.