Tue Jan 27 2026

Logo

White Logo

જો તમને આ આદત હોય તો અત્યારે જ બદલી નાખો! કેમ કે સિગારેટ કરતા પણ વધુ ખતરનાખ છે

5 hours ago
Author: Tejas Rajpara
Video

આજની ભાગદોડ ભર્યા જીવનમાં આપણે ઘણીવાર એવું માની લઈએ છીએ કે જો આપણે ધૂમ્રપાન કે અન્ય કોઈ વ્યસન નથી કરતા, તો આપણે સંપૂર્ણ સુરક્ષિત છીએ. પરંતુ મેડિકલ રિસર્ચમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવાની આદત શરીર માટે એટલી જ ઘાતક છે જેટલી સિગારેટ પીવાની આદત. ઓફિસમાં સતત 8 થી 10 કલાક ખુરશી પર બેસી રહેવું, મુસાફરી દરમિયાન બેઠા રહેવું અને ઘરે આવીને ટીવી કે મોબાઈલ સામે સમય વિતાવવો એ હવે આપણી દિનચર્યાનો હિસ્સો બની ગયો છે. હેલ્થ એક્સપર્ટ્સ હવે આ આદતને 'ન્યૂ સ્મોકિંગ' તરીકે ઓળખાવી રહ્યા છે, જે ધીમે ધીમે શરીરને અંદરથી ખોખલુ કરી નાખે છે.

જ્યારે શરીર લાંબા સમય સુધી ગતિહીન રહે છે, ત્યારે તેની સીધી અસર આપણા હૃદય અને રક્તવાહિનીઓ પર પડે છે. સતત બેસી રહેવાથી બ્લડ ફ્લો ધીમો પડી જાય છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનું જોખમ અનેકગણું વધી જાય છે. એટલું જ નહીં, શારીરિક પ્રવૃત્તિના અભાવે સ્નાયુઓ સુગરનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી, જે ટાઈપ-2 ડાયાબિટીસને આમંત્રણ આપે છે. મેટાબોલિઝમ સુસ્ત થવાને કારણે કેલરી બર્ન થતી નથી અને પેટ તથા કમરની આસપાસ ચરબી જમા થવા લાગે છે. તબીબોના મતે, દિવસમાં 8 કલાકથી વધુ બેસી રહેવું એ અઠવાડિયામાં 10-15 સિગારેટ પીવા જેટલું નુકસાનકારક હોઈ શકે છે.

સતત બેસી રહેવાની અસર માત્ર હૃદય પર જ નહીં, પણ આપણા પાચનતંત્ર અને હાડકાં પર પણ થાય છે. ખોટી રીતે બેસવાથી કરોડરજ્જુ પર દબાણ આવે છે, જે ગરદન અને કમરના કાયમી દુખાવાનું કારણ બને છે. જમ્યા પછી તરત બેસી જવાથી ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ સર્જાય છે. ઉપરાંત, ઓછી ફિઝિકલ એક્ટિવિટીને કારણે મગજ સુધી ઓક્સિજનનો પુરવઠો ઓછો પહોંચે છે, જેનાથી તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ ઉભી થઈ શકે છે. લાંબા ગાળે આ આદત એકાગ્રતામાં પણ ઘટાડો કરે છે.

જીવનશૈલીમાં આ ફેરફાર કરો

આ ગંભીર જોખમથી બચવા માટે આખા દિવસની આદતોમાં નાના ફેરફાર કરવા જરૂરી છે. નિષ્ણાતો સલાહ આપે છે કે દર 30 મિનિટના કામ પછી 2 થી 3 મિનિટ ચાલવું અથવા સ્ટ્રેચિંગ કરવું જોઈએ. ઓફિસમાં કામ કરતી વખતે ફોન કોલ્સ પર ઉભા થઈને વાત કરવાની આદત પાડો. લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરવો અને શક્ય હોય તો સ્ટેન્ડિંગ ડેસ્કનો ઉપયોગ કરવો હિતાવહ છે. દરરોજ 30 મિનિટ ઝડપથી ચાલવું, યોગ અથવા સાયકલિંગ જેવી કસરતો તમારા મેટાબોલિઝમને વેગ આપશે. યાદ રાખો, જીવંત રહેવા માટે શરીરનું ગતિશીલ રહેવું અનિવાર્ય છે.