Tue Jan 27 2026

Logo

White Logo

કટ ઑંફ જિંદગી - પ્રકરણ-28 સન્ડે ધારાવાહિક

2 days ago
Author: Mumbaisamachar Team
Video

‘આપણે માનવ સહજ ભૂલને ભલે માફ ન કરીએ, પણ એને સહજ રીતે સ્વીકારી તો શકીએ.’

સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ

‘હું નિર્મલને એ હોસ્પિટલમાંથી કાઢીને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવા માગું છું.’ પવિત્રાએ એનો દ્રઢ નિર્ણય દોહરાવ્યો.

‘પ્રાઇવેટ હોસ્પિટલો ને નર્સિંગ હોમ્સ સરકારી હોસ્પિટલો કરતા ઓછાં જોખમી નથી.’ દર્શનભાઈએ દલીલ કરી.

એણે દર્શનભાઈની જોખમની વાતને કાને ન ધરી. ‘પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવાનું મને પહેલાં કેમ યાદ ન આવ્યું...’ પવિત્રા બબડી.

‘બીએમસીની હોસ્પિટલ હતી અને ડો. શાહ જેવા કાબેલ ડોક્ટર હતા તો આ મામલો બહાર આવ્યો... એને નજરઅંદાજ ન કરી શકાય.’ દર્શનભાઈએ કહ્યું.

‘પપ્પાજી, ભલે મારી ગણતરી સ્વાર્થીમાં થાય, પણ આપણી ચિંતા અને નિસ્બત નિર્મલ પૂરતી છે.’ એણે તરત જ સોલંકીને કોલ લગાડ્યો.
*****
સોલંકી એ સમયે ડો. શાહને ઓપરેશન તોસિલિઝુમેબની ડિટેલ, આગળ ઉપર લેવાનારા એક્શન સહિતના કેટલાક મહત્ત્વના મુદ્દે ચર્ચા કરી રહ્યો હતો.

‘સર, ફૂડ એન્ડ ડ્રગ્સ અને પોલીસ અધિકારીઓ તમારું સ્ટેટમેન્ટ લેવા આવશે. કેમ કે નકલી ઇન્જેકશન પારખી જનારા તમે સૌથી પહેલા ડોક્ટર છો. જોકે, એ લોકો અચાનક નહીં ત્રાટકે, તમારો સમય માગશે ને તમારી અનુકૂળતાએ આવશે’ અધૂરી વાતે સોલંકીએ ફોન લીધો.
‘હેલો...’

‘સોલંકી સાહેબ, મારે નિર્મલને ત્યાંથી ખસેડીને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવો છે....મને પ્લીઝ એની પ્રોસિજર કહેશો.’

‘બહેન, એ ડિસિજન હું ના લઇ શકું. તમારે ડો. શાહ સાથે વાત કરવી પડે...’

‘મને પ્લીઝ એમનો નંબર આપશો.’

‘મારી સામે જ બેઠેલા છે....લો વાત કરો...’ સોલંકીએ ડો. શાહને ફોન આપ્યો. પવિત્રાએ સોલંકીને કહેલી વાત દોહરાવી. ડો. શાહે મીંચેલી આંખે અને ખુલ્લા કાને આખી વાત સાંભળી.

‘બહેન, તમે તમારે જોખમે નિર્મલ પરીખને લઇ જઈ શકશો અને બીજું નિર્મલની હાલત જોતાં તમે આ જોખમ ન લો એવી તમને મારી અંગત સલાહ છે.’

‘તમારી હોસ્પિટલમાં દરદી નકલી ઇન્જેક્શનોથી ક્યાં સુધી બચી શકશે...? ક્યારેક કોઇ ડોક્ટર ભૂલ કરશે તો જવાબદાર કોણ...?’ પવિત્રા બોલી.

‘મિસિસ પરીખ, એ જ નકલી ઇન્જેક્શને નિર્મલનો અને બીજા દરદીઓનો જીવ બચાવ્યો છે. આપણે માનવ સહજ ભૂલને ભલે માફ ન કરીએ, પણ એને સહજ રીતે સ્વીકારી તો શકીએ.’  
                                    
 ‘નકલી ઇન્જેક્શને નિર્મલનો જીવ બચાવ્યો...?’ પવિત્રા બોલી.

‘હા, બનાવટી ઇન્જેક્શન અપાયું હોત તો શું થયું હોત, એના કરતાં એ ઇન્જેક્શન ન અપાયું તો શું પરિણામ આવ્યું, હું એને વધુ મહત્ત્વ આપું છું. ઇન્જેક્શન આપતી વખતે મારું ધ્યાન ગયું હતું.’ ડો. શાહે કહ્યું. પવિત્રાને લાગ્યું કે કોઇએ એને અચાનક સોય ભોંકી.....એના ચટકાએ એના ચિત્તને ઢંઢોળી નાખ્યું. એને સસરા દર્શનભાઈના થોડીવાર પહેલાના શબ્દો યાદ આવી ગયા: ‘ડો. શાહનું ધ્યાન ન ગયું હોત તો કોઇનો જીવ ગયો હોત એનું ‘શું....? અને એ નિર્મલ હોત તો....?’

‘આઇ એમ સોરી ફોર માય બિહેવીઅર ડોક્ટર. એન્ડ થેન્ક યુ....થેન્ક યુ.’ પવિત્રાએ સસરાની સામે જોતાં જોતાં ફોન કટ કર્યો.

સોલંકીના વિસ્ફોટને પરિણામે જી. જી. ભોય હોસ્પિટલનું નામ ગૂંજવા લાગ્યું હતું. ચીફ મિનિસ્ટરે ખુદ ફોન કરીને ડો. શાહને અભિનંદન આપીને આભાર માન્યો હતો. ન્યૂઝ ચેનલવાળાઓ ડો. શાહને મળવા દોડી ગયા, પણ એમણે માત્ર સોલંકીનો સંપર્ક કરવાની વિનંતી કરી હતી. સોલંકી નકલી ઇન્જેક્શનોના પર્દાફાશ પાછળનો અસલી ચહેરો બની ગયો હતો. જોકે, કૌભાંડની આડઅસરે કોરોનાની ભયાનક અસરને ઓસરાવી દીધી હતી.

ચોમેર ચાલતી ચર્ચા અને મીડિયાના કોલાહલની વચ્ચે કોરોનોના વધી રહેલા કેસ અને મૃત્યુઆંકની ચિંતા વિસરાઇ રહી હતી. અલબત્ત, પ્રસિદ્ધિથી દૂર રહેવા માગતા દૂરંદેશી ડો. શાહને આની ભણક આવી જ ગયેલી અને એટલે જ એમણે ડોક્ટરો અને અન્ય સ્ટાફની તાબડતોબ મીટિંગ બોલાવીને દરદીઓની સારવાર સિવાય બીજી તમામ બાબતોને ગૌણ ગણવાની તાકીદ કરી હતી. ઓક્સિજન પરના દરદીઓને સત્વરે ઇન્જેક્શનો અપાયા. જેમાંનો એક નિર્મલ હતો.

પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓએ ત્રણેય સામે તગડો કેસ તૈયાર કર્યો હતો અને બીજે દિવસે કાનૂની રાહે એમને જજના નિવાસસ્થાને લઇ જઇને...જજની સામે રજૂ  કરીને રિમાન્ડની વિધિવત્ માગણી મૂકી હતી. જજસાહેબે હાલની પરિસ્થિતિ પામી જઇને રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે આગલી રાતના રિમાન્ડ દરમિયાન પોલીસ અને એફ એન્ડ ડીના અધિકારીઓએ ત્રણેય પાસેથી ઘણી મહત્ત્વની માહિતી ઓકાવી હતી.

જેને પગલે વહેલી સવારે ડેપ્યુટી પોલીસ કમિશનર અભય સાબડે અને એફ એન્ડ ડીનાં મિસિસ સુહાસિની જોશીની આગેવાનીમાં બે કાફલાએ ભીવંડીના ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં છાપો માર્યો હતો.

અડધોપડધો નશાની હાલતમાં સોડ તાણીને સૂતેલા રામસિંગ નામના સિક્યોરિટી ગાર્ડને પોલીસે ઢંઢોળીને જગાડ્યો.

‘શટર ખોલો...’ પોલીસનો અવાજ સાંભળીને પેન્ટના ખિસ્સામાંથી ચાવીનો ઝુડો કાઢીને શટરનું તાળું ખોલ્યું. પોલીસે એને બાજુ પર હડસેલીને શટર ઊંચું કર્યું. કોઇ જૂના કારખાનાનું મ્હોરું પહેરીને બેઠેલા શટરની પાછળ કોર્પોરેટ ઓફિસ હતી.

ઓફિસરોએ નજરોનજર જોયું એ અકલ્પ્ય હતું. કોઇ ફાર્માસ્યુટીકલ કંપનીની લેબોરેટરીને ઝાંખી પાડી દે એવી લેબોરેટરી, વિદેશી ઓફિસને ટક્કર મારે એવી ઓફિસ...કેબિન, ઇન્જેક્શનોની સિરિન્જોના ખડકેલાં બોક્સિસ, સ્ટેરોઇડ ભરેલા કેરબા, નકલી ઇન્જેક્શનો પર સ્ટીકરો, ઇન્જેક્શનો પર ચીપકાવવાના મશીનો, રાત-દિવસ બે પાળીમાં કામ કરતા.....એપ્રન પહેરેલા કર્મચારીઓ, સૂવા-આરામ કરવાનો બંક બેડવાળો મોટો રૂમ....નાનકડું રસોડું અને સૌથી વધુ ધ્યાન ખેંચતી સજ્જડ સલામતી....સીસીટીવી....પોલીસે તમામને ઘેરી લઇને મોબાઇલ આંચકી લીધા. મિસિસ જોશીના સ્ટાફે લેબોરેટરીમાં જઇને ચકાસણી શરૂ કરી.

‘ઇન્ચાર્જ કૌન હૈ?’ અભય સાબડેએ પૂછ્યું.

‘ડો. રાજ કોઠારી...અંદર સોયે હૈ....’ એક જણે કહ્યું ને એક સબ ઇન્સ્પેક્ટર બંક બેડરૂમમાં દોડી ગયો. દરવાજાની પાછળ ભરાઇને મોબાઇલ લગાડી રહેલા ડોક્ટર રાજ કોઠારીનો ફોન આંચકી લીધો ને એને બોચીએથી પકડીને અભય સાબડેની સામે ઊભો કરી દીધો.
‘તૂ અસલી ડોક્ટર હૈ કી નકલી ઇન્જેક્શન કી તરહા નકલી હૈ?’ અભય સાબડેએ પૂછ્યું.

‘અસલી ડોક્ટર હું....’ એણે નીચા મોંએ જવાબ આપ્યો.

‘ઇસ મૌત કી ફેક્ટરી કા અસલી માલિક કૌન હૈ....?’ અભય સાબડેએ પૂછ્યું. કોઠારી ચૂપ રહ્યો.

‘કૌન હૈ માલિક...? કિસ કે ઇશારે પે ચલતા હૈ યે....?’

કોઠારી કાંઇજ બોલ્યો નહીં.

‘ઇન્સ્પેક્ટર, ઇન્જેક્શન લાઓ....વો નકલીવાલા દેના....?’ કોન્સ્ટેબલે નકલી ઇન્જેક્શનોના તૈયાર બોક્સમાંથી એક ઇન્જેક્શન આપ્યું.

‘પેન્ટ ઉતારો ઇસકા....’ બે કોન્સ્ટેબલોએ કોઠારીને ઊંધો સુવડાવ્યો.

‘ઇન્જેક્શન દેના મેરા કામ હૈ...ક્યોં કિ ઇસ મેં સ્ટેરોઇડ હૈ....ઇસ કો કહેતે હૈ ઇન્ટ્રામસ્કયુલર ઇન્જેક્શન...જો મસલ મેં દિયા જાતા હૈ...હમ ઇસ કો વેઇન મેં દેંગે તાકી ઉસકો જલદી મૌત મિલે...’ મિસિસ જોશીએ કહ્યું.  

ડો. કોઠારીએ બૂમ મારી: ‘નહીં મેડમ, મૈં મર જાઉંગા....બોલતા હું...’

‘જલદી બોલો...’ અભય સાબડેએ કહ્યું.

‘ર...સિ....ક...ભા....ઈ....’

‘ઔર કૌન કૌન હૈ....?’

‘પતા નહીં સાબ...પર સૂના હૈ...બડે લોગ હૈ....’

‘નામ બોલ.....’ અભય સાબડેએ થપ્પડ મારવા હાથ ઉપાડ્યો.

‘હેલ્થ મિનિસ્ટર સુભાષ કાળે સા’બ...સંજય બાગ્વે....’ અભય સાબડેએ મિસિસ જોશીની સામે જોયું.

‘સબ કો ડાલો પોલીસ વેન મેં......મુદ્દામાલ કબજે મેં લે લો....સીલ કર દો ફેક્ટરી....ચોબીસ ઘંટે પોલીસ રહેગી ઇધર...’ અભય સાબડેએ કહ્યું.

પોલીસે બે વોચમેન, આઠ કર્મચારીઓ, ડો. કોઠારી સહિત કુલ અગિયાર જણને તાબામાં લીધા. સ્થળ પરથી મુદ્દામાલ, ફાઇલો સહિતના રેકોર્ડ્સ...વગેરે કબજે કર્યા. પોલીસની બે જીપ અને બે પોલીસ વેન ભીવંડીથી રવાની થઇ ત્યારે સવારના લગભગ પાંચ વાગી ગયા હતા.     

ડો. શાહની કેબિનમાંથી સોલંકી બહાર નીકળીને બીજા માળે જવા લિફ્ટમાં પ્રવેશ્યો. સામેથી આવી રહેલી મિસ એક્સને પણ કદાચ ઉપર જવું હશે એમ ધારીને એણે ઇશારેથી પૂછ્યું. મિસ એક્સે લિફ્ટ રોકવા ઇશારો કર્યો. એ અંદર આવી. સોલંકીએ લિફ્ટની જાળી બંધ કરી. 

લિફ્ટ ઉપર સરકી કે તરત જ મિસ એક્સ એને ભેટી પડી. હાથ મિલાવ્યો. ડઘાઇ ગયેલો સોલંકી વિસ્ફારિત આંખે જોઇ રહ્યો. એ કાંઇ વિચારે...બોલે તે પહેલાં મિસ એક્સે એને એક કાગળ આપ્યો. સોલંકીએ એની સામે જોતાં રહીને ખિસ્સામાં સરકાવી દીધો. બીજા માળે બહાર આવીને એણે મિસ એક્સ સામે જોયું. મિસ એક્સે હળવું હસીને જાળી બંધ કરી. લિફ્ટ ઉપર સરકી. અધિરાઇને અટકાવીને ઊભેલા સોલંકીએ ખિસ્સામાંથી કાગળ કાઢીને વાંચવાની શરૂઆત કરી: ‘અભિનંદન. તમને ટીવીમાં જોયા.......જોતી જ રહી ગઇ. તમે બોલી રહ્યા હતા...હું હોઠની ભાષા ઉકેલવાની કોશિશ કરતી રહી. તમારા ચહેરા પર કોઇ પડકારરૂપ કામ પાર પાડ્યા પછીની ટાઢક હતી...આંખોમાં એક ઠંડી લહેર હતી. મને ઘણુંબધું સમજાઇ રહ્યું હતું. બાકીનું જ્યોતિએ સમજાવ્યું. બસ, પછી તો ટીવીની દરેક ન્યૂઝ ચેનલ ફેરવતી ગઇ તમને જોવા. પાછળથી અચાનક આવેલી જ્યોતિએ પીઠ પર ધબ્બો મારીને ટીવી સ્વિચ ઓફ કર્યું, એની રમતિયાળ આંખોથી મારી મજાક કરતી રહી...પણ મારી નજર સામે એકની એક રિલ ફરતી રહી. અભિનંદન...ફરી એકવાર.

લિ. તમને ખબર જ છે કોણ.....’

સોલંકીના હૃદયના તાર રણઝણ્યા...બધું તરંગિત થઇ ઉઠ્યું...ક્ષણભરનું એ આલિંગન....હથેળીનો ઉષ્માભર્યો સ્પર્શ.....સોલંકી લોબીમાં ચાલતો નહતો....મંદમંદ વહેતા પવનમાં મહાલતાં કોઇ હળવાફુલ પીછાંની જેમ ઊડતો હતો. અચાનક મોબાઇલની રીંગ વાગી. એને થયું કોઇએ હવાને રોકી લીધી અને પોતે નીચે પટકાયો.

‘હેલો...’ એણે પરાણે કહ્યું.

‘સોલંકી સર, તમે બનાવટી ઇન્જેક્શનના કૌભાંડના એક્સક્લૂસિવ ન્યૂઝ આપીને મારી કરીઅર બનાવી દીધી.’ સંજુ રિપોર્ટર બોલ્યો.

‘મેં તને કહ્યું હતું કે મિસ એક્સની સામે હું તને ક્યારેક બીજા સોલીડ ન્યૂઝ આપીશ.’ સોલંકીએ કહ્યું.

‘સર, મિસ એક્સ વિશે કંઇક કહો ને...એ ક્યાં મળશે? મારા માટે હજી પણ એ એક્સક્લૂસિવ ન્યૂઝ છે.’ સંજુ રિપોર્ટરનો જીવ હજી એમાં હતો.

સોલંકી હસ્યો. એ બોલવા જતો હતો કે મિસ એક્સ હવે ન્યૂઝ નથી, પણ એક્સક્લૂસિવ છે. એણે પોતાના હૃદય પર હાથ મૂકીને કહ્યું: ‘મને ખબર છે એ ક્યાં છે. હવે એનું સરનામું કોઇને નહીં મળે.’      

 (ક્રમશ:)