હાસ્ય વિનોદ - વિનોદ ભટ્ટ
ભૂત માણસમાં માને છે કે નહીં એ અંગે ભૂતસૃષ્ટિમાંથી હજી સુધી કશું જાણવા મળ્યું નથી. પણ ઘણા માણસો ભૂતમાં, ભૂતના અસ્તિત્વમાં માનતા હોય છે. એક ભૂત જ એવી વ્યક્તિ છે, જે વર્તમાનમાં પણ અસ્તિત્વ ધરાવે છે. હમણાં જ ક્યાંક વાંચ્યું કે 1865માં જેમનું ખૂન થયું હતું તે અમેરિકન પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન આજે પણ વ્હાઈટ હાઉસમાં રહી પડ્યા છે. આપણે ત્યાં ઘણા પ્રધાનો પોતાના હોદ્દા પરથી ઊતરી ગયા હોવા છતાં તેમને મળેલ બંગલા ખાલી કરતા નથી, પણ અમેરિકામાં એવો એક કુરિવાજ છે કે માણસ પ્રમુખ મટ્યો તેની બીજી જ ક્ષણે વ્હાઈટ હાઉસ તેને ત્યજી દે છે. ઈન્દ્રાણી જે રીતે ઈન્દ્રને વરેલી હોય છે એ રીતે વ્હાઈટ હાઉસ પણ પ્રમુખને વરેલું છે. કદાચ આ જ કારણે કાલ્વિન કુલીજને તેમના એક મિત્રે વ્હાઈટ હાઉસ સામે આંગળી ચીંધતાં પૂછયું કે ‘અહીં કોણ રહે છે?’ ત્યારે આ અમેરિકન પ્રમુખ કુલીજે પોતાની લાક્ષણિક શૈલીમાં કહ્યું હતું કે ‘કોઈ નહીં, અહીં તો (પ્રમુખોની) આવન-જાવન રહે છે.’
પરંતુ લિંકનને આ જગ્યા અનુકૂળ આવી જવાથી તેમણે તે ખાલી કરી નથી. જોકે ખાલી કરવા માટે તેમણે પાઘડી પણ નથી માગી. આપણાં ભૂતો અને અમેરિકન ભૂતો વચ્ચે મહત્ત્વનો ફરક છે એ આ છે. ભારતીય વાર્તાઓ અને હિન્દી ફિલ્મોમાં આવે છે એમ આપણાં ભૂત મોટા ભાગે પીપળાર્નાં ઝાડ પર કે કોઈ ખંડેર જેવા મકાનમાં આનંદથી રહી શકે છે, પણ અમેરિકન ભૂતની લાઇફ-સ્ટાઈલ ફાઈવ-સ્ટાર પ્રકારની છે. ગમે તેવી ફાલતું જગ્યામાં રહેવાનું તેને ગમતું નથી.
કહેવાય છે કે લિંકન તેમની પત્ની મૅરી ટોડથી ડરતા અને આથી તેનો આદર કરતા હતા. 14મી એપ્રિલ, 1865ની રાતે ‘અવર અમેરિકન કઝીન’ નાટક જોવાની તેમની લેશ માત્ર ઈચ્છા નહોતી, પણ પત્નીએ આગ્રહ કર્યો એટલે તેમને તેની સાથે નાટક જોવા જવું પડ્યું ને નાટ્યગૃહમાં જ તેમની હત્યા થઈ ગઈ. પણ ભૂત થયા પછી તેમણે પત્ની સામે ક્યારેય દેખા દીધી નહોતી. આ સિવાયના ઘણા પ્રમુખો સમક્ષ તેમણે હાજરી પુરાવી છે. છેલ્લે અમેરિકન પ્રેસિડન્ટ રોનાલ્ડ રેગનના જમાઈએ પણ લિંકનને જોયાનો દાવો કર્યો હતો. તે ઊભો હતો ત્યાં દૂર કાચની બારી પાસે કોઈ વ્યક્તિને તેણે ઊભેલી જોઈ. પહેલાં તેને એવું લાગ્યું કે શ્ર્વશુર રેગન હશે, ત્યાં જ બંધ બારીમાંથી એ જણ બહાર સરકી ગયો. સસરો ભૂતપૂર્વ ઍક્ટર હોવા છતાં ડુપ્લીકેટની મદદ વગર બારીમાંથી ઓગળી જવાનું સાહસ ક્યારેય ન કરી શકે એની આ જમાઈને ખાતરી હતી. તેને ખ્યાલ આવી ગયો કે લિંકન જેવો સમર્થ પ્રમુખ જ આમ કરી શકે.
એમ તો લિંકનનું ભૂત જોયું હોવાનો દાવો કરનારાઓમાં પ્રમુખ થિયોડૉર રૂઝવેલ્ટ, ફ્રેન્કલીન રૂઝવેલ્ટ, હેરી એસ. ટ્રુમૅન અને આઇઝન હુવરનો સમાવેશ થાય છે. પણ આમાંના કોઈને જોયાનો દાવો લિંકને હજી કર્યો નથી... એક વહેલી સવારે અમેરિકન પ્રેસિડન્ટ ટ્રુમૅન વ્હાઈટ હાઉસના બેડરૂમમાં સૂતા હતા ત્યારે બેડરૂમના બારણા પર ટકોરા પડ્યા. તેમણે બારણું ખોલીને જોયું તો સામે લિંકન ઊભા હતા. સવારના પહોરમાં મારું શું કામ પડ્યું? કે એવું કશું ટ્રુમૅન પૂછે ત્યાર પહેલાં કોઈ અગત્યના કામે જવાનું હોય તેમ લિંકન ઝડપથી અદૃશ્ય થઈ ગયા. અમેરિકન પ્રેસિડન્ટ જોન્સને પણ એક રેડિયો ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમણે લિંકનના ભૂતને એક ફોટા પાછળથી બહાર નીકળીને કબાટમાં ઘૂસી જતું જોયું હતું.
વ્હાઈટ હાઉસના ઓરડાઓમાં ચક્કર મારતા લિંકનના ભૂતને તેમણે અનેક વાર જોયું હતું. પણ આ બધા પ્રમુખો સાથે તેમનો કોઈએ પરિચય કરાવ્યો નહોતો. એટલે કોઈની સાથે તે વાત કરતા નહીં. ચૂપચાપ ચાલ્યા જતા. આમ તો તે ખૂબ જ આનંદી અને ‘વિટી’ હતા, હસવા-હસાવવાની એક પણ તક ચૂકતા નહીં. તેમણે કરેલી રમૂજોના અનેક સંગ્રહો પ્રગટ થયા છે. ‘લિંક્ધસ વિટ’ નામનું એક પુસ્તક અમારી પાસે પણ છે. તેમની જે રાતે હત્યા થઈ તે દિવસે જ તેમણે એક સૈનિકને ગોળીથી ઉડાવી દેવાની સજામાંથી માફી આપતાં કહ્યું હતું કે, ’ઈં વિંશક્ષસ વિંય બજ્ઞુ ભફક્ષ મજ્ઞ ળજ્ઞયિ લજ્ઞજ્ઞમ ફબજ્ઞદય લજ્ઞિીક્ષમ વિંફક્ષ ીક્ષમયલિજ્ઞિીક્ષમ’ (મને લાગે છે કે આ છોકરો જમીનની નીચે (કબરમાં) રહેવા કરતાં જમીન પર રહીને આપણું વધુ ભલું કરી શકશે.)
મૃત્યના થોડા સમય પહેલાં શ્રીમતી ઇન્દિરા ગાંધીને બિહામણાં દૃશ્યો દેખાતાં હતાં, એ રીતે લિંકનને પણ તેમના ગુજરી જવાના દસ દિવસ અગાઉ એક સ્વપ્ન આવ્યું હતું, જે તેમણે તેમની પત્નીને કહ્યું હતું : એ રાતે મૃત્યુના સન્નાટા જેવી શાંતિ હતી. પછી તેમને લોકોના કરુણ રુદનના સ્વરો અને ડૂસકાં સંભળાયાં. એક સાથે ઘણા લોકો કરુણ વિલાપ કરતા હતા. પથારી છોડી તે નીચે ગયા. હજીય હીબકાં સંભળાતાં હતાં, પણ કોઈ દેખાતું નહોતું. બધા ઓરડાઓમાં અજવાળું હતું. એ બધા રૂમોમાં ફરી વળ્યા પણ હૈયાફાટ રુદન કરનારાઓમાંથી કોઈ દેખાતું નહોતું. પછી તે પૂર્વ તરફના એક ઓરડામાં પ્રવેશ્યા. તેમના આશ્ર્ચર્ય વચ્ચે ઓરડાની વચ્ચોવચ એક શબ પડ્યું હતું. તેની આસપાસ સૈનિકો હતા. એક સૈનિકને લિંકને પૂછયું : ‘વ્હાઇટ હાસમાં કોઈ ગુજરી ગયું છે?’ ‘પ્રેસિડન્ટ...’ એક સોલ્જરે જવાબ આપ્યો:
‘તેમનું ખૂન કરવામાં આવ્યું છે...’ ત્યાં જ ટોળામાંથી એક હૃદયવિદારક પોક સંભળાઈ - આ પોકના અવાજથી લિંકનની આંખ ખૂલી ગઈ. સ્વપ્ન પૂરું થઈ ગયું. આ સ્વપ્ન હોવા છતાં લિંકન તેનાથી વિચલિત થઈ ગયા હતા, બેચેન થઈ ગયા હતા.
કદાચ આ જ કારણે નાટક જોવા જવાની તેમની તીવ્ર અનિચ્છા હશે. તેમની અંદર બેઠેલા લિંકનને થિયેટરમાં તેમની રાહ જોઈને બેઠેલ યમરાજ દેખાયો હશે. લિંકનની પત્ની મૅરી તેમને નાટ્યગૃહ તરફ ધકેલી રહી હતી. સાવિત્રી તેના સત્યવાનને યમરાજ નજીક હાંકી જવા મરણિયા પ્રયાસ કરતી હતી. લિંકનને લાગ્યું કે આ સ્ત્રી આગળ, રાબેતા મુજબ, તેમનું કશું ઊપજવાનું નથી, એટલે તેમણે ઢીલા, કહ્યાગરા અવાજે પત્નીને કહ્યું હતું: "All right, mary, I will go but if I do not go down in history as the martyr president I miss my guess."