ઊડતી વાત - ભરત વૈષ્ણવ
‘ચોરભાઇ’ અમે સંબોધન કર્યું. કોઇને આવું સંબોધન ગમે નહીં, પરંતુ અમે લાચાર હતા. અમને તેના શુભનામની ખબર ન હતી.
‘સાહેબ, મારી ફોઈએ મારું નામ પાડ્યું છે...’ ચોર મહાશયે ઉગ્રતમ વિરોધ નોંઘાવ્યો.
‘સોરી, તમારું શુભ નામ જણાવવાની કૃપા કરશો?’ .
‘મારું નામ ઉત્તમ છે.’ તેણે પોતાનું નામ જણાવ્યું.
‘નાઇસ ટુ મિટ યુ મિસ્ટર ઉત્તમ. અમે ‘બખડજંતર’ ચેનલના ચીફ રિપોર્ટર છીએ. અમે તમારા વ્યવસાયથી પ્રભાવિત થઇને તમારો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છીએ.’ અમે શિષ્ટાચાર દાખવ્યો.
‘બખડજંતર’ ચેનલના માલિક બાબુલાલ બબૂચકે અમને ઉત્તમનો એકસકલુઝિવ ઇન્ટરવ્યૂ કરવા સૂચના આપી હતી. બાબુલાલને ઉત્તમમાં કેમ રસ પડ્યો હશે એ તો ભગવાન જાણે. ખાનગી ચેનલમાં નોકરી કરવી મુશ્કેલ હોય છે. બોસ જે હુકમ કરે તે કામ કરવું પડે, નહીંતર કપાળ પર બેકારનું સ્ટિકર ચિપકી જાય.આ ઉંમરે કોઇ ચટણી ખાંડવા પણ ન રાખે.
‘ભાઇ, તમને ચોરીના શુભ પંથે પ્રસ્થાન કરવા માટે કોના તરફથી પ્રેરણા મળી?’ અમે ઉત્તમનો જવાબ ટપકાવવા રાઇટિંગ પેડ ખોલ્યું. પેનનું ઢાંકણું ખોલ્યું.
‘સાહેબ, સાચું કહું? મને ચોરીના યશસ્વી માર્ગ પર જવાની પ્રેરણા પિયુષ આદરણીય નાણા મંત્રી પાસેથી મળેલ છે. નાણા મંત્રી બજેટ રજૂ કરીને એક જ દિવસે અમીરોના ગજવા ભરી દે છે અને ગરીબોના ગજવા પર સામૂહિક બ્લેડ મારી કરોડો રૂપિયા સરકાવી લે છે.’ ઉત્તમના જવાબે અમને વિચારમાં મૂકી દીધા.
‘આ જવાબ ઓફ ધી રેકર્ડ છે કે.?’ અમે નજર ઝીણી કરી પૂછયું.
‘ઓફ કોર્સ. ઓન રેકોર્ડ કહું છું.’ તેણે જવાબ ક્ધફર્મ કર્યો.
‘ઉત્તમ, ચોરીના પ્રોફેશનમાં બરકત છે ખરી?’
‘સાહેબ, ચોરીના વ્હાઇટ કલર પ્રોફેશનમાં લોકો માને તેવી બરકત નથી. અમારા ધંધામાં ચાંદી-સોનાના ઢગલાં નથી. બસ, અમારી દાલરોટી નીકળે છે. અમારી સાથે વેપારી અને પોલીસની પણ શાહી બિરયાની નીકળે છે.’
‘ઉત્તમભાઈ, તમારા ચોરજગતમાં તરાહ તરાહના ચોર હોય છે. કોઇ લોકો સૂટેડબૂટેડ થઇ ફલાઇટમાં ચોરી કરવા આવે છે અને ચોરી કરીને ફલાઇટમાં પરત ફરે છે. બીજી બાજુ શરીરે તેલ ચોપડી ચડ્ડી બનિયાન પહેરીને લૂંટ ચલાવતી ચડ્ડી બનિયાન ધારી ગેંગ છે. કેટલાક ચોર માત્ર ચેઇન સ્નેચિંગ કરે છે. ઘણા ચોર ચોરી કર્યા પછી પસ્તાવો થતાં ચોરી કરેલ વસ્તુ પરત કરે છે. તમે તમારા વ્યવસાયને કેવી રીતે મૂલવો છો?’ અમે દિલચસ્પ પ્રશ્ર કર્યો.
‘સાહેબ, હું ખંત, મહેનત અને ધગશથી એક સફળ ચોર તરીકે પોલીસના ચોપડે નોંધાયો તેનો આનંદ છે. જો કે મારા દિલમાં વધુને વધુ ચોરી કરવાની આગ છે. હું ચોરીના ક્ષેત્રે સતત નવા કીર્તિમાન રચવાની ફિરાકમાં હતો, છું અને રહીશ.’ ઉત્તમે સંકલ્પ વ્યક્ત કર્યો.
‘ઉત્તમ જવાબ...ઉત્તમભાઈ. ચોર લોકો રૂપિયા પૈસા, ઘરેણા, કપડાંલત્તા અને એવી બધી વસ્તુની ચોરી કરવામાં મહારત હાંસલ કરતા હોય છે. તમે શું ચોરવામાં મહારત હાંસલ કરેલ છે?’
‘સાહેબ, એક આડ વાત કહું? હું તો ચોર જગતને દૂરથી નવ ગજના નમસ્કાર કરતો હતો. હું આ જગતમાં પદાર્પણ કરવા જ માંગતો ન હતો, પણ ...’ ઉત્તમે એકરાર કર્યો.
‘અમારી ચેનલના દર્શકોને ચોર જગતમાં તમારા પ્રવેશનું કારણ જાણવામાં રસ છે.’ અમે ફટાક ઉત્તમ સામે માઇક ધર્યું.
‘સાહેબ, મેં ચોર તરીકે એક્ટિવાની જ ચોરી કરવાનો મક્કમ નિર્ધાર કરેલ. અડગ મનના મુસાફરને હિમાલય પણ ડગાવી શકતો નથી એવું કહેવાય છે. મને પણ મારા લક્ષ્યાંકથી બીજી કોઇ માલમત્તા ચલિત કરી શકી નથી.’ ઉત્તમે સંતોષ વ્યક્ત કર્યો.
‘બાઇક તો મર્દાના વાહન કહેવાય છે. તેને છોડીને એક્ટિવાની જ ચોરી કેમ?’ અમે મૂળ મુદ્ા પર ફોકસ કર્યું.
‘સાહેબ. એની અલગ કહાની છે.’ ઉત્તમ અટક્યો.
‘તમે એક્ટિવાની ચોરી કરીને કોને ઇમ્પ્રેસ કરવા માગતા હતા?’ ઉત્તમ પાસેથી સ્ટોરી મળે તે માટે અમે શબ્દોની જાળ બિછાવી.
‘કેટલીકવાર ચોર બ્રો ગર્લફ્રેન્ડના મોજશોખ પૂરા કરવા નહીંતર ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા ચોરીના રવાડે ચડતા હોય છે. મારા કિસ્સામાં આમાંનું કશું જ નથી.’ ઉત્તમે રહસ્ય ગૂંચવ્યું.
‘મતલબ?’
‘મારી જાનેમન.’ ઉત્તમ અટક્યો.
‘વોટ? એટલે શું? અમારો પ્રતિભાવ.’
‘હું વેર વાળવા ચોર બનેલ. મારી જાનેમન પર મારી જાનેમન સવાર થઇ તેના જાનેમનને મળવા જતી. ક્યારેક બગીચામાં, ક્યારેક હોટલમાં, ક્યારેક સિનેમામાં. એટલે મને જાનેમન પર નફરત થઇ.’ ઉત્તમ શું બોલ્યો...તમને સમજણ પડી? મને તો લગીરે સમજણ ન પડી .
‘ભાઇ સમજાય તેમ બોલ.’ અમારે વિનંતી કરવી પડી.
‘મેં મારી પત્ની સાથે પ્રેમ લગ્ન કરેલ. મેં તેને ભેટમાં એક્ટિવા આપેલ. મારી પત્ની એટલે મારી જાનેમન. મારી જાનેમન એટલે મારું એક્ટિવા. પત્નીનો જાનેમન એટલે તેનો પ્રેમી. મારી પત્ની મારા એક્ટિવા પર સવાર થઇને તેના પ્રેમીને મળવા જતી હતી. મને તેણે છૂટાછેડા આપી દીધા. મેં તેનો બદલો લેવા માટે એક પછી એક મળીને અઢીસો એક્ટિવાની ચોરી કરી છે. ચોરેલ એક્ટિવા વેચતો નથી, પરંતુ,, તેને સળગાવી દઉં છું. આ રીતે પત્નીની બેવફાઈનો બદલો લઉં છું. કયાંય પણ હું એક્ટિવા જોઉં છું એટલે મેરા ખૂન ખોલને લગતા હૈ. હું માસ્ટર કીથી એક્ટિવા ચાલુ કરી એક્ટિવાની ચોરી કરી લઉં છું...’ ઉત્તમે વટાણા વેરી દીધા. ઉત્તમે ભગવાન પરશુરામની જેમ પૃથ્વીને ન એક્ટિવા કરવાનું પણ પ્રણ લીધું છે એમ પણ જાણવા મળ્યું.
મેં ઉત્તમ સાથેનો ઇન્ટરવ્યૂ પૂરો કરીને બહાર નીકળી મારું એક્ટિવા શોધવા આમતેમ ડાફોળિયા માર્યા. મારા એક્ટિવાને ધરતી ગળી ગઇ કે શું? જોકે, પછી મને ખબર પડી કે મારું એક્ટિવા ઉત્તમનો બસો એકાવનમો શિકાર બની ગયેલ.