જૂઈ પાર્થ
સરલાબહેને સોસાયટીની બહેનપણીઓને વટથી ફોન બતાવ્યો, આ જુઓ, બધાય છાપા મારા ફોન પર જ વંચાઈ જાય, ક્યાં કોઈને સમાચાર પૂછવા જવાની જરૂર જ નઈ ને બાજુમાં બેઠેલાં પલ્લવી બહેન કહે, અરે છાપાની તો શું વાત કરો છો, હું તો બધું આ સોશ્યલ મીડિયા પર જ જોઈ કાઢું તો વળી મમતાબહેન કહે, લ્યો, તમારે આ બધી એપ ખોલવાની ને, મારે તો વ્હોટ્સ એપ ગ્રૂપમાં સમાચાર, તંદુરસ્ત રહેવાનાં ઘરેલું નુસખા, તિથિઓ-ચૌદશ- અમાસ-બેસતો મહિનો, મુરત, કયા રોગમાં કઈ દવા લેવાય એનાં લીસ્ટ, વાનગીઓની રીત, જોક્સ, સુવિચાર, ફોટા, વીડિયો બધું એટલે બધું જોત જોતામાં આઈ જાય. આખો દિવસ આ જોવામાં ક્યાં પસાર થઈ જાય એની ખબરે ના પડે.
આમ, સોસાયટીનાં બગીચામાં ભેગી થયેલી દરેક સ્ત્રીએ પોતાની માહિતીનાં સ્તોત્ર વિશે બડાઈઓ મારી એ સાબિત કરવા કે તેઓ સમય સાથે કદમ મિલાવે છે, પોતાને બધી જ વાતોનું જ્ઞાન છે તેમ જ તેઓને દરેક ક્ષેત્રની વર્તમાન વાતોની જાણ છે.
આમ જોઈએ તો આવું બધું સરલાબહેન, પલ્લવીબહેન અને મમતાબહેન સુધી સિમિત નથી. આપણાંમાંથી પણ લગભગ 90% લોકો માહિતી એકઠી કરવામાં ચેમ્પિયન બની ગયા છે, કારણકે માહિતી પિરસનારાનો રાફડો ફાટ્યો છે અને આપણને એમની આદત પડી ગઈ છે. જો કે સાચી-ખોટી માહિતી ચકાસવા, તેનું મૂલ્યાંકન કરવાનાં કોઈ માપદંડ પણ નથી. જેમ દરેક સારી વાત એકાદ ખોટીને લઈને આવે તે જ રીતે માહિતી મેળવવાની લાલચમાં મોટાભાગનાં લોકોનો આખો દિવસ પસાર થઈ જતો હોય છે અને પરિણામે થાય છે કહેવાતી માહિતીનો અતિરેક અને આવા અતિરેકના સરવાળે છેવટે નુકસાન આપણે જ વેઠવું પડે છે. માહિતીનાં અતિરેકથી આપણે હોંશિયાર નથી થઈ જતાં, પરંતુ મન અને શરીર પર તેની અવળી અસરો જોવા મળે છે. માહિતીનાં અતિરેકનું સૌથી મોટું નુકસાન એ છે કે તેનાથી મન સતત વ્યસ્ત રહે છે અને તેના કારણે મગજને જોઈતો આરામ નથી મળતો. મન સતત કાર્યરત રહેવાથી તેનો થાક શરીર પર પણ વર્તાય છે. મનોવિજ્ઞાનની દ્રષ્ટીએ જોઈએ તો બાહ્ય પરિબળો થકી પૂરતી કે વધુ પડતી માહિતી મળી જતી હોવાથી આપણે માનસિક રીતે આળસુ થઈ જઈએ છીએ એમ ધારીને કે જ્યારે રેડીમેડ ઈન્ફર્મેશન મળે છે તો આપણે નવું જાણવા બીજી મહેનત કરવાની ક્યાં જરૂર છે! અંતે જે પીરસાય તે જમવું પડે છે અને જોઈતી ઈન્ફર્મેશન ક્ધઝ્યુમ કરવા માટે ગમતાં વિકલ્પ શોધવાનું ટાળીએ છીએ. આમ કરવાથી આપણી જાણ બહાર અસંતોષની માત્રા વધતી જાય છે.
જાત જાતની માહિતી જે મનમાં આખો દિવસ ભરાયા કરે છે તે છેવટે માણસમાં અસુરક્ષિતતાની લાગણી ઉત્પન્ન કરે છે. સારા - માઠા સમાચારોથી મનમાં ‘મારી સાથે પણ આવું ખરાબ નઈ થાય ને ...’ એવો ભય પેદા થાય છે. આ પ્રકારની અસલામતી અને અસુરક્ષાની ભાવનાઓની વચ્ચે પીસાતા માણસનું ક્યાંય મન નથી લાગતું, તે બેધ્યાન રહે છે અથવા તેની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટી જાય છે. વધતી જતી બેચેનીને લીધે નાની વાતે ગુસ્સો આવવો, યાદશક્તિ પર અસર થવી, મિત્રો સગા સાથે વાત કરવાનું ટાળવું કે પછી વધુ પડતા વિચારો કરી તેનાં વિશે બોલ્યા કરવું વગેરે જેવાં લક્ષણો દેખાવા લાગે છે.
ઘણીવાર સોશ્યલ મીડિયા પર રીલ્સ વગેરે જોઈ કેટલાક લોકોને લઘુતાગ્રંથિ થાય છે તો કેટલાક પોતાની અણઆવડતને પણ આવડત સમજીને વધુ પડતાં મહત્ત્વાકાંક્ષી બની જાય છે અને અંતે હકીકતથી વિમુખ રહેવાય છે.
અલબત્ત, આ બધાં જ લક્ષણો બધામાં હોવા જરૂરી નથી, પરંતુ આપણને આખા દિવસમાં કેટલો સમય જરૂરી અને બિનજરૂરી માહિતી મળ્યા કરે છે તેની પર નજર રાખવી જરૂરી છે. જે બિનજરૂરી છે તેનાથી દૂર કેવી રીતે રહેવું એનાં રસ્તા કાઢવા પણ જરૂરી છે.
જો આ આવડી જાય તો ટકી જવું સરળ છે માટે ટેકનોલોજી હોય કે સોશ્યલ મીડિયા, સમજીને વાપરવાનો સંકલ્પ કરીએ તો સમય અને સ્વાસ્થ્ય બંને સારા રહેશે. એકવાર તમે પણ ચકાસજો કે જરૂર કે તમને મળતી દરેક માહિતીનો સ્તોત્ર તમને કેવી ઈન્ફર્મેશન આપે છે.
માહિતીનાં માધ્યમો અને અતિરેક વિશે બોલો, તમે શું કહો છો?