ભારત એ એક એવો સાંસ્કૃતિક દેશ છે કે, જેણે દુનિયાને ધર્મ, દર્શન, કલા, સંગીત અને માનવતાની સૌથી ઊંડી સમાજ પ્રદાન કરી છે. અહીંનું જીવન અને પરંપરા કોઈ ઇતિહાસમાં નહિ પરંતુ લોકોની ભાવનામાં, વિશ્વાસમાં અને વ્યવહારમાં ઝળકે છે. તાજેતરમાં યુનેસ્કોએ ભારતની અમુક પરંપરાને વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતના રૂપમાં માન્યતા આપી છે. આ પરથી ખ્યાલ આવે કે, ભારતનો આ સમૃદ્ધ વારસો આજે પણ ધબકે છે જેટલો સદીઓ પહેલા હતો. ચાલો ભારતની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત વિષે જાણીએ -
વિશેષ - વિવેક કુમાર
વૈદિક મંત્રોચ્ચાર - જ્યારે પ્રાચીન પરંપરાઓના પડઘા સદીઓથી ચાલતી ગુરુ-શિષ્ય પરંપરાને પ્રજ્વલિત કરે છે, ત્યારે તે ફક્ત ધ્વનિ જ નહીં, પણ એક સમૃદ્ધ આધ્યાત્મિક વિજ્ઞાન બની જાય છે. દરેક મંત્રમાં રહેલા ધ્વનિ, સાદ અને ઊર્જા હજુ પણ ભારતના આધ્યાત્મિક મૂળને સીંચે છે.
રામલીલા- હજી પણ લોકોના મનમાં જીવિત છે રામાયણ. રામલીલા કેવળ નાટક જ નથી પરંતુ ભારતના નૈતિક તેમજ આધ્યાત્મિક જીવનનો આધાર છે. રામ, સીતા અને રાવણ જેવા પાત્ર માત્ર આદર્શ જ નથી, પરંતુ સામાજિક મૂલ્યોનું જીવિત ઉદાહરણ છે. આજે પણ આ પરંપરા અયોધ્યાથી લઈને વારાણસી સુધી કરોડો લોકોના હૃદય જોડે છે.
કાલબેલિયા નૃત્ય - આ નૃત્ય શૈલી એ રાજસ્થાનની આત્મા છે. રાજસ્થાનના કાલબેલિયા સમુદાયની મહિલાઓ કાલા ડ્રેસમાં આ નૃત્ય કરે છે. આ નૃત્ય શૈલી તેમની ઓળખ છે અને જીવનદોરીનો આધાર છે
કોલકાતાની દુર્ગા પૂજા - દુર્ગા પૂજા પંડાલ કલા, શિલ્પ, સંગીત, નૃત્ય અને જનભાગીદારીનું અસાધારણ મિશ્રણ છે. આ પાંચ દિવસો દરમિયાન, કોલકાતા એક વિશાળ ઉત્સવ નગરીમાં પરિવર્તિત થાય છે. દુર્ગા પૂજા એ એક કળા અને આસ્થાનું સંગમ છે.
કુંભ મેંળો - કુંભ મેળો એ એક માનવતાનું વિરાટ સંગમ છે. કુંભ મેળો એ એક દુનિયાનું સૌથી મોટું આધ્યાત્મિક સંગમ પણ છે જ્યાં કરોડો લોકો એક સાથે સ્નાન, દર્શન અને સાધના માટે આવે છે. આ મેળો એ માત્ર ધાર્મિક આયોજન નથી પરંતુ ભારતની સામુહિક ચેતનાનો વિશાળ સમુદ્ર છે.
ગરબા - ગુજરાતની નવરાત્રીનું આ નૃત્ય મહિલાઓ અને યુવાનોની સામૂહિક ઊર્જાનું પ્રતીક છે. વર્તુળમાં એકસાથે નૃત્ય કરવું એ શક્તિની અનંતતાનું પ્રતીક માનવામાં આવે છે.
દિવાળી - દિવાળી ફક્ત દીવા પ્રગટાવવાનો તહેવાર નથી, પરંતુ વિશ્વનો તહેવાર છે. દરેક જગ્યાએ દીવા પ્રગટાવવા એ અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે અને વિશ્વને યાદ અપાવે છે કે સૌથી અંધારી રાતનો પણ અંત આવે છે.
લદાખનો બૌદ્ધ મંત્રોચાર - જ્યારે લદ્દાખના મઠોમાં સાધુઓ ઊંડા ધ્યાનથી મંત્રોનો જાપ કરે છે, ત્યારે એવું લાગે છે કે જાણે હિમાલય પોતે જ મૌન છે અને સાંભળી રહ્યો છે. આ પરંપરામાં ધ્યાન, શિસ્ત અને જ્ઞાનનો અનોખો વારસો છે.
ભારતની આ પરંપરા માત્ર કળા નહિ પરંતુ બોધપાઠ આપે છે...
*સંસ્કૃતિ માત્ર પુસ્તકોમાં નહીં, પણ વ્યવહારમાં જીવિત હોય છે.
*પરંપરા ત્યારે જ અમર થાય છે જયારે સમાજ તેને દિલથી અપનાવી આગળ ચલાવે છે.
*માનવતાની સૌથી મોટી શક્તિ તેની વિવિધતામાં રહેલી છે.
આટલી બધી વિવિધતા હોવી એ ભારત માટે એક ગૌરવની વાત છે. તેના કરતા મોટી જવાદારી એ છે કે આવનાર પેઢી આ વિવિધતાને સ્વીકારે અને તેને જીવિત રાખી આગળ વધારે.
રમમાણ - આ હિમાલયના ખોળામાં વિસ્તરેલો ઉત્સવ છે. ઉત્તરાખંડની દેવભૂમિ ક્ષેત્રમાં આવેલા રમમાણ લોક, આધ્યાત્મ અને પ્રકૃતિના સંગમનું રંગીન રૂપ છે. સદીઓ જૂના આ દેવતા, જેનું મુખૌટુ, ગીતો અને લોકકથાઓમાં કરવામાં આવ્યું છે, તે હજુ પણ એ જ રીતે જીવે છે જાણે સમય થંભી ગયો હોય.
છઉ નૃત્ય - આ નૃત્ય એ યુદ્ધ, વીરતા અને સૌંદર્યનો સંગમ છે. ઓડિશા, ઝારખંડ અને બંગાળમાં પ્રચલિત છઉ પોતાના અદભુત મુખૌટા, લય અને માર્શલ આર્ટસ જેવી શૈલીને કારણે ખૂબ જ સુંદર દૃશ્ય રચે છે. આ માત્ર પ્રદર્શન જ નથી પરંતુ સ્થાનિક રેહવાસીઓનો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે.
મણિપુરનું સંકીર્તન - મણિપુરનું સંકીર્તન એ સામૂહિકતાનું પવિત્ર રૂપ છે. ઢોલ, મંજીરા અને લયબદ્ધ નૃત્યની સાથે પ્રસ્તુત સંકીર્તન એ વૈષ્ણવ પરંપરાનું હૃદય છે. આ માત્ર ધર્મ નથી, પરંતુ સામાજિક સમરસતાનું એક જીવતું જાગતું ઉદાહરણ છે.
ઠઠેરે કલા- પિત્તળ અને કાંસામાં ઢળેલું પારંપરિક કૌશલ્ય એટલે ઠઠેરે કલા. અમૃતસરના અજાનડીયાળા ગુરુન કારીગર આજે પણ આવા જ વાસણ બનાવે છે જેવી રીતે હજારો વર્ષ પહેલા બનતા હતાં. દરેક પીટાઈમાં જાણે પેઢીઓનું કૌશલ્ય, સાદગી અને ધૈર્ય સમાયું હોય છે...
નવરોજ - એટલે નવજીવન, સૌહાર્દ અને નવી શરૂઆતનો ઉત્સવ. આ માત્ર એક પારસી પર્વ જ નથી પરંતુ જીવનના નવા પડાવનો ઉત્સવ છે. આ ભારતની બહુલતાવાદી સંસ્કૃતિનું એક તેજસ્વી ઉદાહરણ છે, જ્યાં વિવિધ સમુદાયો સામાજિક સંવાદિતાનું વાતાવરણ બનાવવા માટે એકસાથે આવે છે.