Tue Jan 27 2026

Logo

White Logo

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, આ રાજ્યોમાં વરસાદની આગાહી...

1 day ago
Author: Mayur Patel
Video

અમદાવાદ/નવી દિલ્હીઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં સતત ત્રીજા દિવસે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન લોકો ગમર વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. આ દરમિયાન હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. પોરબંદર 9 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર રહ્યું હતું. રાજકોટમાં 9.2 ડિગ્રી, અમરેલીમાં 9.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 9.5 ડિગ્રી, કેશોદમાં 9.8 ડિગ્રી, નલિયામાં 10.4 ડિગ્રી, ભુજમાં 10 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 10.2 ડિગ્રી, અમદાવાદમાં 14 ડિગ્રી, ગાંધીનગરમાં 13 ડિગ્રી, ડીસામાં 10 ડિગ્રી, મહુવામાં 12.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણની ચાદર હટી ગઈ છે અને આકાશ સ્વચ્છ થઈ ગયું છે, પરંતુ પહાડો પરથી આવતી બર્ફિલી હવા દિલ્હી અને આસપાસના વિસ્તારોને ઠંડીમાં ઠુંઠવાઈ જવા મજબૂર કરી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે કેરળમાં ભારે પવન સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી, પવનની ગતિ 50થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.


હવામાન વિભાગ પ્રમાણે, 26 થી 28 જાન્યુઆરી વચ્ચે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે અને 27 જાન્યુઆરથી ભારે વરસાદ પડી શકે છે. 28 જાન્યુઆરીએ ઉત્તરાખંડમાં વીજળીના કડાકાભડાકા અને 50-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની આશંકા છે.  27 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની આશંકા છે. આ દરમિયાન 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 28 જાન્યુઆરીએ બિહારમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે કેરળમાં 26 થી 28 જાન્યુઆરી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તેમજ અન્ય જિલ્લામાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તમિલનાડુમાં પણ 26 થી 28 જાન્યુઆરી સુધી ભારે વરસાદ પડી શકે છે. મહારાષ્ટ્રના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનોને કારણે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીનો જોર વધશે. મુંબઈ અને ઠાણે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને સવારના મોડે સુધી હળવું ધુમ્મસ જોવા મળી શકે છે.