‘હિંમત એટલે ભયનો પ્રતિકાર, ભય પર કાબૂ મેળવવો, કે ભયની ગેરહાજરી નહીં.’
આ મતલબનું એક વાક્ય ક્યાંક લખેલું વાંચ્યું. ભય કોને હોય અને ભય કોનો હોય? દરેક મનુષ્યમાં કેટલાય ભય ઘર કરીને બેઠા હોય છે, અને દરેક મનુષ્યને અલગ અલગ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિના ભય હોય છે.
મજાની વાત જુઓ, નાનું બાળક, જે હજી કોઈ દુનિયાદારી સમજતું નથી, તેને પણ કોઈક અવ્યક્ત ભય તો હોય છે. તેની માતા તેનાથી દૂર જાય કે તરત તે બેબાકળું થઇ જાય છે, અજાણ્યા પાસે જતું નથી. આ જ નાનું બાળક અનેક ભયથી મુક્ત પણ હોય છે.
ઘરમાં અગ્નિ પેટાવેલો હોય તો બાળક તેનાથી ડરતું નથી, ફર્શ પર છરી પડી હોય તો એ વાગી જશે એવું વિચારવા જેટલી સમજ તેનામાં હોતી નથી. તેનો અર્થ શું થયો? કે ઘણીવાર અજ્ઞાની હોવું એ અભય હોવા જેવું છે! જ્યાં સુધી જ્ઞાત નથી કે અગ્નિ થી દાઝી જવાય, જે છરીથી વાગી જાય ત્યાં સુધી તેને ભય નથી. જેવું જ્ઞાન આવ્યું કે ભય આવવાનો શરૂ થઇ જાય!
જૈન દર્શનમાં શાકારોએ સાત પ્રકારના ભય બતાવ્યા છે.
ઇહલોક ભય
વર્તમાન જીવન સાથે સંબંધિત કોઈપણ પ્રકારનો ભય ઇહલોક એટલે કે દુન્યવી ભય કહેવાય છે. ઉદાહરણ તરીકે કોઈ પ્રિયજનથી અલગ થવાનો ભય કે દુર્ભાગ્યનો ભય, બાળકો કેવા બનશે, વૃદ્ધાવસ્થા કેવી રીતે પસાર થશે, વ્યવસાયમાં નુકસાનનો ભય, આવક ઘટવાનો, સૌંદર્ય હણાઈ જવાનો વગેરે દુન્યવી ભયનાં ઉદાહરણો છે.
જ્ઞાની વ્યક્તિ આ દુનિયાથી ડરતો નથી, કારણ કે તે પોતાના આત્માને જ દુનિયા માને છે, અને તેમાં પરનો પ્રવેશ થતો નથી.
પરલોક ભય
મૃત્યુ પછીના જીવનનો ભય એ વર્તમાન જીવનમાં ભવિષ્યનો ભય છે. ઉદાહરણ તરીકે, હવે પછીના ભવમાં કઈ ગતિ મળશે? સ્વર્ગ મળશે કે નર્ક મળેશે તે ન જાણવાનો ભય, અથવા દુ:ખ, વગેરે, મૃત્યુ પછીના જીવનના ભયના ઉદાહરણો છે.
જ્ઞાની વ્યક્તિને મૃત્યુ પછીના જીવનનો કોઈ ડર હોતો નથી, કારણ કે તે માને છે કે તેની સંપત્તિ તેના જ્ઞાન અને દર્શનના ગુણમાં રહેલી છે, જે આ દુનિયા અને પરલોકમાં હંમેશાં તેની સાથે રહેશે.
મૃત્યુનો ભય
શરીરના વિનાશની ચિંતાને મૃત્યુનો ભય કહેવામાં આવે છે. સંસારમાં જેને મૃત્યુનો ભય ન હોય એવા મહાત્માઓ તો વિરલા જ હોય છે. અરે મનુષ્ય શું, પ્રાણીઓ પણ મૃત્યુના ભયથી અલિપ્ત નથી. નાગ પણ ફૂંફાડો મારે છે કારણકે તેને સામે ભય દેખાતો હોય છે. જ્ઞાની તો માને છે કે આત્મા મરતો નથી, હું આત્મા છું તેથી શરીર નહિ રહે ત્યારે પણ હું રહીશ.
આકસ્મિક ભય
આકસ્મિક ભય એટલે અચાનક આવનારા કોઈ દુ:ખ કે આપત્તિનો સતત ભય હોવો. માત્ર ન આવેલી આપદા, મુશ્કેલી, દુ:ખ, પીડા કે નુકસાનની ફક્ત કલ્પના કરીને ઘણા ભયભીત થતા હોય છે. માતા આવો ભય પોતાનાં સંતાનો માટે રાખતી હોય છે. ઘરે મોડાં પડતાં બાળકોને કંઈ થઇ તો નહિ ગયું હોય? કોઈ આપત્તિ તો નહિ આવી હોય? સ્નેહને કારણે પણ આવો આકસ્મિક ભય પેદા થઇ શકે છે.
જ્ઞાનીજનો જે થયું નથી તેના વિશે અમંગળ કલ્પના કરીને વર્તમાનની કિંમતી ક્ષણોને વ્યર્થ જવા દેતા નથી.
વેદના ભય
શારીરિક કે માનસિક બીમારીથી થતા દુખાવાનો ભય એ વેદના ભય છે. કોઈ આફત પહેલાં વિલાપ કરવો, સ્વસ્થ રહેવાની ઇચ્છા રાખવી, મારે ક્યારેય દુ:ખ ન ભોગવવું પડે તેવું વારંવાર ચિંતન કરવું, તેના વિશે વારંવાર વિચારવું એ વેદનાનો ભય છે.
આ ભય જ્ઞાની વ્યક્તિને પરેશાન કરતો નથી, કારણ કે તેને એવી માન્યતા છે કે ‘હું ફક્ત સર્વજ્ઞ જ્ઞાનનું વેદન કરી રહ્યો છું, રોગો અને વ્યાધિઓ આદિનું નહીં.’
અગુપ્તિ ભય
રૂપિયા, પૈસા, મિલકત કે જમીન-જાગીર ગુમાવવાનો ભય અગુપ્તિ ભય કહેવાયો . ‘મારું સ્થાન સુરક્ષિત નથી,’ ‘ઘર નબળું છે,’ ‘જો કોઈ મારી જગ્યાએ આવશે તો મારું શું થશે,’ વગેરે જેવી લાગણીઓ અગુપ્તિ ભય માનવામાં આવે છે.
જ્ઞાની માને છે કે, આપણે આ ભવમાં પૂર્વ જન્મ કર્મ લઈને આવ્યા છીએ, તે સિવાય કશું આપણું નથી. તેથી ગુમાવવાનો ભય શેનો?
અરક્ષા ભય
ગમે ત્યાં, કોઈપણ રીતે અસુરક્ષિત અનુભવવું એ અરક્ષા ભય છે. મારો કોઈ રક્ષક, મદદગાર, મિત્ર કે આશ્રય નથી, ‘સંકટ સમયે હું કેવી રીતે સુરક્ષિત રહીશ?’ ‘જો કંઈક થશે તો મને કોણ બચાવશે?’ વગેરે જેવી લાગણીઓ અસલામતીનો ડર છે.
જ્ઞાનીને આ ડર હોતો નથી, કારણ કે તે પોતાના નિજ સ્વરૂપને જ પોતાનો આશ્રય માને છે, અને તે હંમેશાં તેની સાથે રહે છે. જે આત્મા છે તેની રક્ષા જ્ઞાન-દર્શન-ચારિત્રની રત્નત્રયીથી થાય છે.
સમ્યગદૃષ્ટિ હોય એ આ સાત ભયથી મુક્ત હોય છે. જિન વચનોમાં અતૂટ શ્રદ્ધા રાખીને, તે ભયથી મુક્ત થાય છે અને નિર્ભય થઈને જીવન જીવે છે.