Tue Jan 27 2026

Logo

White Logo

અધિષ્ઠાન ગીતા મહિમા

1 day ago
Author: Mumbaisamachar Team
Video

અધિષ્ઠાન

ગીતા મહિમા - સારંગપ્રીત

ગત અંકમાં ઇષ્ટ અને અનિષ્ટ ફળની ચર્ચા કરીને હવે ભગવાન કૃષ્ણ સફળતાના પાંચ સિદ્ધાંતોની વાત કરે છે. 

ભગવદ્ ગીતાના અઢારમા અધ્યાય (18.14) માં ભગવાન શ્રીકૃષ્ણે સફળતા (કાર્યસિદ્ધિ)ના પાંચ કારણ બતાવ્યાં છે.  

પ્રથમ છે અધિષ્ઠાન એટલે કે વ્યક્તિનું કાર્યસ્થાન કે પોતાનું શરીર. કોઈપણ કાર્ય પૂર્ણ કરવા યોગ્ય સ્થાન, આધાર કે શરીર જરૂરી છે. બીજો ભાગ છે કર્તા. એટલે કે વ્યક્તિ પોતે! કર્તાનો સંકલ્પ, ઉત્સાહ અને પ્રયત્ન વિના સફળતા શક્ય નથી. ત્રીજું સફળતાનું કારણ છે કરણ (ઇન્દ્રિયો અને સાધન)! કાર્ય પૂર્ણ કરવા ઇન્દ્રિયો, સાધન અને ઉપકરણ જરૂરી છે. ચોથું કારણ છે-ચેષ્ટા (પ્રયત્ન)! હા, કાર્યમાં સતત પ્રયત્ન, પરિશ્રમ અને લગન જરૂરી છે. અને અંતિમ કારણ બતાવતાં ગીતા કહે છે- દૈવ એટલે કે ભગવાનની અનુકંપા અથવા ભગવાને નિયત કરેલું વ્યક્તિનું પ્રારબ્ધ.

અહીં ગીતા સ્પષ્ટ કહે છે કે કોઈપણ સફળતા માટે માત્ર પ્રયત્ન પૂરતા નથી, પરંતુ અધિષ્ઠાન, સાધન, પ્રયત્ન અને સાથે ઈશ્વરીય અનુકંપા આ પાંચેયનું મિલન આવશ્યક છે. 

આજે આપણે અધિષ્ઠાનને સમજીએ. અધિષ્ઠાન કે આધારભૂત માળખું સફળતાનું પ્રથમ પાયાનું પગથિયું છે. કોઈ ઇમારત ત્યારે જ ઊંચી અને સ્થિર બની શકે જ્યારે એની પાયાની જડ મજબૂત હોય, એ જ રીતે જીવન અને સફળતાની ઇમારત પણ ત્યારે જ સ્થિર ઊભી રહી શકે જ્યારે એની નીચે અધિષ્ઠાન મજબૂત અને સુદૃઢ હોય. અધિષ્ઠાન માત્ર ભૌતિક નહીં, પરંતુ માનસિક, આધ્યાત્મિક અને નૈતિક ધોરણે પણ જરૂરી છે. જે વ્યક્તિ પોતાનું આધાર ઊંડાણથી તૈયાર કરે છે, તેના માટે પરિસ્થિતિઓના તોફાન પણ હલચલ પેદા કરી શકતા નથી.

સફળતા માટે પાયાની જરૂરીયાતોનું સુદૃઢ હોવું અત્યંત જરૂરી છે. જીવનમાં કોઈપણ કાર્ય સિદ્ધ કરવા માટે સૌપ્રથમ આધાર તરીકે માનવીને સારું શરીર, સ્વસ્થ મન અને દૈનિક જીવન માટેની અનિવાર્ય સુવિધાઓ જોઈએ છે. આવાસ, ભોજન અને શરીર એ માણસ માટે તેવા મૂળભૂત આધાર છે કે જેના વિના તે પોતાની શક્તિઓને કાર્યક્ષેત્રમાં મૂકી શકતો નથી.

જ્યારે મનુષ્ય પાસે સુરક્ષિત આવાસ હોય, ત્યારે તેનું મન નિશ્ર્ચિતં રહે છે. ચિંતા અને ભયથી મુક્ત થવાથી તેની કાર્યશક્તિ અને વિચારશક્તિ સકારાત્મક દિશામાં પ્રવર્તે છે. એ જ રીતે યોગ્ય અને પૌષ્ટિક ભોજન મળવાથી શરીરને તંદુરસ્તી મળે છે. ખાલી પેટ કે અસ્વસ્થ શરીર સાથે કોઈપણ વ્યક્તિ દીર્ઘકાળ સુધી શ્રેષ્ઠ કાર્ય કરી શકતો નથી. આરોગ્ય જ મુખ્ય સંપત્તિ છે અને એ માટે સારા આહારનો મહત્ત્વનો ફાળો છે.

શરીર સ્વસ્થ હોય ત્યારે જ મનમાં ઉત્સાહ અને પ્રયત્નની શક્તિ જન્મે છે. ગીતા કહે છે કે શરીર અધિષ્ઠાન છે  એટલે કે કાર્યની સિદ્ધિ માટેનો આધાર. નબળું કે બીમાર શરીર માણસને થકાવે છે, મનોબળને ખાલી કરે છે અને કાર્યક્ષમતા ઓછી કરી દે છે, પરંતુ જો શરીર સ્ફૂર્તિથી ભરપૂર હોય તો મનોબળ વધે છે અને વ્યક્તિ અશક્ય લાગતી પરિસ્થિતિઓમાં પણ અડગ રહી શકે છે.

આથી આવાસ, ભોજન અને શરીરની સારસંભાળ એ સફળતા માટેની પહેલી કડી છે. કોઈપણ ઊંચી ઇમારત મજબૂત પાયા પર ઊભી રહે છે, તેવી જ રીતે જીવન અને કાર્યસિદ્ધિની ઇમારત આ પાયાની વસ્તુઓ પર આધારિત છે. આ મૂળભૂત જરૂરીયાતો પૂરી થતાં વ્યક્તિનું મન એકાગ્ર રહે છે, પરિશ્રમ સતત બની રહે છે અને લક્ષ્ય તરફ આગળ વધવાની શક્તિ પ્રાપ્ત થાય છે.

ઇતિહાસ કહે છે કે એકલવ્ય અર્જુન કરતાં પણ અધિક શ્રેષ્ઠ ધનુર્ધર હતો, પરંતુ તેની પાસે કોઈ એવું અધિષ્ઠાન ન હતું જે તેને સતત કાર્યસિદ્ધિ માટે પ્રેરણા આપે. આ બાજુ અર્જુન બાળપણથી જ ગુરુ દ્રોણાચાર્યની શિક્ષા હેઠળ રહ્યા. ગુરુનું માર્ગદર્શન, નિયમિત સાધના અને શ્રીકૃષ્ણ જેવા સખાએ તેમના અધિષ્ઠાનને અદ્ભુત મજબૂતી આપી. અર્જુનનો આધાર માત્ર પોતાનો પરિશ્રમ નહોતો, પરંતુ ધર્મ પ્રતિ વિશ્વાસ, ગુરુની આજ્ઞાપાલન અને પ્રભુરૂપી અધિષ્ઠાન પરનો ભરોસો પણ હતો. આ અધિષ્ઠાનને કારણે જ અર્જુન કુરુક્ષેત્રના યુદ્ધમાં અપરાજિત ધનુર્ધર સાબિત થયા.

જેઓ આ અધિષ્ઠાનને કે પાયાને અવગણે છે તેઓ સફળતાની મંજિલે લાંબા સમય સુધી ટકી શકતા નથી, પણ જેનો પાયો મજબૂત છે તેઓ જીવનના દરેક ક્ષેત્રમાં દીર્ઘકાળ સુધી પ્રગતિ કરતા રહે છે. આથી કહી શકાય કે સફળતા માટેનું પહેલું સાધન કોઈ ઊંચા વિચાર કે વિશેષ યોજનાઓમાં નથી, પરંતુ માનવીના આવાસ, ભોજન અને શરીરની યોગ્ય વ્યવસ્થા જ તેનું સચોટ અને સ્થિર અધિષ્ઠાન છે.