- કવિતા યાજ્ઞિક
આપણા દેશમાં શહીદોના સ્મારકને મંદિરોની જેમ પૂજાય છે. કોઈ મહાનુભાવના મૃત્યુસ્થળ કે અગ્નિદાહના સ્થળ પણ સ્મારક તરીકે સચવાય છે. પણ કોઈ રોયલ એન્ફિલ્ડ બાઈકનું મંદિર બનાવ્યું એમ કહે તો કેવું લાગે? આપણા દેવી-દેવતાઓનાં વાહનો તરીકે પશુ કે પક્ષીઓ છે, તેમ છતાં તેમના મંદિર બનતા નથી, ત્યાં કોઈ સામાન્ય માણસની એક સામાન્ય મોટર સાઈકલનું મંદિર બનવા કેમ લોકો પ્રેરાયા હશે? ક્યાં છે આવું મંદિર? ચાલો, જાણીએ.
રાજસ્થાનમાં એક ગામ છે જ્યાં મંદિરમાં કોઈ ભગવાનની મૂર્તિ નહીં, પણ રોયલ એનફિલ્ડ બુલેટ 350 છે. મંદિરને ‘ઓમ બન્ના ધામ’ કહેવામાં આવે છે. પણ લોકોમાં તે ‘બુલેટ બાબા મંદિર’ તરીકે બહુ પ્રખ્યાત છે.
ઓમ બન્ના ધામ અથવા બુલેટ બાબા મંદિર રાજસ્થાનના જોધપુરથી લગભગ 50કિલોમીટર દૂર અને પાલીથી 20 કિમી દૂર ચોટીલા ગામમાં પાલી જોધપુર રૂટ પર આવેલું છે. આ મંદિર ફક્ત તેના ધાર્મિક મહત્ત્વને કારણે જ નહીં પરંતુ તેની રોમાંચક અને રહસ્યમય કથાને કારણે પણ લોકપ્રિય બન્યું છે. આ મંદિર પર લોકો દૂર દૂરથી બાઇકની પૂજા કરવા આવે છે.
ઠાકુર જોગ સિંહ રાઠોડના પુત્ર ઓમ સિંહ રાઠોડનું લગભગ 37 વર્ષ પહેલાં આ ગામમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ડિસેમ્બર 1988માં, ઓમ સિંહ રાઠોડ (ઓમ બન્ના) પાલીના સાંદેરાવ નજીક બાંગડીથી ચોટીલા જઈ રહ્યા હતા. રાત્રે વાહન ચલાવતી વખતે, તેમણે પોતાની બાઇક પરનો કાબૂ સંપૂર્ણપણે ગુમાવી દીધો અને એક ઝાડ સાથે અથડાઈ ગયા. આ મંદિરનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. આપણને સવાલ એ થાય કે મૃતક ન તો દેશના કોઈ મોટા મહાનુભાવ હતા, ન દેશની રક્ષા કરતા શહીદ થયેલા કોઈ સૈનિક. તો પછી એવું તે શું થયું કે મંદિર બન્યું?
દેશમાં રોજના આવા હજારો મૃત્યુ થાય છે. રાજસ્થાનમાં પણ માર્ગ અકસ્માતો ખૂબ થાય છે. એટલે લોકો આવા અકસ્માતો પ્રત્યે દુ:ખ તો દર્શાવે છે, પણ તેને ભૂલી પણ જલ્દી જાય છે. પોલીસ પણ અકસ્માત મૃત્યુના કેસમાં જરૂરિયાત મુજબ કાગળ-પત્રો તૈયાર કરે, ફાઈલ કરે એટલે તેમનું કામ પત્યું. આ કિસ્સામાં ઓમ સિંહ રાઠોડનું મૃત્યુ મોટરસાઈકલ ચલાવતા થયું હતું એટલે પોલીસે બાઈક જપ્ત કરી અને પોલીસ થાણામાં પુરાવા તરીકે જમા કરી.
પણ બીજા દિવસે જોયું તો બાઈક પોલીસ થાણામાંથી ગાયબ હતી. પોલીસે શોધખોળ આરંભી તો આખરે બાઈક એ જ સ્થળેથી મળી આવી જ્યાં યુવાન ઓમ સિંહનો અકસ્માત થયો હતો. કોઈએ ટીખળ કરી હશે તેવું માનીને પોલીસ બાઈક ફરીથી કબજામાં લઈને પોલીસ થાણામાં લાવી. પણ આશ્ર્ચર્ય વચ્ચે બીજા દિવસે બાઈક ફરીથી ગાયબ થઇ ગઈ, અને ફરીથી અકસ્માત થયો હતો એ સ્થાને જ મળી! આવી ઘટના બે-ત્રણ વખત થતાં પોલીસને કોઈ બદમાશી કરી રહ્યું હોવાની શંકા ગઈ. એટલે તેમણે રાતના સમયે મોટરસાઈકલની ચોકી કરવાનું નક્કી કર્યું.
રાત્રે ચોકી કરતા પોલીસને જે જોવા મળ્યું, તેનાથી તેને પરસેવો છૂટી ગયો, તેની આંખો ફાટી ગઈ. તેણે જોયું કે મોટરસાઈકલ પોતાની જાતે જ ચાલુ થઇ ગઈ અને ચાલવા લાગી, અંતે તે ફરીથી અકસ્માતના સ્થળે જઈને જ અટકી.
આ ઘટનાથી અચંબામાં પડેલા પોલીસે પરિવારને આ આશ્ર્ચર્યજનક ઘટનાની જાણ કરી અને બાઇક તેમને સુપરત કરી દીધી. ત્યારબાદ, સ્થાનિક લોકો અને પરિવારના સભ્યોએ મળીને મૃતક ઓમ સિંહ રાઠોડના નામે એક મંદિર બનાવ્યું અને ત્યાં તે બાઈક સ્થાપિત કરી. ત્યારથી આ મંદિર ઓમ બન્ના (રાજસ્થાનમાં લાડથી દીકરાને બન્ના કહે છે)ના નામે અને ત્યાં રોયલ એન્ફિલ્ડ હોવાથી તેણે બુલેટ બાબા તરીકે ખ્યાતિ મળી.
એવું માનવામાં આવે છે કે ઓમ બન્નાનો આત્મા મુસાફરો પર નજર રાખે છે અને રસ્તાઓ પર તેમની સલામતી સુનિશ્ર્ચિત કરે છે. ઓમ બન્નાને હાઇવે પર મુસાફરી કરનારાનો એક રક્ષક માનવામાં આવે છે. ત્યાંથી પસાર થતાં મુસાફરો મંદિર પર અચૂક રોકાય છે અને પોતાની સલામતી માટે પ્રાર્થના કરે છે.
ઓમ બન્ના મંદિર સાથે ચમત્કારો અને વિચિત્ર ઘટનાઓની કિંવદંતીઓ પણ સંકળાયેલી છે. તેમના દ્વારા અકસ્માતો અટકાવવા અને ટ્રક ડ્રાઇવરોને રાત્રે રસ્તા પર કોઈ વિચિત્ર વ્યક્તિની હાજરીનો અહેસાસ થવાની વાત ઘણા લોકો પોતાના અનુભવથી કહે છે.