Tue Jan 27 2026

Logo

White Logo

કાશ્મીરમાં કુદરતનો પ્રકોપ, ભારે વરસાદ અને હિમવર્ષા: વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત...

4 days ago
Author: Savan Zalariya
Video

શ્રીનગર: ઉત્તર ભારતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં જમ્મુ અને કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં જોરદાર પવન સાથે ભારે વરસાદ અને ભારે હિમવર્ષા થઇ રહી છે. ખાસ ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફની જાડી ચાદર છવાઈ ગઈ છે. જેને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અહેવાલ મુજબ માતા વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત કરવામાં આવી છે. અધિકારીઓએ લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.

કટરા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને બરફવર્ષા થઈ રહી છે. યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ માતા વૈષ્ણોદેવી માર્ગ બંધ કર્યો છે. યાત્રાળુઓને કટારમાં જ રોકવામાં આવ્યા છે. આગામી સૂચના ના મળે ત્યાં સુધી કોઈપણ યાત્રાળુઓને બેઝ કેમ્પથી મંદિર તરફ જવાની મંજુરી આપવામાં આવશે નહીં. હવામાન સાફ થયા બાદ જ અધિકારીઓ યાત્રા શરુ કરવા અંગે નિર્ણય લેશે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ફોટોઝ અને વીડિયોમાં જોવા મળે છે કે માતા વૈષ્ણોદેવી મંદિર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે.

પ્રદેશમાં ભારે પવન સાથે વરસાદ અને હિમવર્ષા: 
શોપિયામાં 155 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, પૂંચમાં 80, રિયાસીમાં 76, જમ્મુમાં 63 અને શ્રીનગરમાં 84 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

અહેવાલ મુજબ 24 કલાકમાં જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં 77 મીમી, જમ્મુમાં 69 મીમી, કઠુઆમાં 79 મીમી, સાંબામાં 63 મીમી, રાજૌરીમાં 56 મીમી, શ્રીનગરમાં 37 મીમી અને કાઝીગુંડમાં 45 મીમી વરસાદ નોંધાયો છે. 

ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે, ગુલમર્ગમાં 45 સેમી, શોપિયાંમાં 55 સેમી, સોનમર્ગમાં 15 સેમી, પહેલગામમાં 17 સેમી, કુપવાડામાં 20 સેમી, બનિહાલમાં 16 સેમી અને કુલગામમાં 15 સેમી બરફ પડ્યો છે.