વોશિંગ્ટન ડીસી: 12 જૂન, 2025નો દિવસ અમદાવદના ઈતિહાસમાં કાળા દિવસ તરીકે નોંધાયેલો રહેશે. આ દિવસે જ એર ઇન્ડિયાની ફ્લાઈટ AI 171 બી જે મેડીકલ કોલેજની એક હોસ્ટેલ પર ક્રેશ થઇ હતી. આ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા. બોઇંગ કંપનીનું ડ્રીમ લાઈનર 787 વિમાન કેમ ક્રેશ થયું તેની અલગ અલગ એજન્સીઓ તપાસ કરી રહી છે. એવામાં એક એજન્સીના તાપસ રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિમાનમાં અગાઉ અનેક વાર ટેકનીકલ સમસ્યાઓ સર્જાઈ હતી.
ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી (FAS)એ 12 જાન્યુઆરી, 2026 ના રોજ યુએસ સેનેટ સમક્ષ એક અહેવાલ રજુ કર્યો હતો. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે VT-ANB રજિસ્ટર્ડ વિમાન, એર ઇન્ડિયામાં જોડાયું ત્યારથી તેમાં સિસ્ટમ ફેઇલ્યોરની સમસ્યા સર્જાઈ રહી હતી.
FAS ના અહેવાલ મુજબ ખામીયુક્ત એન્જિનિયરિંગ, નબળી મેન્યુફેક્ચરિંગ ક્વોલીટી અને મેન્ટેનન્સ બેદરકારીઓ આ તમામ મળીને એક ગંભીર સમસ્યા સર્જાઈ હતી. ઇલેક્ટ્રોનિક અને સોફ્ટવેર ખામીઓ, સર્કિટ બ્રેકર્સનું વારંવાર ટ્રીપિંગ, વાયરિંગમાં નુકસાન, શોર્ટ સર્કિટ, ઇલેક્ટ્રિક પાવર બંધ થઇ જવો અને પાવર સિસ્ટમના પાર્ટ્સનું ઓવરહિટીંગનો વગરે સમસ્યાઓ સર્જાઈ હતી.
બોઇંગ સામે સવાલ:
FAS એ અહેવાલમાં બોઇંગ પર ગંભીર આરોપ લગાવ્યા. અહેવાલ મુજબ બોઇંગનો 787 પ્રોગ્રામ ત્રણ વર્ષથી વધુ સમયના વિલંબ સાથે ચાલી રહ્યો હતો અને બજેટ કરતાં અબજો ડોલર વધુ ખર્ચ કરવામાં આવ્યા હતાં. FASએ બોઇંગ 787 સાથે જોડાયેલી 2,000 થી વધુ એરક્રાફ્ટ સિસ્ટમ ફેઇલ્યોરની ઘટના વિશ્લેષણ કર્યું, જે બોઇંગના 1,235 વિમાનોના વૈશ્વિક કાફલાના લગભગ 18% છે.
પહેલા દિવસથી જ સમસ્યા સર્જાઈ હતી:
FAS ના અહેવાલ મુજબ જે વિમાન અમદવાદમાં ક્રેશ થયું એ 2011 ના અંતમાં બનીને તૈયાર થયું હતું. ડિસેમ્બર 2013 માં પ્રથમ વખત ટેક ઓફ કર્યું હતું. આ વિમાન 28 જાન્યુઆરી, 2014 ના રોજ એર ઇન્ડિયાને સોંપવામાં આવ્યું હતું, અને 8 ફેબ્રુઆરી, 2014 ના રોજ તેની પ્રથમ કમર્શિયલ ફ્લાઈટ માટે રવાના થયું હતું.
FASએ મોટો દવાઓ કરતા જણાવ્યું કે વિમાન એર ઇન્ડીયાને સોંપવામાં આવ્યા બાદ 1 ફેબ્રુઆરી, 2014 ના રોજ વિમાન ભારતમાં આવ્યું તે દિવસથી સિસ્ટમ ફેઇલ્યોરની શરૂઆત થઈ હતી અને છતાં 11 વર્ષ સર્વિસમાં રહ્યું. આ દરમિયાન વિમાનમાં વારંવાર ઇલેક્ટ્રિકલ ફેઇલ્યોર, ધુમાડો નીકળવો, ઇલેક્ટ્રિકલ સર્જ અને પાવર ડિસ્ટ્રીબ્યુશન પાર્ટ્સનું ઓવરહિટીંગ જેવી સમસ્યાઓ સર્જાઈ હતી.
તાજેતરમાં જ સર્જાઈ હતી આ ખામીઓ:
વધુ વિગતો આપતા FASએ જણાવ્યું કે જાન્યુઆરી 2022 માં P100ના પ્રાઈમરી પાવર પેનલમાં આગ લાગી હતી, જેના કારણે L2 બસ ટાઈ બ્રેકરના વાયરિંગની આસપાસ વ્યાપક નુકસાન થયું હતું, જેના કારણે સમગ્ર પેનલને બદલવાની જરૂર પડી હતી. એપ્રિલ 2022 માં, લેન્ડિંગ ગિયર ઈન્ડીકેશન સિસ્ટમની ખામીઓને કારણે વિમાનને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું, એ સમયે પણ ઘણા પાર્ટ્સ બદલવામાં આવ્યા હતા.
અન્ય વિમાનો પણ છે આવી ખામીઓ:
અહેવાલ મુજબ ઇન્ડિયાના અન્ય 787 વિમાનોમાં તેમજ યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં રાજીસ્ટર્ડ 787 વિમાનોમાં પણ આવી જ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ફેઇલ્યોરની સમસ્યા જોવા મળી છે. બોઇંગ, એર ઇન્ડિયા અને ભારત સરકારના અધિકારીઓ સેફટી ઇન્ફોર્મેશન છુપાવી રહ્યા છે. FASએ યુએસ અધિકારીઓ દ્વારા ક્રિમીનલ ઈન્વેસ્ટીગેશનની માંગ કરી.
ભારતના ઉડ્ડયન મંત્રાલય કે એર ઇન્ડિયાએ આ અહેવાલ અંગે સત્તાવર પ્રતિક્રિયા આપી નથી..