Tue Jan 27 2026

Logo

White Logo

ચોખા ખરીદી કૌભાંડ: ધરપકડ કરાયેલા રાષ્ટ્રવાદીના વિધાનસભ્યના ભત્રીજાનું હૃદયરોગના હુમલાથી મોત

4 days ago
Author: Yogesh D Patel
Video

થાણે: થાણેમાં કરોડો રૂપિયાના ચોખા ખરીદી કૌભાંડમાં કથિત સંડોવણી બદલ જેલમાં રહેલા રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વિધાનસભ્યના ભત્રીજાનું શુક્રવારે સવારે મુંબઈની હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.
ખડકપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે શહાપુરના રાષ્ટ્રવાદીના વિધાનસભ્ય દૌલત દરોડાના ભત્રીજા હરિશ ઉર્ફે ભાઉ દરોડાની 9 ડિસેમ્બર, 2025ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે અદાલતી કસ્ટડી ફટકાર્યા બાદ હરિશને કલ્યાણની આધારવાડી જેલમાં મોકલી અપાયો હતો. જેલમાં હરિશની તબિયત બગડી હતી અને તેને મુંબઈની જે. જે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં શુક્રવારે સવારે તેનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણે એડીઆર દાખલ કરવામાં આવ્યો હોવાનું ઇન્સ્પેક્ટર મારુતિ આંધળેએ જણાવ્યું હતું.

શહાપુર તાલુકાના સાકડબાવ ખરીદી કેન્દ્રમાંથી આશરે 5,000 ક્વિન્ટલ ચોખાની ખરીદીમાં કથિત ગેરરીતિ બદલ ડિસેમ્બર, 2023માં હરિશ દરોડા વિરુદ્ધ ક્ધિહવલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર આ કૌભાંડ થાણે જિલ્લામાં આદિવાસી વિકાસ મહામંડળમાં ચોખા ખરીદીમાં બહાર આવેલી કથિત ગેરરીતિનો એક ભાગ હતો. કૌભાંડ લગભગ 16 કરોડ રૂપિયાનું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું, જેમાં શહાપુર તાલુકાના સાકડબાવ ખરીદી કેન્દ્ર સાથે જોડાયેલા 1.5 કરોડ રૂપિયાનો પણ સમાવેશ છે.

સાકડબાવ કેસમાં પોલીસે સાકડબાવ આદિવાસી વિવિધલક્ષી સહકારી સોસાયટીના પ્રમુખ હરિશ દરોડા અને અન્ય લોકો પર ખેડૂતોને નામે બોગસ ઇન્વોઇસ બનાવીને રાજ્ય સરકાર તથા તેના  આદિવાસી કલ્યાણ નિગમ સાથે છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો હતો. 2023માં કેસ નોંધાયા બાદ તે ફરાર હતો અને ગયા મહિને તેની ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઇ)