અમદાવાદ: ગુજરાતમાં ઠંડા પવનોને કારણે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નોંધાયેલા ન્યૂનતમ તાપમાનની યાદીમાં 9.7 ડિગ્રી સેલ્સિયસ સાથે દાહોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. પૂર્વ-ઉત્તરપૂર્વ દિશામાંથી ફૂંકાતા ૧૮.૫ કિમી પ્રતિ કલાકની ઝડપના ઠંડા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં વહેલી સવારથી જ સુસવાટા મારતા પવનોને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં હજુ પણ ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી કડકડતી ઠંડીનો અનુભવ થશે.
અન્ય શહેરોનું તાપમાન
રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલા તાપમાન પર નજર કરીએ તો, ૯.૭ ડિગ્રી સેલ્સિયસ સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. અન્ય શહેરોમાં નલિયા ૧૦.૮ ડિગ્રી, રાજકોટ ૧૧.૫ ડિગ્રી, અમરેલી ૧૧.૬ ડિગ્રી અને ડીસા ૧૧.૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જ્યારે વડોદરામાં ૧૨.૨ ડિગ્રી, અમદાવાદમાં ૧૩.૩ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૩.૭ ડિગ્રી, ભાવનગરમાં ૧૪.૬ ડિગ્રી અને ભુજમાં ૧૪.૮ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાતા લોકોએ વહેલી સવારથી જ ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડ્યો હતો.
કેવું છે મહારાષ્ટ્રનું વાતાવરણ?
પડોશી રાજ્ય મહારાષ્ટ્રની વાત કરીએ તો, ત્યાં પણ ઠંડીની સાથે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. કોંકણ અને મુંબઈના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં ઉતાર-ચઢાવની સ્થિતિ છે, જ્યારે વિદર્ભ અને મરાઠવાડામાં ઉત્તર તરફથી આવતી શીતલહેરને કારણે ઠંડીનો કડાકો યથાવત રહેશે. બીજી તરફ, મધ્યપ્રદેશ અને ઓડિશામાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે પંજાબ અને હરિયાણામાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતા નાગરિકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
ઉત્તરના રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદની આગાહી
ઉત્તર ભારતમાં હવામાનમાં મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે. ૨૨ થી ૨૪ જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા અને વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ફેરફારની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળશે, જેના કારણે દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. પહાડી રાજ્યોમાં થનારી આ હિમવર્ષાને પગલે આગામી દિવસોમાં સમગ્ર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ઠંડીનું જોર હજુ વધવાની શક્યતા છે.