સુરત: આમ તો ઓપીનીયન લીડર પાસેથી સમાજ ખૂબ આશા રાખે છે, તેના વર્તન અને વ્યવહારનું અનુસરણ તેના ફેન ફોલોવિંગ કરતાં હોય છે, પણ સુરતમાં ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે નશામાં ધૂત થઈને પોતાની લક્ઝરી કાર પરથી કાબૂ ગુમાવતા બે નિર્દોષ બાઇકસવારોને જોરદાર ટક્કર મારી હતી. બાદમાં હાજર લોકોએ તેને બરાબરનો મેથીપાક ચાખડ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
મળતી વિગતો અનુસાર, સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ'ની ઘટના બની હતો. જેમાં ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હિરેન પટેલે દારૂના નશામાં ધુત થઈને પોતાની લક્ઝરી કાર પરથી કાબૂ ગુમાવતા બે નિર્દોષ બાઇકસવારોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને બાઈકસવારોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની વાત કરવામાં આવે તો મોટા વરાછામાં 'દુઃખિયાના દરબાર' પાસે હિરેન પટેલ પોતાની કાર લઈને પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે રસ્તા પર જઈ રહેલા બે બાઇકસવારને ઉડાવ્યા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે એક મોટરસાયકલ કારની નીચે ફસાઈ ગઈ હતી અને ચાલકે કાર ઉભી રાખવાને બદલે તેને લાંબે સુધી ઢસડી હતી.અકસ્માત બાદ કારમાંથી દારૂની બોટલ મળી આવતા લોકો રોષે ભરાયા હતા અને લોકોના ટોળાએ ઈન્ફ્લુએન્સરને પકડીને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
લોકોએ જ્યારે ચાલક હિરેન પટેલને બહાર કાઢ્યો ત્યારે તે દારૂના નશામાં ધૂત હોવાનું જાણવા મળ્યું હતું અને કારની તપાસ કરતાં અંદરથી દારૂની નાની બોટલ પણ મળી આવી હતી. આથી રોષે ભરાયેલા ટોળાએ તેને સ્થળ પર જ મેથીપાક ચખાડી પાઠ ભણાવ્યો હતો. વીડિયોમાં લોકો બોલતા સાંભળવા મળ્યા હતા કે પોલીસ તો આવશે એટલે મારશે, પણ પોલીસ આવે તે પહેલા આને મેથીપાક ચખાડો. જેથી દારૂ પીવાના વિચાર ન કરે. અન્ય એક વ્યક્તિ બોલતો સંભળાય છે કે આવાને મરાય નહિ, મોનોકોટો જ પાય દેવાય.