નાગપુર: સગીરાનું અપહરણ કરવા બદલ ધરપકડ કરાયેલો 19 વર્ષનો આરોપી નાગપુર પોલીસના લોકઅપમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
જરીપટકા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં મનોજકુમાર રામજી ભાટિયાની તાજેતરમાં ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશથી નાગપુર લાવવામાં આવ્યા બાદ મનોજકુમારને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને બે દિવસની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી. કોર્ટના રિમાન્ડ મળ્યા બાદ મનોજકુમારને પોલીસ લોકઅપમાં રાખવામાં આવ્યો હતો.
ગુરુવારે રૂટિન ચેકઅપ દરમિયાન લોકઅપમાં મનોજકુમાર ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ અંગે તાત્કાલિક વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને મનોજકુમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પ્રક્રિયા મુજબ આ પ્રકરણે તપાસ હાથ ધરવામાં આવી હતી, એમ અન્ય પોલીસ અધિકારીએ કહ્યું હતું.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના હંડિયા ગામનો રહેવાસી મનોજકુમાર શિક્ષણ માટે નાગપુરમાં આવ્યો હતો અને જરીપટકા વિસ્તારમાં રહેતો હતો. એ સમયગાળામાં તેણે તેના વતનની સગીરાનું અપહરણ કર્યું હતું.
સગીરાના પરિવારે આ પ્રકરણે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે મનોજકુમારને ટ્રેસ કર્યો હતો અને સગીરાનો છુટકારો કરાવ્યો હતો. બંનેને બાદમાં નાગપુર લવાયાં હતાં.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે મનોજકુમારના મૃત્યુ અંગે તેના પરિવારને જાણ કરી હતી. આ પ્રકરણે તપાસ કરવામાં આવી રહી છે અને ઘટના સમયે ફરજ પર હાજર પોલીસકર્મીઓનું નિવેદન નોંધવામાં આવ્યું છે. (પીટીઆઇ)