લાતુર: નિલંગા તાલુકાના તાંબાલા જિલ્લા પંચાયત બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામાનો અંતે ક્લાઈમેક્સ આવ્યો, જે મહિલા ઉમેદવારનું અપહરણ થયું હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો તે અંજના સુનીલ ચૌધરીએ આજે અચાનક ૨૫-૩૦ ગાડીના કાફલા સાથે ચૂંટણી કચેરીમાં હાજરી આપી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. આ ચોંકાવનારા નિર્ણયને કારણે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
નિલંગા તાલુકામાં તાંબાલા જૂથ અનુસૂચિત જનજાતિ મહિલાઓ માટે અનામત છે. આ જૂથના કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર અંજના ચૌધરીનું શનિવારે ૨૪ જાન્યુઆરીના ઉદગીરથી કેટલાક અજાણ્યા ગુંડાઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અભય સાળુંખેએ પોલીસ અધિક્ષકને કરી હતી. 'તેમને બળજબરીથી વાહનમાં લઈ જવામાં આવ્યા હતા,' એવો સનસનાટીભર્યો દાવો સ્થાનિક નેતા રણજીત કોકાણેએ કર્યો હતો.
મંગળવારે ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો છેલ્લો દિવસે સવારે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ અંજના ચૌધરી ૨૦ થી ૨૫ કારના કાફલા સાથે કાર્યાલય પહોંચ્યા અને કોઈની સાથે વાત કર્યા વિના પોતાનું ઉમેદવારીપત્ર પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી.
આ ઘટના બાદ પૂર્વ રાજ્યપ્રધાન અમિત દેશમુખે આક્રમક વલણ અપનાવતા કહ્યુ હતું 'શું નિલંગા તાલુકો બિહાર બની ગયો છે? ધોળા દિવસે ઉમેદવારોનું અપહરણ લોકશાહી માટે ખતરનાક છે', તેમણે શાસક પક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું.
અંજના ચૌધરીના ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા બાદ, આ મેદાનમાં ફક્ત બે ઉમેદવારો બાકી રહ્યા છે, ભાજપના મહાનંદ તુમાકુટે અને ભાજપના વૈકલ્પિક ઉમેદવાર મીરા તુબકલે. આ ઉમેદવારોમાંથી એક ઉમેદવાર હાલમાં 'નોટ રિચેબલ' હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો બીજો ઉમેદવાર પણ ઉમેદવારી પત્ર પરત ખેંચી લે છે, તો આ ચૂંટણી બિનહરીફ થવાની શક્યતા છે.