મુંબઈ: બોલીવુડના દિગ્ગજ કલાકારો સંજય મિશ્રા અને નીના ગુપ્તા ફરી પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે. તેમની આગામી થ્રિલર ફિલ્મ 'વધ 2'નું ટ્રેલર 27 જાન્યુઆરી, 2026 ના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. જોકે, 'વધ 2' ફિલ્મના સસ્પેન્સથી ભરપૂર ટ્રેલરે દર્શકોમાં ફિલ્મ અંગે ઉત્સુકતા પણ વધારી છે.
'વધ 2'ના ટ્રેલરમાં શું છે ખાસ
જસપાલ સિંહ સંધૂના નિર્દેશનમાં બનેલી 'વધ 2' ફિલ્મ થ્રિલર અને ઇમોશનલ સંઘર્ષથી ભરપૂર છે. લવ રંજન અને અંકુર ગર્ગ (લવ ફિલ્મ્સ) દ્વારા પ્રોડ્યુસ થયેલી આ ફિલ્મમાં માત્ર સંજય મિશ્રા અને નીના ગુપ્તા જ નહીં, પરંતુ કુમુદ મિશ્રા, શિલ્પા શુક્લા, અમિત કે. સિંઘ, અક્ષય ડોગરા અને યોગિતા બિહાની જેવા પ્રતિભાશાળી કલાકારો પણ છે.
ફિલ્મના ટ્રેલર જોતા સમજાય છે કે, સ્ટોરી ખૂબ જ ગંભીર છે. પરંતુ ટ્રેલરમાં અસલી ખૂની કોણ છે તે રહસ્ય અકબંધ રાખવામાં આવ્યું છે. જેલમાં બંધ નીના ગુપ્તાને બહાર કાઢવા માટે સંજય મિશ્રા કયો રસ્તો અપનાવે છે, તે જોવું રસપ્રદ રહેશે.
રાઈટર-ડાયરેક્ટર જસપાલ સિંહ સંધૂ જણાવે છે કે "વધ 2 એક એવી સ્ટોરી છે, જે દર્શકોને લેયર્ડ થ્રિલર-મિસ્ટ્રીનો અનુભવ કરાવશે. અમે સ્ટોરી ટેલિંગની પદ્ધતિને વધુ ગાઢ બનાવી છે, જ્યાં સત્ય અને અસત્ય વચ્ચેનું અંતર પણ સામાન્ય છે."
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 2022માં આવેલી 'વધ'ની સ્પિરિચ્યુઅલ સિક્વલ છે. તેમાં વરિષ્ઠ કલાકારોના દમદાર સ્ક્રીન પ્રેઝન્સ એ સાબિત કરે છે કે સારી વાર્તા માટે ઉંમર કોઈ બાધ નથી. ફિલ્મની ફિલોસોફી અને ઈમોશનલ ડેપ્થ તેને સામાન્ય થ્રિલર કરતા અલગ પાડે છે. 'વધ 2' 6 ફેબ્રુઆરી, 2026ના સિનેમાઘરોમાં રિલીઝ થશે અને રહસ્ય પરથી પડદો ઊઠશે.