ભગવાન સામે સૌ સમાન, પ્રવેશનો નિર્ણય વહીવટી તંત્ર કરશે: સર્વોચ્ચ અદાલત
નવી દિલ્હી/ઉજ્જૈન: મધ્ય પ્રદેશના ઉજ્જૈનના વિશ્વપ્રસિદ્ધ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના ગર્ભગૃહમાં VIP પ્રવેશને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો.
સર્વોચ્ચ અદાલતે અરજદારને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે મહાકાલના દરબારમાં કોઈ VIP હોતું નથી અને ગર્ભગૃહમાં કોને પ્રવેશ આપવો તે નિર્ણય મંદિર વહીવટી તંત્રનો છે, અદાલત તેમાં દખલગીરી કરશે નહીં. કોર્ટે અરજદારને તેમની માંગણી મંદિર પ્રશાસન સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
ભગવાન મહાકાલ સામે સૌ સમાન
સુપ્રીમ કોર્ટે આ મામલે ટિપ્પણી કરતા કહ્યું કે, ભગવાન મહાકાલ સામે સૌ સમાન છે, કોઈને વિશેષ દરજ્જો આપી શકાય નહીં. ગર્ભગૃહમાં પ્રવેશના નિયમો નક્કી કરવાનો અધિકાર મંદિર સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર પાસે સુરક્ષિત છે, તેથી અદાલતે આવા આંતરિક વ્યવસ્થાપનના મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરવાની જરૂર જણાતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અરજદારે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા અઢી વર્ષથી સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ગર્ભગૃહમાં પ્રવેશ બંધ છે, પરંતુ VIP અને પ્રભાવશાળી લોકોને નિયમો તોડીને અંદર જવા દેવામાં આવે છે, જે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે.
અગાઉ ઈન્દોર બેન્ચે અરજી ફગાવી
આ અગાઉ ઓગસ્ટ 2025માં મધ્ય પ્રદેશ હાઈ કોર્ટની ઈન્દોર બેન્ચે પણ આવી જ એક અરજી ફગાવી દીધી હતી. હાઈ કોર્ટે પણ તે સમયે સ્પષ્ટ કર્યું હતું કે ગર્ભગૃહમાં પ્રવેશ અંગેનો અંતિમ નિર્ણય ઉજ્જૈન જિલ્લા કલેક્ટર અને મહાકાલ મંદિર પ્રશાસકનો જ રહેશે. સુપ્રીમ કોર્ટના આ તાજેતરના વલણ બાદ હવે મંદિરના પ્રવેશ નિયમોમાં ફેરફાર કરવાની સત્તા માત્ર મંદિર સમિતિ પાસે જ રહેલી છે, જેનાથી કાયદાકીય સ્તરે પ્રશાસનને મોટી રાહત મળી છે.
આ ચુકાદાને પગલે હવે સોશિયલ મીડિયા અને શ્રદ્ધાળુઓ વચ્ચે VIP કલ્ચરને લઈને ફરી ચર્ચા જાગી છે. સુપ્રીમ કોર્ટની 'મહાકાલ સામે સૌ સમાન' વાળી ટિપ્પણીની વ્યાપક પ્રશંસા થઈ રહી છે, ત્યારે સામાન્ય ભક્તો માટે ગર્ભગૃહ ક્યારે ખુલશે તે પ્રશ્ન હજુ પણ યથાવત છે.*